શા માટે? : “ચાતુર્માસમાં તપ...”

શા માટે? : “ચાતુર્માસમાં તપ...”

વહાલા ભક્તો ! ભારતીય ધાર્મિક પરંપરામાં ભગવાનના ભક્તોને તપ કરવાનું વિધાન દરેક ધર્મમાં કરેલું છે. તેમાં પણ ચાતુર્માસમાં વિશેષ તપ કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં જોવા મળે છે.

તપ એટલે શું ?

તપ એટલે વિહિતભોગનો સંકોચ કરવો. શાસ્ત્રમાં આપણને જે ભોગવવાની છૂટ આપી હોય તેનો પણ સંકોચ, કહેતા તેમાંથી પણ ઓછું ભોગવવું, તેને તપ કહેવાય.

ગીતાજીના મત પ્રમાણે આ તપ ત્રણ પ્રકારનાં છે.

  • શારીરિક
  • માનસિક
  • વાચિક

દેવ, બ્રાહ્મણો, સદ્ધર્મનો ઉપદેશ દેનારા અને ભગવાનના સ્વરૂપને જાણનારા સાધુપુરુષોનું પૂજન કરવું. વળી, અંદર-બહારની પવિત્રતા જાળવવી, સરળ સ્વભાવ રાખવો, શાસ્ત્રોએ કહેલ બ્રહ્મચર્યનું પાલન કરવું, યજ્ઞાદિક સત્કર્મમાં પણ કોઈને પીડા થાય એવું ન કરવું, શરીરનું દમન કરવું આ રીતે વર્તવું; તે શારીરિક તપ છે.

મનને રજોગુણ-તમોગુણરૂપ મળથી રહિત શુદ્ધ રાખવું; શાંત ને સહુને સુખકર રાખવું; આત્મા-પરમાત્માનાં મનન-ચિંતન પરાયણ રાખવું; મનને વિષયોમાંથી ખેંચી આત્મા-પરમાત્મામાં સ્થાપવું; હૃદયના ભાવોની સંપૂર્ણ શુદ્ધિ રાખવી; અર્થાત્ કામ, ક્રોધ, લોભ વગેરે દોષોનો ત્યાગ રાખી આત્મા-પરમાત્મા સિવાયનું ચિંતન ન થવા દેવું; આ રીતે અંતરથી વર્તવું, તે માનસિક તપ છે.

જે બોલવાથી કોઈને ઉદ્ગવેગ-ભય ન થાય, પોતાને અને બીજાને આપત્તિ ન આવે અને સાંભળનારને પ્રીતિ ઉપજાવે તથા પ્રાણીમાત્રનું હિત કરે, એવું બોલવું તથા સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો, તે વાચિક તપ છે.

આ ત્રણેય પ્રકારનાં તપ માયિક ફળની ઈચ્છા વગર, માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે સાત્ત્વિક તપ કહેવાય. સાત્ત્વિક તપ શાશ્વત પરમાનંદ પમાડનારું થાય છે.

આ ત્રણેય પ્રકારનાં તપ જો દંભથી અને પોતાના સત્કાર, માન તથા પૂજા વગેરે માટે કરવામાં આવે, તો તે રજોગુણી તપ કહેવાય. આવા તુચ્છ હેતુઓથી કરવામાં આવતું રાજસ તપ નાશવંત અને ક્ષણિક ફળદાયક હોય છે.

આ ત્રણે પ્રકારનાં તપ જો બીજાને મારી નાંખવા કે નુકશાન કરવા માટે કરવામાં આવે, તો તે તમોગુણી તપ છે. અથવા પોતાના દુરાગ્રહથી, પોતાની ક્ષમતા જાણ્યા વગર અને અતિ પીડા ભોગવીને તપ કરે, તે પણ તામસ તપ છે.

તપ કરવાથી શું ફાયદા થાય ?

તપસ્યા એ એક આધ્યાત્મિક શિસ્ત છે, તપસ્યાનો અભ્યાસ વ્યક્તિના મનોબળને મજબૂત બનાવે છે. જેનાથી સ્વ-નિયમન અને સ્વ-શુદ્ધિ થાય છે. જેમ કોઈ પણ ધાતુને આકાર આપવા માટે તેને તપાવવી પડે છે, તેમ મન સહિત ઈન્દ્રિયોની વૃત્તિને શુદ્ધ કરી ભગવાનને આકારે કરવા માટે તેને તપાવવી પડે છે.

વળી તપ કરવાથી શારીરિક ફાયદાઓ પણ થાય છે. તપ કરવાથી શરીર નિરોગી રહે છે. વિવેક યુક્ત તપ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચોમાસામાં વરસાદને કારણે વિવિધ રોગોનો ઉપદ્રવ વધતો હોય છે. માટે આપણા આર્ષદૃષ્ટા ઋષિમુનિઓએ ચાતુર્માસમાં વિશેષ તપ કરવાની પ્રથા પ્રવર્તાવી છે.

માટે આ લોક-પરલોકમાં આપણે સુખી થવા માટે અને વહાલા મહારાજની પ્રસન્નતાર્થે અવશ્ય તપ કરવું જોઈએ.