શાંતિનું રહસ્ય...

શાંતિનું રહસ્ય...

એક મોટા આશ્રમમાં સંત-મહાત્મા રહેતા હતા. સાથે તેમના ઘણા શિષ્યો પણ હતા. બધા જ શિષ્યો ખૂબ આનંદથી સાધના-આરાધના કરતા હતા. શિષ્યોને કાંઈ મૂંઝવણ હોય, પ્રશ્નો હોય તો તેનું ગુરુદેવ નિરાકરણ કરે ને આધ્યાત્મિકતાના પાઠ ભણાવે.

એમાં એક દિવસ એક શિષ્યે ગુરુદેવ પાસે આવીને કહ્યું : “ગુરુદેવ, હું આપે બતાવેલ રાહ પ્રમાણે સાધના કરું છું, પરંતુ મનમાં થોડી અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે છે.”

ગુરુદેવે શિષ્યની આંખો સામે જોયું ને તેના અંતરની વેદના પામી ગયા ને કહ્યું : “તું મારી સાથે ચાલ, હું તને શાંતિનો ઉપાય બતાવું.” આમ કહી શિષ્યને સાથે લઈને ગુરુદેવ જંગલ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં ગુરુદેવે એક મોટો પથ્થર ઉઠાવીને શિષ્યના માથા ઉપર મૂક્યો ને કહ્યું : “તું પથ્થર માથે પકડીને મારી સાથે ચાલવા માંડ.” આથી શિષ્યે તે પથ્થર પોતાના માથે લઈને ગુરુદેવ સાથે ચાલવા માંડ્યું.

થોડો સમય ચાલ્યા ત્યાં પથ્થરના વજનથી શિષ્યનું માથું દુ:ખવા લાગ્યું, તેમ છતાં ચૂપચાપ ચાલતો રહ્યો. ગુરુદેવ કાંઈ કહેતા નથી. બંને ચાલ્યા જાય છે. પરંતુ હવે શિષ્યથી પથ્થરનું વજન સહન થતું નથી. માથું ખૂબ દુ:ખવા માંડ્યું ને અંતે થાકીને કહે છે : “ગુરુદેવ ! હવે મારાથી આ પથ્થરનું વજન સહન થતું નથી માથું દુ:ખવા માંડ્યું છે.”

ગુરુદેવે તરત જ કહ્યું : “તો પથ્થર નીચે નાંખી દે.” એટલે શિષ્યે તરત પથ્થર નીચે નાંખી દીધો ને લાંબો શ્વાસ લઈને હાશકારો અનુભવ્યો. ગુરુદેવે કહ્યું : “હવે શાંતિ થઈ ગઈ ને ?” શિષ્યે કહ્યું : “હા ગુરુદેવ.”

ગુરુદેવે શિષ્યને પ્રેમથી કહ્યું : “બેટા ! તેં મને પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ જવાબ છે.”

“ગુરુદેવ હું કાંઈ સમજ્યો નહિ.” શિષ્યે આશ્ચર્ય સાથે કહ્યું.

ત્યારે ગુરુદેવે કહ્યું : “મૂંઝવણરૂપી પથ્થર માથામાં રાખીશ ત્યાં સુધી ઉદ્વેગ-અશાંતિ મટશે નહીં. એને નાંખી દે ગુરુના ચરણોમાં, એટલે તરત શાંતિ. આ જ છે શાંતિનું રહસ્ય.”

શિષ્યને વાત સમજાય ગઈ. ગુરુદેવ આગળ મનની બધી જ મૂંઝવણ કહી દીધી. ગુરુદેવના રાજીપાથી તેની બધી જ મૂંઝવણ ટળી ગઈ ને અંતરમાં પરમ શાંતિનો અનુભવ થયો.

વહાલા ભક્તો ! જીવન છે તો ક્યારેક નાના મોટા પ્રસંગોથી આપણા અંતરમાં પણ મૂંઝવણ, હતાશા, નિરાશાનાં વમળો આવ્યા જ કરતા હોય છે. જ્યાં સુધી મન ઉદ્વિગ્ન હોય ત્યાં સુધી આવો દિવ્ય માહોલ મળવા છતાંય અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. મહારાજે આપણને દયા કરી આવો દિવ્ય સત્સંગ આપ્યો છે. આપણી મૂંઝવણને ટળાવનારા સાચા સત્પુરુષ અને સંતો આપ્યા છે. બસ, એમની આગળ અંતર ખોલી હળવા થઈ જઈએ તો પરમ શાંતિનો અનુભવ આપણને પણ થશે.