શ્રીજીનું પ્યારું સ્મરણ

શ્રીજીનું પ્યારું સ્મરણ

આપણે ભગવાનના ભક્ત હોવાથી પ્રભુ આપણને પ્યારા છે, આપણે પ્રભુને પ્યારા છીએ. જેને જે વહાલા હોય તેનું તે ગમતું કરે. આપણને ભગવાન વહાલા છે, માટે આપણે ભગવાનનું ગમતું કરવું જોઈએ, તો મહારાજ અતિ-અતિ રાજી થઈ જાય. જો આપણે પ્રભુને અતિ પ્યારા થવું હોય, પ્રભુને રાજી-રાજી કરવા હોય, તો પ્રભુનું ગમતામાં ગમતું હોય તે જલદીમાં જલદી જીવનમાં ઉતારવું જોઈએ.

ભગવાનનું ગમતામાં ગમતું શું છે ? ભગવદ્ગીતામાં ભગવાને પોતે પોતાનું ગમતામાં ગમતું રહસ્ય આ રીતે બતાવ્યું છે-

मन्मना भव भद्भक्तो, मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यति सत्यं ते, प्रतिजाने प्रियोऽसि मे ।।

હે ભક્ત ! તું સતત મનથી મારું જ સ્મરણ કર. તે માટે તું મારામાં પ્રગાઢ પ્રેમ વધાર. તું હવે મારું જ યજન-પૂજન કર, મને વંદન-પ્રણામ-નમસ્કાર કર્યા કર, અર્થાત્ હવે તું અખંડ મારામય થઈ જા. મારો પાકો ભક્ત બની જા. તારે જે જે કરવું ઘટતું હોય તે બધું મને ભજવા-આરાધવા-રાજી કરવા જ કર. બધું મને અર્પણ કરતો રહે.

જો તું મારું વચન માની આ મારા ગુહ્યતમ રહસ્યને જીવનમાં પ્રેક્ટિકલ કરી લે, તો હું તને સત્ય ખાત્રી આપું છું કે, તું વહેલામાં વહેલો મને જ પામી જઈશ. તું મને બહુ વહાલો ભક્ત છે, એટલે આ મારા હૃદયનું ગમતામાં ગમતું રહસ્ય તને જણાવું છું.

વહાલા ભક્તો ! જીવનભર સર્વે શાસ્ત્રો વાંચીએ-વિચારીએ પછી પણ આપણને પ્રભુ પામવાનું રહસ્ય પકડાય કે ન પકડાય. જ્યારે આ તો પ્રભુ પોતે જ પરમકૃપા કરી તેમનું ગમતું રહસ્ય સામેથી જણાવે છે, માટે હવે મહારાજને અતિ રાજી-રાજી કરવા આપણે સર્વોપરી શ્રીહરિનું નામસ્મરણ, ધ્યાન-ભજન ખૂબ જ કરતા રહેવું જોઈએ.

આપણા ષ્ટદેવ ભગવાન શ્રીહરિએ પોતે તેમની કૃપા પામવાનું રહસ્ય નીચે મુજબ જણાવ્યું છે. “ધ્યાન કરતા (ભગવાનની) મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોપણ ધ્યાન કરવું, પણ કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં; એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.” (વચનામૃત ગ.પ્ર.૫)

ભલે મૂર્તિ ન દેખાય, ભલે શરૂઆતમાં એટલું સુખ ન આવે, કદાચ કંટાળો પણ આવે, તોપણ ધ્યાન-ભજન-સ્મરણ કરવા માટે મંડ્યા જ રહીશું તો પ્રભુ પોતે કૃપા કરીને વશ થઈ જશે.

કોઈ પણ સાયન્ટિસ્ટ ખરેખરો ખપ રાખી કાંઈ નવું સંશોધન કરવા મંડી પડે ત્યારે તેમાં કાંઈ સુખ આવતું હોતું નથી, ફળ દેખાતું હોતું નથી. અરે ! અનેક વખત ફેલ થાય, છતાં તેની લગન છોડતો જ નથી. વર્ષો સુધી મંડ્યો જ રહે છે, પણ તે વૈજ્ઞાનિક જેનું સંશોધન કરવા આટલું મથતો હોય તે વસ્તુ એ વાત જાણીતી હોતી નથી. તે સંશોધન તેના ઉપર કાંઈ કૃપા કરી શકતું નથી.

જ્યારે આપણે તો જેનું ભજન-સ્મરણ કરીએ છીએ તે પરબ્રહ્મ પરમાત્મા આપણો ભાવ, આપણી મહેનત સંપૂર્ણપણે જાણે છે. વળી, તે પરમકૃપાળુ છે, તેથી આપણી શ્રદ્ધા જોઈને અતિ રાજી થઈ જાય છે અને સામેથી કૃપા કરી દર્શન દે છે, તથા કાયમ માટે વશ થઈ જાય છે; એટલે આપણે તો ભગવાનનું ભજન-સ્મરણ કરવા અતિ શ્રદ્ધાથી રાત-દિવસ મંડ્યા જ રહેવું જોઈએ.

વિજયાત્માનંદ સ્વામી નામના શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક સંત હતા. તેઓ અતિ શ્રદ્ધાપૂર્વક શ્રીહરિનું સતત સ્મરણ કરતા રહેતા. તેમનો પ્રેમ જોઈને મહારાજ અતિ રાજી થઈ ગયા, પછી વિજયાત્માનંદ સ્વામી જ્યારે એવું બોલે, ‘હે મહારાજ ! હે નાથ ! હે હરિ !’ ત્યારે પ્રભુ તેને સામેથી પ્રતિભાવ આપતા કે, ’હા સ્વામી ! જય સ્વામિનારાયણ...’ આવું વારંવાર બનવા લાગ્યું, ત્યારે સ્વામી કહે, ’મહારાજ ! મારે તો આવી રીતે સ્મરણ કરવાની ટેવ છે. આપ કેટલી વાર જવાબ આપશો ?’ પ્રભુએ કહ્યું, ’સ્વામી ! જે મને શ્રદ્ધા અને પ્રેમપૂર્વક પોકાર્યા કરે તેને સામે જવાબ આપવાની મારે પણ ટેવ છે.’

જુઓ ! વિજયાત્માનંદ સ્વામીએ સતત ભજન-સ્મરણ કરવાની પ્રેક્ટિસ કરી તો પ્રભુ પોતે વશ થઈ ગયા. સામેથી ના કહેવા છતાં દર્શન આપવા લાગ્યા. એવી જ રીતે કુંડળ ગામના મામૈયા પટગીર ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં એવા જ પ્રેમી મહાભક્ત હતા. એકવાર રાત્રે જેવી ઊંઘ ઊડી કે તરત સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... એમ સ્મરણ કરવા લાગ્યા. એ જ વખતે પ્રભુ પોતે તેમના ઘરે સાક્ષાત્ પધાર્યા. ત્યારે સાથેના દરબારોએ પૂછ્યું, ’મહારાજ ! આપણે મૌન રહી ચૂપચાપ અહીંથી આગળ જવા નીકળી જવાનું નક્કી કર્યું હતું ને ?’ ત્યારે મહારાજ કહે, ’આ મામૈયા ભક્તએ અમને અતિ પ્રેમથી સંભાર્યા એટલે અમારાથી મળ્યા વિના રહેવાયું નહીં.’

વહાલા ભક્તો ! આપણે પણ શ્રદ્ધાથી પ્રેમપૂર્વક શ્રીહરિનું સ્મરણ કરતા જ રહીશું, તો પરમકૃપાળુ પ્રભુજી કૃપા કરીને આપણને પણ વશ થઈ જશે, દર્શન દેશે; માટે ખાતાં-પીતાં, ન્હાતાં-ધોતાં કે કોઈ પણ કામ કરતાં હવે શ્રીહરિનું સતત સ્મરણ કરવાની ટેવ પાડી દઈએ. બીજું બિનજરૂરી બોલ-બોલ કરવાનું કે વિચાર્યા કરવાનું બંધ કરીએ, અને શ્રીહરિનું સ્મરણ કરવાનું આજથી જ ચાલુ કરી દઈએ, તો પ્રભુ આપણા પર પણ અતિ રાજી રાજી થઈ વશ થઈ જશે, અને આપણને જેવા બનાવવાની અપેક્ષા હશે તેવા જ બનાવી દેવાની મોટી કૃપા કરશે.