
પરમાત્માની રચેલી આ સૃષ્ટિમાં એક પરમાત્મા સિવાય જન્મ લેનાર કોઈ પણ પૂર્ણ નથી. બાળક જન્મે ત્યાંથી બોલતાં-ચાલતાં શીખવા માટે પોતાનાં માતા-પિતા કે કુટુંબીઓને ગુરુ બનાવે છે, રમત શીખવા પોતાના ભાઈબંધોને ગુરુ બનાવે છે, સારું શિક્ષણ પ્રાપ્ત કરવા શાળાના શિક્ષકોને ગુરુ માને છે, ધંધો-નોકરી કે કોઈ કળામાં સફળતા પ્રાપ્ત કરવા તે ક્ષેત્રના નિષ્ણાતોને ગુરુ કરવા જ પડે છે. જો આ લોકમાં સુખે જીવન જીવવા પણ અનેકને ગુરુ કરવા જ પડતા હોય, તો ભગવત્પ્રાપ્તિરૂપ અખંડ મહાસુખને પ્રાપ્ત કરવા કોઈ યોગ્ય સદ્ગુરુનું શરણું સ્વીકારવું પડે; એ વાતમાં કોઈ શંકાને સ્થાન જ નથી.
‘હું તો મારી મેળે જ કરી લઉં’, ‘મને બધી ખબર પડે હો’ આવી હવામાં રહેનારા પણ છેવટે google ગુરુનું શરણું લીધા વિના રહી શકતા નથી. પોતાને બુદ્ધિશાળી માની હિતેચ્છુ, અનુભવી અને પીઢ વ્યક્તિઓની સલાહ નહિ માનનારા પણ પોતાના શ્રીમતીજીનું અને મનનું પ્રેમથી માની ખોટા નિર્ણયો લઈ જીવનને વેડફી નાખતા હોય છે. અરે, જો સર્વજ્ઞ અને સર્વના ગુરુ એવા પરમાત્મા પણ આ પૃથ્વી ઉપર અવતરે ત્યારે વસિષ્ઠ મુનિ, સાંદિપની મુનિ, રામાનંદ સ્વામી જેવા સત્પુરુષોને ગુરુ તરીકે સ્વીકારતા હોય, તો અતિ સીમિત બુદ્ધિવાળા આપણે કાંઈક સારું, કાંઈક ઉત્તમ પ્રાપ્ત કરવા કોઈનો ગુરુ તરીકે સ્વીકાર કરી લઈએ એ જ સાચી બુદ્ધિમત્તા છે, અને એમાં જ આપણું હિત નિહિત છે. એક સાચા ગુરુ શિષ્યને શું આપી શકે ? ક્યાં પહોંચાડી શકે ? તે માટે એક દૃષ્ટાંત જોઈએ:
ચીનમાં એક દસ વર્ષના છોકરાનો ડાબો હાથ અકસ્માતમાં કપાઈ ગયો. એ છોકરાને જૂડો (કરાટેનો પ્રકાર) શીખવાની ખૂબ ચ્છા, પોતાનો હાથ કપાતાં કોઈ મને શીખવાડવાની હા નહિ પાડે, તેવો તેને ભય લાગતો હતો, છતાં એક દિવસ એક ચાનીઝ સેનસુઈ (ગુરુ) પાસે જઈ તેણે ચ્છા વ્યક્ત કરી. તે ગુરુએ ઘડીક તેના સામું જોઈ વિચાર કર્યો અને તેને શીખવાડવાની હા પાડી. કરો ખૂબ ધગશવાળો હોવાથી બધું ફટાફટ શીખવા માંડયો, પણ ત્રણ મહિના બાદ તેના ગુરુએ તેને અલગ કરી ફક્ત એક જ દાવ ઘૂંટાવવાનુંં શરૂ કર્યું. બીજા વિદ્યાર્થીઓ નવા નવા દાવપેચ શીખે, પણ આ તો ગુરુવચને એક જ દાવની ખંતથી પ્રેક્ટિસ કરતો.
એવામાં એ પ્રદેશની સૌથી મોટી જૂડો સ્પર્ધાનું આયોજન થયું. તેમાં તેના ગુરુએ તેને ભાગ લેવા કહ્યું. પોતાને તો એક જ દાવ આવડતો હોવાથી છોકરો આનાકાની કરવા લાગ્યો, છતાં ગુરુના આદેશથી તેણે ભાગ લીધો અને જીતતાં જીતતાં તે ફાનલ સુધી પણ પહોંચી ગયો; જેમાં તેનો મુકાબલો એક મોટા-ઊંચા, હટ્ટા-કટ્ટા યુવાન સાથે થવાનો હતો, પણ સ્પર્ધા શરૂ થતાં માત્ર બે મિનિટમાં જ તે જીતી ગયો. તેથી તેને ખુદને પણ ખૂબ જ આશ્ચર્ય થયું.
ઘરે પાછા ફરતાં તેણે પોતાના ગુરુને તેની જીતનું રહસ્ય પૂછ્યું, ત્યારે તેના ગુરુએ ધીમેથી હસીને કહ્યું, ‘બેટા ! તેં જે દાવમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે તે જૂડોનો સૌથી અઘરો દાવ છે, અને એમાં તને જીતવા તારો ડાબો હાથ પકડમાં આવવો ખૂબ જરૂરી હતો, પણ દૈવ ચ્છાએ તારો એ હાથ ન હોવાથી તને કોઈ હરાવી શક્યું નહીં.’ પેલો છોકરો અશ્રુભીની આંખે પોતાના ગુરુની કૃપા નિહાળતો રહ્યો....!
એક નિષ્ઠાવાન શિષ્યની ખામીને જ ખૂબી બનાવી તેને શિખર સુધી પહોંચાડવાની શક્તિ ધરાવે છે : એક સાચા સદ્ગુરુ. લૌકિક કે અલૌકિક તમામ પ્રાપ્તિનું માધ્યમ હોય તો તે છે સાચા ગુરુ.
गुरुकृपा बिन बात, होत नहीं जो जो कछू।
जिय मन में बहु चात, मनोरथ अनेक प्रकार हि के।।
વહાલા ભક્તો ! ભગવાન શ્રીસ્વામિનારાયણે તેમને પમાડવા માટે અતિ કરુણા કરી એક સાચા સદ્ગુરુની ભેટ આપણને આપી છે. તેમની આ કરુણાનો વિચાર કરી જો મન-કર્મ-વચને નિષ્ઠા રાખી સદ્ગુરુને સોંપાઈને રહીશું, તો નિશ્ચે ભગવત્પ્રાપ્તિરૂપ લક્ષને પામીશું જ.