શા માટે? - સકારાત્મકતા સુખદાયી

શા માટે? - સકારાત્મકતા સુખદાયી
February 1, 2023

માણસનું મન સતત કંઈક ને કંઈક વિચારતું જ રહે છે. મનના સ્વરૂપ વિશે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે,

નિમિષ એક નવરો નહીં, સંકલ્પ કરતા સોય;
જાગ્રત સ્વપ્ન સર્વમાં, દીધી છે દોરી પ્રોય.

આમ, કુદરતે માણસનું મન એવી રીતે બનાવ્યું છે કે, તે કોઈ પણ વિચાર કર્યા વિના નવરું રહી શકતું નથી. પરંતુ શું વિચારવું? તેની સ્વતંત્રતા દરેક વ્યક્તિને આપેલી છે. દા.ત. રસ્તા પર નાનો એવો એક્સિડન્ટ થતાં કોઈને એમ વિચાર આવે કે, ખબર નહિ કોનું મોઢું જોઈને નીકળ્યો હતો, આ બાઈકમાં જ પ્રોબ્લેમ છે. કંપનીવાળા પણ કટાણે મીટિંગ ગોઠવે છે; જ્યારે કોઈને એમ વિચાર આવે કે, હા....શ! પ્રભુએ બચાવી લીધો, આજે પ્રભુનો આભાર માનવા વિશેષ ભજન કરીશ.

ઘટના તો એક જ હોય પણ સકારાત્મક કે નકારાત્મક વિચારધારાને આધારે જ માણસ સુખી કે દુખી થાય છે. ટૂંકમાં કહીએ તો, સકારાત્મકતા એટલે વિપરીત પરિસ્થિતિમાંથી સારું શોધી સારા પરિણામની આશા સાથે મહેનત કરવી. અને નકારાત્મકતા એટલે ભવિષ્યની વધુ પડતી અને ખોટી ચિંતા કરી નિરાશ થઈ બેસી રહેવું.

મગજના ચેતાકોષોની હિલચાલ પર થયેલા ચુંબકીય પ્રતિધ્વનિ વિષયક સંશોધનોમાં એમ સાબિત થયું છે કે, વ્યક્તિ જેવું વિચારે છે તેના આધારે મગજના ચેતાકોષો અમુક પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરે છે. અને તેનું શરીર તે જ પ્રમાણે ક્રિયા કરે છે. ઉપરાંત આ ઊર્જા આસપાસની વ્યક્તિઓના મગજમાં Mirror Neurons Effect દ્વારા પ્રસારિત થતાં તે વ્યક્તિઓમાં પણ તે જ પ્રકારનો પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. પરિણામે જો વ્યક્તિ સારું વિચારે તો તેની સાથે સારું થાય અને ખરાબ વિચારે તો ખરાબ થાય.

વૈજ્ઞાનિક સંશોધનો મુજબ નકારાત્મકતાવાળી વ્યક્તિમાં પ્રશ્નોના નિરાકરણ લાવવાની ક્ષમતા ઓછી થાય છે. પરિણામે સફળતા મળતી નથી અને વ્યક્તિ મૂંઝવણ કે ડિપ્રેશનનો ભોગ બને છે. ઉપરાંત નકારાત્મક ભાવનાથી મગજમાં રોગપ્રતિકારકશક્તિ ઘટે તેવા સંકેતો ઉત્પન્ન થવાથી વ્યક્તિ વિવિધ રોગોનો પણ સહેલાઈથી ભોગ બને છે. જ્યારે સકારાત્મક અભિગમથી મગજના ચેતાકોષો વચ્ચે Positive Pathways તરીકે ઓળખાતા જોડાણો વધારે મજબૂત બનતાં વ્યક્તિ આનંદ અને આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. મહારાજે પણ વચનામૃતમાં સકારાત્મકતા ઉપર ભાર આપતાં કહ્યું છે કે,

  1. જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કંઈક પોતાને વિશે પુરુષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં. (ગ.મ.૩૧)
  2. મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. (ગ.મ.૩૩)

ખરેખર, પ્રભુએ આપેલ આ અમૂલ્ય જીવનને વધુ ઉન્નત, ઉજાગર અને સુખદાયક બનાવવા માટે જો ખૂબ જરૂરી ચીજ હોય તો તે છે સકારાત્મકતા. તો આવો, ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા છોડી, અન્યની નિંદા, ટીકા, ઈર્ષા, હરીફાઈથી પર થઈ; હંમેશાં મહારાજ અને સંતો-ભક્તો ના ગુણો-ઉપકારો સંભારી, તેમને ગમતાં પાત્ર બનવા અને મળેલી પ્રાપ્તિનો આનંદ લૂંટવા અપનાવીએ - સકારાત્મક અભિગમ...