
આ જગતમાં જેમ માતા પોતાના બાળકનું પાલન-પોષણ કરે છે, તેમ જ સર્વના પિતા પરમ કૃપાળુ શ્રીહરિજી મહારાજ અને આપણા ગુરુ આપણું સર્વે રીતે ભલું કરતા હોય છે. પરંતુ જેમ બાળક માતાના આધારે જ રહે છે તેમ આપણે ભગવાનના કે મળેલા સત્પુરુષના આધારે રહેતા નથી; આને કહેવાય શરણાગતિની ખામી. જે પ્રાપ્તિ કૃપામાં મળવાની છે તેને સાધનનું બળ લઈ આપણે વિકટ કરી નાખીએ છીએ.
જે જે ભગવાનના ભક્તો કેવળ ભગવાનના આધારે રહે છે તેની વહારે ભગવાન કઈ રીતે આવે છે ? તે એક કૃષ્ણ ભક્તના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ...
એક વૃદ્ધ માતા પોતાના કુટુંબ માટે શાકભાજી લેવા દુકાન પર ગયા. તેમની પાસે શાકભાજી ખરીદવાના પૈસા ન હોવાથી તેમણે દુકાનદારને શાકભાજી ઉધાર આપવા માટે વિનંતિ કરી, પણ દુકાનદારે ઉધાર આપવાની ના પાડી. પરંતુ માજીના આગ્રહને લઈને દુકાનદાર ખીજાઈને કહેવા લાગ્યો, “તમારી પાસે કાંઈ એવું છે કે જેની કાંઈક કિંમત હોય ? તેને આ ત્રાજવા ઉપર મૂકો. હું તેના વજન બરોબર શાકભાજી આપી દઈશ.”
આ સાંભળી વૃદ્ધ માતા વિચારમાં પડી ગયા. કારણ કે, તેમની પાસે એવું કાંઈ જ ન હતું કે જેનું કાંઈક મૂલ્ય થઈ શકે. વિચારતાં-વિચારતાં તેમણે એક નાનો કાગળનો ટુકડો કાઢ્યો અને તેના પર કાંઈક લખી તે કાગળ ત્રાજવા ઉપર મૂક્યો. દુકાનદારને આ જોઈ હસવું આવ્યું, તેમ છતાં તેણે થોડુંક શાકભાજી ત્રાજવા પર મૂક્યું.
આશ્ચર્ય...!! કાગળવાળું પલ્લું નીચે નમી ગયું અને શાકભાજીવાળું પલ્લું ઊંચું જ રહ્યું. દુકાનદારે વધારે શાકભાજી મૂક્યું, પરંતુ કાગળવાળું પલ્લું ઊંચું જ ન થયું. છેવટે દુકાનદારે થાકીને આશ્ચર્ય સાથે માજીના કાગળને ઉપાડીને વાંચ્યો. વાંચીને તે ખૂબ જ વ્યથિત થઈ ગયો.
કાગળમાં લખ્યું હતું કે, “હે શ્રીકૃષ્ણ ! તમે સર્વજ્ઞ છો, હવે બધું જ તમારા હાથમાં છે.”
દુકાનદાર જોતો જ રહી ગયો. તેણે બધું જ શાકભાજી માજીને આપી દીધું, પરંતુ કાંઈ સમજી ન શક્યો.
જ્યાં સુધી આ લોકની બુદ્ધિ છે ત્યાં સુધી ભગવાનનું કોઈ પણ ગણિત આપણને સમજાતું નથી. માત્ર ભગવાન જ શરણાગતનું મૂલ્ય સમજી શકે છે અને તેને ગળે લગાવી લે છે. આ વાતને સિદ્ધ કરવા વહાલા ગુરુજીએ તા.૧૯ અને ૨૦, સપ્ટેબર-૨૦૨૪ના રોજ શરણાગતિ-પ્રપત્તિ ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક વાતો કરી છે તે આપણા માટે ખૂબ જ લાભદાયી છે.
વહાલા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે, હે વહાલા ! અમારું સ્વબળ ટળી જાય ને આપનું ખૂબ જ બળ રહે અને આપના જ આધારે રહેવાય; એવી અમારા ઉપર કૃપા કરશો કૃપા કરશો...