
કોઈ પણ વસ્તુ કાયમી નથી. તે પછી સત્તા હોય, શરીર હોય, રૂપિયા હોય કે તાકાત હોય; બધાની expirydate નક્કી જ હોય છે.
તેમ છતાંય વ્યક્તિ પોતાનો પુત્ર, સ્ત્રી, પરિવાર, બિઝનેસ, ખેતીવાડી, જમીન, સંસ્થા વગેરે સાથે બંધાયેલો હોય છે; પરંતુ સત્ય એ નથી કે આપણે બંધાયેલા છીએ.
સત્ય એ છે કે આપણે બંધાયેલા નથી. જો અત્યારે યમરાજા લઈ જાય તો જ્યાં બંધાયેલા છીએ તે કોઈ વ્યક્તિ, પદાર્થ કે સંસાર સાથે આવતો નથી. તે પરથી જોતા એનો અર્થ એ થયો કે, ‘હું બંધાયેલો નથી, પરંતુ પોતાને બંધાયેલો માનીએ છીએ.’ આ માટે એક બોધવાર્તા દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ.
કોઈ એક રાજાનું નગર હતું. તેમાં એક ધોબી રહેતો હતો. તે ધોબી રોજ રાજાનાં કપડાંને તેના ગધેડા પર મૂકી ધોબીઘાટે ધોવા જાય અને સાથે ગધેડાને બાંધવા એક દોરડી લેતો જાય.
એક દિવસ આ ધોબી ધોબીઘાટે પહોંચ્યો. ગધેડા પરથી કપડાં ઉતાર્યાં, ત્યારે યાદ આવ્યું કે, ‘હું ગધેડાને બાંધવાની દોરડી ભૂલી ગયો છું. તેથી ધોબી ખૂબ ચિંતિત થઈ ગયો.’
એ જ સમયે કોઈ સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ધોબીને જોઈને પૂછ્યું, ‘અરે ભાઈ ! શું થયું ?’ ધોબીએ કહ્યું, ‘સાધુ મહાત્મા ! હું ગધેડાને બાંધવાની દોરડી ભૂલી ગયો છું. જો તમારી પાસે દોરડી હોય તો આપો.’
સંતે કહ્યું, ‘દોરડી ભૂલી ગયો છો તે તને ખબર છે, ગધેડાને ક્યાં ખબર છે કે તું દોરડી ભૂલી ગયો છો ? ગધેડાને તો તું રોજ જ્યાં બાંધતો હતો ત્યાં જ ઊભો રાખી, ખોટે ખોટો હાથ ગળામાં નાખી, તેને બાંધવાનું નાટક કર.’
સંતે કહ્યા મુજબ ધોબીએ તેમ જ કર્યું અને ગધેડાને પણ એવું લાગ્યું કે મને બાંધી દીધો. હવે ગધેડો હલતો પણ ન હતો.
ધોબી કપડાં ધોઈને આવ્યો અને ગધેડાને લાકડી મારી પણ ગધેડો હલતો નથી. તેવામાં પેલા સંત આવ્યા. ધોબીએ કહ્યું, ‘આપે આ શું કર્યું છે ?’
સાધુએ કહ્યું, ‘પાગલ, પહેલા તું એને ખોલ તો ખરો..!’’
ધોબી કહે, ‘મેં તેને બાંધ્યો જ નથી..!’
સંતે કહ્યું, ‘તેં જેમ બાંધવાનું નાટક કર્યું હતું તેમ જ તેને છોડવાનું નાટક કર.’
ધોબીએ જ્યારે એમ કર્યું ત્યારે ગધેડાને લાગ્યું કે હું ખૂલી ગયો, તેથી ગધેડો તરત ચાલતો થયો.
હવે સમજવાનું એ છે કે, ગધેડો બંધાયેલો ન હતો, પરંતુ તેણે પોતાને બંધાયેલો માની લીધો હતો; એવી રીતે તે ગધેડો બીજો કોઈ નહિ આપણે પોતે જ છીએ, જે આખી જિંદગી ‘હું પુત્ર-પરિવારમાં બંધાયેલો છું’ તેમ માની બેઠા છીએ. આ જ તો અજ્ઞાન છે.
આપણે તો હજુ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, માલ-મિલકત આદિને મારું-પોતાનું માનીએ છીએ કે જે પોતાનું છે જ નહિ. જ્યારે શ્રીજીમહારાજ તો આપણને વચ.ગ.મ.૧૨માં કહે છે કે, “કામાદિક જે જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે, પણ જીવને વિશે તો એ એકે કુલક્ષણ છે નહીં; એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધાં છે.
વાસ્તવિકતામાં ભગવાન સિવાય કોઈ આપણી સાથે આવવાનું નથી. પરંતુ દેહાત્મભ્રમને લઈને અસત્ય એવો આ સંસાર તેમાં આપણું મન ભમ્યા કરે છે. અને જે મુમુક્ષુ છે તે સંસારને મિથ્યા માની પોતાના જીવનું ભલું કરી લે છે.
तेरी श्वास गीनी हुई है, जरा सोच समज के जीना ।
इन प्यासे मन को पाने को, हरिनाम का पीणा पीना ।।
વહાલા ભક્તો ! માતા-પિતા દ્વારા ઉત્પન્ન થયેલ આ મનુષ્યદેહ પણ આપણો નથી. અને જો આપણો હોય તો જ્યારે ઓછું દેખાવાનું શરૂ થાય, વાળ ધોળા થાય, ગઢપણ આવવા લાગે તો રોકી લેવું જોઈએ, પણ કશું થઈ શકતું નથી; માટે આ દેહ આપણો નથી.
માતાના ઉદરમાં પાણીના બુંદમાંથી મનુષ્યદેહ બંધાયો; તેમાં અબજો રૂપિયા દેતા મોટી મોટી કંપની પણ જે અંગો ન બનાવી શકે તેવાં આંખ, કાન, નાક વગેરે અંગો ભગવાને આપણને દયા કરી આપ્યાં. માટે આપણા જન્મના હેતુમાં ૯૦% ભાગ પરમાત્માનો છે, ૮% માતાનો છે અને ૨% પિતાનો છે. વાસ્તવમાં મૃત્યુના શિખર પર ઉભેલા આ શરીર પર પણ આપણો અધિકાર નથી; તો પછી પિતા-પુત્ર, ઘર-પરિવાર કે ધન-સંપત્તિ પર આપણો અધિકાર કઈ રીતે હોઈ શકે ?
અત્યારે ભક્તો પોતાના મકાનનું નામ ‘ઘનશ્યામ નિવાસ’ ‘શ્રીજી નિવાસ’ એવું પાડતા હોય છે. પરંતુ કોઈ પૂછે કે, આ ઘર કોનું ? તો કહે, મારું. અને ભગવાન તો ઘરમાં કોઈ વધારાની જગ્યામાં બેઠા હોય છે. બહારગામથી જ્યારે ઘેર આવીએ ત્યારે હું મારા ઘેર આવ્યો એવી ફીલિંગ હોય છે. આના ઉપર એક સરસ જીવન ઉપયોગી વાત છે.
રસ્તા ઉપર ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિને જોઈ કોઈ કારડ્રાઇવર તેની મદદે જાય છે. વૃદ્ધની ઇચ્છા જાણી કારડ્રાઇવર તેને ઘેર મૂકવા જાય છે. ત્યાં તેની પત્ની અપરિચિત વ્યક્તિને જોઈને ડરી જાય છે કે, ‘મારા પતિને કાંઈ થયું નથી ને..!’ તેના ચહેરાના ભાવ જોઈને પતિએ કહ્યું, ‘ચિંતા કરવા જેવું કાંઈ નથી, આ મને મૂકવા આવ્યા છે.’
પછી તેની પત્ની બોલી. તે શું બોલી..? તે ખૂબ જ કામનું છે. તેણીએ કહ્યું, ‘આ ભગવાનના ઘરમાં અમે પતિ-પત્ની જ રહીએ છીએ.’ જ્યારે ડ્રાઇવરે ભગવાનના ઘરની બાબતે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, ‘અમારા પરિવારમાં ભગવાનનું ઘર કહેવાની પૌરાણિક પરંપરા છે.’
આના પાછળની ભાવના એ છે કે, ‘આ ઘર તો ભગવાનનું છે ને અમે તેમના ઘરમાં રહીએ છીએ.’ જ્યારે લોકો એમ કહે છે કે, ‘આ ઘર અમારું છે અને ભગવાન અમારા ઘરમાં રહે છે.’ આ બંને વાતમાં મોટો ડિફરન્સ છે. લોકો મૃત્યુ પછી ભગવાનના ઘેર જાય છે અને અમે જીવતા જ ભગવાનના ઘરે રહીએ છીએ.
જ્યારે આપણે ‘હું ભગવાનના ઘરમાં રહું છું’ એમ માનીએ ત્યારે આપણાથી નકારાત્મક કોઈ કાર્ય નહિ થાય. વળી, સતત સદ્વિચાર અને દિવ્યતાથી ઓતપ્રોત થઈ જઈએ. જેમ મંદિરમાં જઈએ ને મનમાં કોઈ ક્લેશ કે ખરાબ વિચારો નથી હોતા, તેમ ભગવાનનું ઘર માનવાથી જ્યારે ઘરે જઈએ ત્યારે મન શાંતિ અને સુખથી ભરાઈ જાય છે.
અંતમાં વહાલા મહારાજ, પૂ.ગુરુજી તથા સંતો-ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે, ‘અમારો સ્વતંત્રભ્રમ, દેહાત્મભ્રમ ટાળજો અને અહં-મમત્વરૂપી માયા થકી અમારી રક્ષા કરજો. અમારું જીવન સતત આપના ગમતામાં રહે, આપની સ્મૃતિમય રહે એવી કૃપા કરશો !’
ચોપાઈ : પૂ.ગુરુજી
મારું અમારું ને આપણું રે,
નહિ માનવું આપણે અણુ રે;
સર્વે માનવું શ્રીહરિ તણું રે,
તો રાજી થાશે સર્વે ઘણું રે.