શુદ્ધ ભાવ કેવું કામ કરે..!

શુદ્ધ ભાવ કેવું કામ કરે..!

એક સમે મહારાજ વાસુદેવનારાયણના ઓરડામાં વિરાજમાન હતા. ત્યારે કોઈક પ્રેમી હરિભક્તે આવીને મહારાજને કહ્યું જે, “હે મહારાજ, મારે સાધુ જમાડવા છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “કેટલા સાધુ જમાડવા છે ?” ત્યારે તે હરિભક્તે કહ્યું જે, “મહારાજ, મારે સો સાધુ જમાડવા છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “મુક્તાનંદ સ્વામીને કહો જે, સંતો જમવા આવે.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ સાધુને બોલાવવા મોકલ્યા. ત્યારે સાધુ આવ્યા ને દરબારમાં પંક્તિ થઈ. ને લાડવા લખુ કંદોઈને હાટેથી લાવીને વાસુદેવનારાયણના ઓરડા આગળ લોઢાની કડાઈમાં નાંખ્યા; તે લાડવા ચારસો હતા. ત્યારે મહારાજ ઓરડામાંથી આવીને આથમણે પડખે ખુરશી નાંખીને તે ઉપર બેઠા. ત્યારે તે પેલા પ્રેમી હરિભક્તે મહારાજને ખુરશી ઉપરથી તેડી જઈને લોઢાની કડાઈમાં લાડવા હતા તે દેખાડ્યા ને કહ્યું જે, “મહારાજ, ચારસે લાડવા છે ને બીજા લાડુનું મેં કંદોઈને કહ્યું હતું; પણ તૈયાર ન કર્યા.” એમ કહીને તે હરિભક્તની આંખમાંથી પાણી નીકળવાં મંડ્યાં ને બહુ દિલગીર થયા.

મહારાજે તેમની સામું જોઈને કહ્યું જે, “ભગત, શા સારુ દિલગીર થાવ છો ?” ત્યારે તેણે મહારાજને વિનંતીએ સહિત કહ્યું જે, “મહારાજ, મારો મનોરથ ખોટો થઈ ગયો. મારો મનોરથ એવો હતો જે, મહારાજ સાધુને લાડવા સારી પેઠે પંક્તિમાં ફરીને જમાડે. અને લાડવા તો થોડા છે; તેથી મારો મનોરથ ખોટો થઈ ગયો.” ત્યારે તે પ્રેમી ભક્તનો ભાવ જોઈને મહારાજ રાજી બહુ થયા ને તે હરિભક્તના બરડા ઉપર બે-ત્રણ વાર હાથ ઠબકાર્યો ને કહ્યું જે, “કાંઈ ચિંતા રાખશો મા. તમારો મનોરથ છે તે સારી પેઠે પૂરો થશે, ને અમે લાડવા સારી પેઠે જમાડશું, ને પંક્તિમાં સારી પેઠે ફરશું, તોપણ લાડવા નહિ ખૂટે ! ને તમારો મનોરથ પૂરો થશે.”

એમ કહીને મહારાજે સંતોની પંગતમાં લાડવા ફેરવવા માંડ્યા. પહેલી વાર પંક્તિમાં ફર્યા ત્યારે ચાર-ચાર લાડુ સાધુને દીધા. ને બીજી વાર ફર્યા ત્યારે બબ્બે ને ત્રીજી વાર ફર્યા ત્યારે દોઢ-દોઢ લાડુ ફેરવ્યો. ને ચોથી વાર ફર્યા ત્યારે અકેકો લાડવો ફેરવ્યો. ને પાંચમી વાર ફર્યા ત્યારે અડધો-અડધો લાડવો ફેરવ્યો. ને છઠ્ઠી વાર ફર્યા ત્યારે કોઈએ લીધો નહિ. ને સાતમી વાર ફર્યા ત્યારે મહારાજ ચરણારવિંદ દેતા આવે ને લાડુ દેતા આવે; ને એક લાડુ લે તેને એક ચરણારવિંદ આપે ને બે લાડુ લે તેને બે ચરણારવિંદ આપે. ને આઠમી વાર ફર્યા ત્યારે એક લાડવો લે તેને બે ચરણારવિંદ આપે. ને નવમી વાર ફર્યા ત્યારે એક લાડવો લે તેને બે ચરણારવિંદ આપે ને બે હાથ મસ્તક ઉપર મૂકે; એવી રીતે ફરીને તે હરિભક્તને કહ્યું જે, “કેમ ભગત ! તમારો મનોરથ પૂરો થયો ?” ત્યારે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે, “મહારાજ ! રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ..! હે મહારાજ ! મારો મનોરથ તમે દયા કરીને પૂરો કર્યો.” આવી ભગવાનની કરુણા જોઈને તે ભક્તની આંખો ભીની થઈ ગઈ.

પછી મહારાજે હાથ ધોયા ને બ્રહ્મચારીએ રૂમાલ આપ્યો તે લઈને હાથ કોરા કર્યા. ત્યારબાદ મહારાજ તે હરિભક્તનો હાથ ઝાલી જ્યાં લાડવાનું કડાયું હતું ત્યાં લઈ ગયા ને કહ્યું જે, “જો, આ લાડવા સાધુ જમ્યા તોય વધ્યા ને ! તું કહેતો હતો જે,લાડવા થોડા છે’ ને દિલગીર થઈ ગયો હતો, તોપણ લાડવા તો વધ્યા !” એમ કહીને મહારાજ ખુરશી ઉપર વિરાજમાન થયા. વળી, એ હરિભક્તને કહ્યું જે, “લાડવા ગણી જો, કેટલા રહ્યા ?

ત્યારે તેણે આવીને કહ્યું જે, “મહારાજ, ચારસો ઉપર એક લાડવો છે.” ત્યારે મહારાજ મુખારવિંદ આડો રૂમાલ દઈને હસ્યા ને કહ્યું જે, “કેમ ભગત, તમારો મનોરથ પૂરો થયો ?” ત્યારે તે હરિભક્તે મહારાજને પગે લાગીને કહ્યું જે, “હે મહારાજ ! તમે મારા ઉપર પૂરણ દયા કરી !” પછી તે હરિભક્તને કહ્યું જે, “દરબારમાં બાઈઓ ને બીજાં મનુષ્ય હોય તેને જમાડો.” એમ કહીને મહારાજ અક્ષરભુવનમાં પધાર્યા.

વહાલા ભક્તો ! આપણા હૃદયમાં ભગવાનને રાજી કરવાની સાચી ભાવના હોય, દીનપણું હોય તો ભગવાન રાજી થઈને આપણા સર્વે મનોરથ પૂરા કરે છે. આમ, ભગવાન કૃપા કરીને આપણને કેવળ દયાથી એમની મૂર્તિમાં હેત કરાવે છે; માટે ભગવાનને રાજી કરવાની ભાવનાઓ કર્યા કરવી.