શા માટે ? - માનસી પૂજા ?

શા માટે ? - માનસી પૂજા ?

વહાલા ભક્તો, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણેે આપણને સૌને માનસી પૂજાની આજ્ઞા આપતાં કહ્યું, "સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન-પુષ્પાદિક ઉપચાર તેણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી." પણ ખેદ સાથે એ વાત સ્વીકારવી રહી કે, આપણે માનસી પૂજામાં પૂરતો સમય આપી શકતા નથી; પરંતુ સાવ સામાન્ય લાગતી આ પ્રક્રિયાથી કેવા મોટા મોટા ફાયદાઓ સહજ થાય છે એ જો સમજાઈ જાય તો આ આજ્ઞા પાછળનો વહાલા મહારાજનો હેતુ આપોઆપ જ સમજાઈ જશે અને માનસી કરવામાં કંટાળો તો નહિ, પરંતુ આનંદ આવશે.

ફાયદો-૧ : આપણે માનીએ છીએ કે માનસી પૂજાથી ફક્ત આધ્યાત્મિક પ્રગતિ જ થાય છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે વધુ પ્રોડક્ટિવિટી માટે દિવસ દરમિયાન અમુક સમયે માઇન્ડને બ્રેક આપવો ખૂબ જરૂરી છે. અને એટલે જ મોટી કંપનીઓમાં પણ અમુક કલાકે બ્રેકની સિસ્ટમ ફરજિયાત હોય છે. વળી સ્કૂલોમાં પણ ૬ કલાકમાં ૩ બ્રેક આપવામાં આવે છે. ઘણાને પ્રશ્ન હોય કે ટાઈમના અભાવે માનસી નથી થતી પણ આ વાત ૧૦૦% સાચી નથી. હકીકતે બગડતો સમય બચાવી, ઓછા ટાઇમમાં વધુ આઉટપુટ કરાવી આપે એવું કોઈ MIND FRESHNER હોય તો એ છે માનસી પૂજા.

ફાયદો-૨ : ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે, મારે ભણવાનો લોડ હોવાથી માનસીનો સમય રહેતો નથી અને વળી એ જ ફરિયાદ કરે કે ભણવામાં મન એકાગ્ર થતું નથી; પણ સમય કાઢી જો માનસી પૂજા કરી લઈએ તો માઇન્ડ ફ્રેશ થતાની સાથે ભણતર પણ ભાર વિનાનું બને અને એકાગ્રતા પણ વધે અને વળી મહારાજની આજ્ઞા પાળવાથી રાજીપો મળતાં ઓછા પ્રયાસે સારું રિઝલ્ટ પણ પ્રાપ્ત થાય.

ફાયદો-૩ : વળી, હેલ્થ માટે ઉત્તમ દવાનું કામ પણ માનસી પૂજા કરે છે. બંને  ટાઇમ જમતાં પહેલાં મહારાજને માનસીમાં જમાડવાથી શરીરના પાચનતંત્રને લગતાં તમામ અંગો એક્ટીવ થતાં પાચનમાં ખૂબ ફાયદો થાય છે. અને રાત્રે સૂતાં પહેલાની માનસીમાં મનને મહારાજમાં જોડવાથી મન એકાગ્ર થતાં ઊંઘની ક્વોલિટી ખૂબ જ સારી થાય છે. પરિણામે સવારે ઊઠતાં જ સ્ફૂર્તિ અનુભવાય છે. આમ દિવસ દરમ્યાન કરેલી પાંચેય માનસી

પૂજાથી શારીરિક ફાયદાઓ પણ એટલા જ થાય છે.

ફાયદો-૪ : કહેવાય છે કે ટેક્નોલોજીના માધ્યમે વિશ્વ કોમ્પેક્ટ થઈ રહ્યું છે અને કનેક્ટ થઈ રહ્યું છે, પરંતુ એ પણ હકીકત છે કે દરેક માણસ પેક થઈ રહ્યો છે અને અન્ય સાથે તેનો કોન્ટેક કટ થઈ રહ્યો છે. અને આ એકલતાના પરિણામે જ કોઈ સાથે દિલ ખોલીને વિચારોની આપ-લે ન થવાથી ડિપ્રેશનનો દર પણ આજે વધી રહ્યો છે; ત્યારે જેની સાથે આપણે આપણા દિલની A to Z વાતો છૂટથી share કરી શકીએ તેવા આપણા પરમ સ્નેહી મહારાજને પાંચ માનસીમાં પ્રેમથી મળીને દિલની વાતો કરીશું તો ડિપ્રેશનથી તો બચીશું જ ! તે ઉપરાંત સદા સુખ સ્વરૂપ એવા પરમાત્માનો કોન્ટેક્ટ થતાં જગતના હર્ષ-શોક અને રાગ-દ્વેષથી રહિત થઈ સહજ આનંદમાં પણ રહી શકીશું...!

ફાયદો-૫ : વળી માનસી પૂજા એટલે અંતઃકરણનો X-Ray. જેમ X-Ray હાડકું વાકું-ચૂકું હોય કે તૂટેલું હોય તે બતાવે છે, તેમ આપણી માનસી પણ આપણું જીવન અને આપણું તાન વાકું-ચૂકું છે કે બરાબર છે તે સ્પષ્ટ બતાવી દે છે.

ફાયદો-૬ : શિક્ષાપત્રી  શ્લોક-૫૩ મુજબ પાંચ વખત માનસી પૂજાની આજ્ઞા જો કોઈ ભક્ત દૃઢતાપૂર્વક ટેક રાખીને પાળે તો શ્રીહરિ સદાય તેની સહાય કરે છે. રાજકોટના માવજીભાઈ મિસ્ત્રી ધંધાર્થે કરાંચીથી વહાણમાં બેસીને જતા હતા. વચ્ચે એક વિરામસ્થાન પર સવારની નિત્યપૂજામાં માવજીભગત માનસી પૂજા કરી રહ્યા હતા, અને વહાણચાલકે સમય થતાં વહાણ ઉપાડયું. તેનો માવજીભગતને ખ્યાલ પણ આવ્યો છતાં તેમણે માનસી પૂજા અધૂરી ન મૂકી. ત્યારબાદ તેઓ જ્યારે તપની માળા કરવા માટે ઊભા થયા ત્યારે તેમના ઊંચા હાથ જોઈ વહાણચાલકમાં રહી અંતર્યામી પ્રભુ વહાણને પાછું કિનારે લાવ્યા અને માવજીભગત આરામથી પૂજા પતાવી વહાણમાં બેઠા. આમ આજ્ઞા સમજી જે ભક્ત સમયસર માનસી પૂજા ન મૂકે, તેને મદદ કરવાનું મહારાજ પણ કદી ન ચૂકે.

ફાયદો-૭ : ભગવદ્‌પ્રાપ્તિના લક્ષ્યવાળા હરેક મુમુક્ષોને અખંડવૃત્તિ સિદ્ધ કરવાની ઇચ્છા તો હોય પણ ઉપાસનાના તે ચરમ શિખર સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે માનસી પૂજા. વચનામૃત ગઢડા અંત્યના ૨૩માં અલગ અલગ ઋતુમાં માનસી પૂજાની રીત શીખવાડી તેનો હેતુસ્પષ્ટ કરતાં મહારાજે કહ્યું કે, “એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે માટે નિત્યે આવી રીતે માનસી પૂજા કરજો. ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી.”

વહાલા ભક્તો, સ્વયં પ્રભુએ પોતાના સ્વરૂપમાં હેત વધારવાનો ઉપાય બતાવી, કૃપા કરીને જે આજ્ઞા આપણને આપી છે તેનો મહિમા સમજીને જો સમય સમય પ્રમાણે, પોતાના અંગમાં રહીને, ગદ્ ગદ્ભાવ સાથે મહારાજની માનસી પૂજા કરીશું તો ચોક્કસ મહારાજના વચન પ્રમાણે દિવસે દિવસે મહારાજમાં હેત વધતું જ જશે. અને ધીમેધીમે એક માનસીથી બીજી માનસી વચ્ચે ભગવદ્સ્મૃતિની માત્રા વધતાં વધતાં અખંડ સ્મરણ સુધી સહેલાઈથી પહોંચી શકાશે.