
એક પ્રસિદ્ધ જોક્સ પૂજ્ય ગુરુજીની કથામાં આપ સૌએ સાંભળ્યો હશે. એક વૈદ્યે એક ભાઈને અઠવાડિયું મીંઢી આવળનું સેવન કરવાનો ઉપચાર બતાવ્યો, પણ સાત દિવસ પછી તેણે ફરિયાદ કરી કે, ‘કોઈ ફરક નથી પડયો.’ ત્યારે વૈદ્યે પૂછ્યું કે, ‘તમે સેવન કર્યું કઈ રીતે ?’ ત્યારે તેણે જવાબ આપ્યો ‘હું રોજ મીંઢી આવળની પથારી કરી સૂતો હતો.’ આપણને સૌને તેની મુર્ખામી પર હસવું આવે; કારણ કે તે ભાઈએ જે રીતે ઔષધ લેવું ઘટે તે રીતે ન લીધું.
હમણાં જ એક વડીલને પાચનશક્તિ મજબૂત કરવાનો ઉપાય YouTubeમાંથી મળતાં તેમણે બંને ટાઇમ જમ્યા પછી છાશ પીવાનું ચાલુ કર્યું, અને એ પણ 3-4 ગ્લાસ. પરિણામ એ આવ્યું કે, અઠવાડિયામાં જ તેમને અત્યંત ઝાડા-ઉલ્ટીને કારણે હોસ્પિટલાઇઝ કરવા પડયા. પછી તેમના પરિચિત વૈદ્યે ખબરઅંતર પૂછતાં જણાવ્યું કે, ‘વડીલ ! છાશ પાચન તો કરે જ, પણ તેની લિમિટ હોય તો. અને એ પણ જો રાત્રે ન લેવાય તો વધુ સારું. પાચન માટે લીધેલી છાશે જ તમને અપચો કર્યો છે.’
વહાલા ભક્તો ! ભગવાનને પામવા, આત્માને બળિયો બનાવવા આ સત્સંગમાં રાજીપાનું ટોનિક ખૂબ જ અગત્યનું છે, પણ તેને લેવાની રીત ન આવડે તો પેલા વડીલની જેમ જ અપચો થાય. પરિણામે અનેક વિકૃતિઓ સર્જાતાં આપણે ઊલટાના નિર્બળ થઈ જઈએ. “રાજીપો એટલે હૃદયની પ્રસન્નતા.” કોઈના હૃદયમાં આપણાં વાણી-વર્તનથી પ્રસન્નતા થાય તે તે જ ક્ષણે આશીર્વાદના રૂપમાં આપણા હૃદય સુધી પહોંચી જાય છે. પરંતુ પ્રસન્ન થયેલી વ્યક્તિ જ્યારે તેને શબ્દોથી વ્યક્ત કરે છે ત્યારે તેઓની ખુશીમાં અને તેમના સંતોષમાં જ આપણાં કાર્યોની સાર્થકતા સમજવાને બદલે તે શબ્દોને આપણે આપણા અહંકારને સંતોષવા જ્યારે લઈએ છીએ, અને એ પણ આપણી કેપેસિટિ કરતાં વધુ માત્રામાં, અને વળી અયોગ્ય રીતે; ત્યારે તે માની લીધેલો રાજીપો જ ટોનિકની જગ્યાએ પેનિક બની જાય છે.
કાળાતળાવના રવજી સુતાર રામાનંદ સ્વામીના વખતથી સત્સંગી હતા. શ્રીજીમહારાજ જ્યારે જ્યારે કચ્છ વિચરણમાં પધારતા ત્યારે તે ખૂબ જ ભાવથી સેવતા અને પ્રસન્નતા મેળવતા. મહારાજે તેમને પાત્ર જાણી રાજી થઈને ઐશ્વર્ય આપ્યું. તેથી તેઓ ધારે તેને સમાધિ કરાવતા અને સૌના અંતરના ઘાટ પણ જાણી શકતા. કચ્છ દેશના ભક્તોના સુખાર્થે શ્રીજીમહારાજે તેમને ઐશ્વર્ય પ્રદાન કર્યું હતું. જેના કારણે સારાએ કચ્છમાં તેમની બોલબાલા થવા લાગી, પણ સમય જતાં હરિભક્તોની પ્રસન્નતા સાથે મળતી પ્રશંસાને કારણે રવજી સુતાર ભાન ભૂલ્યા. અને શ્રીજીમહારાજે તેમને ઐશ્વર્ય આપતી વખતે કોઈના ઘરે પાકો થાળ ન જમવો તથા સ્ત્રીઓ સાથે ન બોલવું વગેરે નિયમો આપ્યા હતા, તે લોપીને સ્વતંત્રપણે વર્તવા લાગ્યા. વળી હરિભક્તોના સૂચનને પણ ગણકારતા નહીં. છેવટે મહારાજે તેમનું ઐશ્વર્ય હણી લીધું ત્યારે ફરી પહેલાની જેમ નિર્માનીપણે સત્સંગ કરવા લાગ્યા. એટલે જ તુલસીદાસજીએ સાખીમાં લખ્યું છે કે,
“નહિ કોઉ અસ જન્મેઉ જગ માંઈ,
પ્રભુતા પાઈ અરુ મદ નાઈ.”
આપણે પણ આ સત્સંગમાં સાચા ભાવે સેવા, ભજન, આજ્ઞાપાલન ઇત્યાદિ કરીને વાલા મહારાજ અને સંતો-ભક્તોના હૃદયનો રાજીપો પ્રાપ્ત કરીએ છીએ; પણ તે રાજીપો રાજીપારૂપે જ લઈ રહ્યા છીએ ? જો હા, તો ધ્યાન-માનસીમાં સહેજે જ ગળતા હૃદયે મહારાજમાં જોડાવાય, સહેજે જ પંચવિષય ત્યાગવા ગમે, બીજા બધા દિલથી મોટા મનાય અને સૌને દાસભાવે સેવવાનું જ મન થાય. અને જો પોતાનાં વખાણ થાય તે ગમે, દિવસે દિવસે સત્સંગ-સેવા કરવા છતાં વિષયમાં ખેંચાણ વધે, પોતાની ખાસિયતોમાં જ રમમાણ રહેવાય અને આવડતો કે પદવીના પાવરથી બીજાની ગૌણતા થયા કરે; ત્યારે સમજી લેવું કે રાજીપાનું રિએક્શન આવ્યું છે.
“આપણને મળેલા રાજીપાનો ઉપયોગ જ્યારે આબરૂ વધારવા માટે કરીએ છીએ, ત્યારે તે આબરૂ જ રૂઆબ વધારી દે છે.” અને એ રાજીપો જ આપણી આધ્યાત્મિકતાને ઊધઈની જેમ અંદરથી કોતરી ખાય છે. જેમ બજારમાં શીંગદાણા સસ્તા ભાવે તો મળે, પણ તેને પચાવવા ખૂબ ભારે છે; તેમ સત્સંગમાં રાજીપો મેળવવો તો સહેલો છે, પણ તેને પચાવવો ઘણો કઠણ છે.
‘આ કામ આમનાથી જ થાય.’ ‘આમને લઈને જ અમે સુખી છીએ.’ ‘તેઓ અમારું ખૂબ ધ્યાન રાખે છે.’ વગેરે વગેરે શબ્દોના માધ્યમે મળતી પ્રશંસામાંથી પ્રેરાયેલી પ્રવૃત્તિ હંમેશાં ધ્યેય, દિવ્યતા, દાસત્વ ભૂલવાડી મનધાર્યું કરાવીને સ્વતંત્ર કરશે; જ્યારે પ્રસન્નતાની પ્યાસમાંથી પ્રેરાયેલી પ્રવૃત્તિ હંમેશાં ધ્યેય, દિવ્યતા, દાસત્વને વધારી ભગવાનની નજીક લઈ જશે.
શ્રીજીમહારાજે વચનામૃત.ગ.મ.૪૧માં આપણને જણાવ્યું જ છે કે, “જે માનનો સ્વાદ મૂકીને કેવળ પ્રસન્નતા માટે ભક્તિ કરે છે તે અમને ગમે છે.” છતાં ઘણી વાર આપણે કમાયેલા રાજીપાની રોકડી આબરૂ માટે કરીએ છીએ, તો ઘણી વાર મનેચ્છિત વિષયો કે પદાર્થો પ્રાપ્ત કરવા પણ કરી નાખીએ છીએ. ખરેખર તે દળી દળીને ઢાંકણીમાં ઉધારવા જેવું જ છે. જો ખરેખર રાજીપાના આ રિએક્શનથી બચવું હોય તો પૂજ્ય ગુરુજીનું આ પદ સદાય યાદ રાખવા જેવું છે.
તારો રાજીપો મળે સદાય,
પળે પળે તે વધતો જ જાય;
હું રાજીપાને વાવું સદાય,
પણ જો જો મુંથી વપરાય ન જાય.
(કી.માળા ભાગ -૧/૧૬૯ )
બિનજરૂરી ખરીદીમાં રૂપિયા વેડફવા કરતાં તેનું સુરક્ષિત જગ્યાએ સેવિંગ કરે તે બુદ્ધિશાળી ગણાય. કલા જગતમાં મોટેભાગે કલાકારો પોતાની કલા પ્રદાન કર્યા પછી તેના વળતરમાં રૂપિયા લેતા હોય, પરંતુ એક વખત એક હોશિયાર કલાકારે પોતાની કલાના બદલામાં આપણને કહ્યું કે, “મને રૂપિયા તો તમે જે આપવા હોય તે આપજો, પરંતુ મને રૉયલ્ટિ તો જોઈશે.” (રૉયલ્ટિ એટલે જે તે વસ્તુ YouTube આદિ પ્લેટફોર્મમાં ચઢાવ્યા પછી તેના વ્યૂઅર્સના આધારે મળતી ઇન્કમનો ભાગ.) આપણને મળેલા રાજીપાને આ લોકના ક્ષુલ્લક આનંદરૂપી રૂપિયા પ્રાપ્ત કરવા વાપરી નાંખવા કરતાં, તે રાજીપાને શ્રીહરિ કે સદગુરુરૂપી બેંકમાં સેવ કરી, તે રાજીપાની રૉયલ્ટિ રૂપે તેઓને મળતા મૂર્તિના આનંદના આપણે પણ સહભાગી થઈ જઈએ તો રાજીપાનું સાચું ફળ પ્રાપ્ત કર્યું ગણાય.