વ્હાલાનો વિશ્વાસ, આપણો શ્વાસ : કથામૃતમ

વ્હાલાનો વિશ્વાસ, આપણો શ્વાસ : કથામૃતમ

વહાલા ભક્તો ! આધ્યાત્મિક માર્ગમાં અને જગતમાં વિશ્વાસને ઘણાં  બધા શબ્દોથી વર્ણવવામાં આવે છે. જેવા કે, આસ્થા, પ્રતીતિ, આધાર, ભરોસો, આશરો વગેરે. આ બધા વિશ્વાસના મળતા અર્થો છે. ઘણી જગ્યાએ શ્રદ્ધા શબ્દ પણ વપરાય છે. શ્રદ્ધા રાખવાનો અર્થ એ જ થાય કે વિશ્વાસ રાખવો. આ સત્સંગમાં જે કોઈ વિશ્વાસી ભક્તો છે તે બહુ સુખી હોય છે વિશ્વાસી ગમે એવી મુશ્કેલી કે કસણીમાં પણ મૂંઝાય નહિ, અપમાનમાં પણ એ ગભરાય નહિ. જેવો જ્ઞાની સુખી એવો જ વિશ્વાસી સુખી હોય છે. પરંતુ દરેક ભક્તોને વિશ્વાસનું અંગ નથી હોતું.

ભગવાન સ્વામિનારાયણે પોતે જ વચ.ગ.અં.૧૪માં કહ્યું છે જે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે; તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે, ‘જે મારે દૃઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું.’ માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. વિશ્વાસીની વહાલો રક્ષા કરે છે, અવિશ્વાસીની નથી કરતા.

ચરિત્ર : ૧

ઉત્તર હિંદુસ્તાનમાં ગ્વાલિયર પરગણામાં નિમાપુર ગામમાં એક ક્ષત્રિય બહેન નાની ઝૂપડીમાં રહેતા હતાં. એક સમયે રાત્રે તેઓ પોતાના નાના બાળકને સાથે લઈને સૂતા હતાં. અચાનક બધી ઝૂપડીઓમાં આગ લાગી. તેના ઝૂંપડાને પણ ચારેય બાજુ આગ લાગી ગઈ. બચવાનો કોઈ ઉપાય ન હતો. પછી તે વિશ્વાસુ સ્ત્રીભક્તે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે, “હે નાથ ! મને તમારા ઉપર પુરો વિશ્વાસ છે કે જેમ તમે પ્રહ્લાદ, દ્રૌપદી અને માર્જારીના બચ્ચાની રક્ષા કરી તેમ મારી પણ કરશો જ. હે ભક્તવત્સલ ! મારી રક્ષા કરજો.” એમ કહીને ભગવાનનો વિશ્વાસ રાખી પોતાના નાના બાળકને સાથે લઈને ખાટલા ઉપર ગોદડું ઓઢીને સૂઈ ગયાં. થોડી વારમાં ભગવાને દર્શન દીધાં અને કહ્યું કે, “તમને અમારો દૃઢ ભરોસો હતો એટલે અમે તમારી રક્ષા કરવા માટે અહીયાં તમારી પાસે જ ઉભા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયાં.

પછી તો એ બધી ઝૂપડીઓ સળગી ગઈ, આગ ઓલાઈ ગયા પછી આજુબાજુના લોકો ત્યાં આવ્યા અને જોયું તો ગોદડું ભીનું હતું અને ઘરમાં બીજુ બધું જ સળગી ગયું હતું. કાંઈ બચ્યુ હોય એવી કોઈ આશા ન હતી. પછી જ્યાં ગોદડું હલાવ્યું ત્યારે બાઈ અંદરથી બોલી કે, ‘હું જીવું છું.’ એટલું બોલીને તે બહેન પોતાના બાળક સાથે ઉભાં થયાં. આ જોઈને બધાને આશ્ચર્ય થયું કે, આ બધું જ સળગી ગયું છે છતાં પણ આ બંને કેવી રીતે જીવતા રહ્યાં ? ત્યારે બાઈએ વાત કરી કે, ‘જ્યારે આગ લાગી ત્યારે એક માત્ર મારા મહારાજનો વિશ્વાસ રાખી પ્રાર્થના કરીને ગોદડું ઓઢીને હું સુઈ ગઈ. પછી મારા ભગવાન સ્વામિનારાયણે મારા ઢોલિયા ફરતા રહીને મારી રક્ષા કરી છે.’

જે ભક્ત જ્ઞાનીના વહેમમાં કે પોતાના અહંને લીધે ભગવાનનો વિશ્વાસ ન રાખે ને ઉલ્ટુ શંકા કે ધોખા કર્યા કરે, એવા જ્ઞાની કે એવા પ્રેમી પરમાત્માને ગમતા નથી. વાલાને વિશ્વાસી ભક્ત જ વહાલો લાગે છે.

આટલી વાત દૃઢપણે સમજવી જોઈએ કે જે ભગવાનની આજ્ઞા ન લોપે એને જ વિશ્વાસી કહેવાય. મહારાજે એમ પણ કહ્યું છે કે, “અમે કહીએ એમ વિશ્વાસ રાખશો અને અમે કહીએ એમ કરશો તો તમને કોઈ મહા મોટું કષ્ટ આવી પડશે તો તે થકી અમે તમારી રક્ષા કરીશું.” વિશ્વાસી ભગવાનની આજ્ઞા ન લોપે અને વાલો વિશ્વાસીની ઈચ્છા ન લોપે. પેલો આજ્ઞા પાળે અને ભગવાન એની ઈચ્છા પૂરી કરે. આમ વિશ્વાસી અને વાલાને સંબંધ છે. માટે આપણે ભગવાનનો વિશ્વાસ રાખવો.

રાખે એક મારો વિશ્વાસ, તેનાં કષ્ટ કરૂં છું હું નાશ;

(હ.લી.૫/૨૨/૧૮)

વચ.લો.૨માં મહારાજે કહ્યું છે કે, “જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેનાં વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.” આમ જેને મૃત્યુનો ભય ન હોય, પોતાને વિષે કૃતાર્થપણું મનાતું હોય અને હૈયામાં અખંડ કેફ વર્તતો હોય એવા ભક્તને વિશ્વાસી કહેવાય. આવા વિશ્વાસી ભક્તો વંદનીય છે.

ચરિત્ર : ૨ 

શિરવાણીયા ગામમાં એક ગીગાધાધલ નામના મહાન ભક્ત થઈ ગયા. તેમના પત્ની ધામમાં ગયા, છોકરો ધામમાં ગયો, છોકરી વિધવા થઈ, છતાં પણ તેણે તો મનમાં એક જ વાત દૃઢ રાખી કે, હે ઠાકોરજી ! તમે જે કરો તે મને માન્ય છે. આમ સતત કેફ જાળવી રાખ્યો, કૃતાર્થ જ રહ્યાં પણ જરાય મૂંઝાયા નહીં. આવી ગીગાધાધલના વિશ્વાસની દૃઢતા જોઈને મહારાજથી ન રહેવાયું તેથી બોટાદના શીવલાલ શેઠને દર્શન દઈને કીધું કે, “તમે શિરવાણીયાના ગીગાધાધલની બધા પ્રકારની સંભાળ રાખજો.” પછી શીવલાલ શેઠે જીવનભર તેમની સંભાળ રાખી. વિશ્વાસીને આવો ફાયદો થાય છે.

મળિયા પુરુષોત્તમ એમ જાણી,
અચલ આશરો ઉરમાં આણી,
પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે;
વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે...

વિશ્વાસી હોય એનાથી ઠરીને શાંતીથી બેસાય. બીજા તો જ્યાં-ત્યાં માથાં માર્યા કરે. જેને શાંતિ ન હોય તે શું ઠરીને બેસે ?

વાત : ૧

ઘાંડલાના મૂળી ડોશી તો એમ બોલતા કે, “મારું કલ્યાણ તો થઈ ગયું” જ્યારે તે ધામમાં જવાના હતા, ત્યારે બોલ્યા કે “આ સ્વામિનારાયણ ભગવાન અને સંતો મને તેડવા આવ્યા છે.” આ સાંભળીને એનો ધણી મૂંઝાણો અને બોલ્યો કે, “મારું ક્લ્યાણ કેવી રીતે થાશે ?” તારે મૂળી ડોશી ભગવાનના કેફથી બોલી કે, “મોળું શું બોલો છો ? મારા હાથના રોટલા ખાધાં હશે એનુંય કલ્યાણ થશે, મારા ગોળાનું પાણી પીધુ હશે એનુંય કલ્યાણ થશે. તમે તો મારા ધણી છો તો તમારું કલ્યાણ કેમ નહિ થાય ? આ છે વિશ્વાસની તાકાત. વિશ્વાસીને આવું બળ વર્તે અને કલ્યાણનો અખંડ કેફ વર્તે.

વાત : ૨

ગાધડકામાં ગોવિંદ દરજી નામના ભક્ત થઈ ગયા. તેને કોઈકે પૂછયું કે, “તમારા કલ્યાણનું શું ?” ત્યારે તે કહે, શું વાત કરે છો, મારું કલ્યાણ તો થઈ ગયું છે પણ જેણે મારા સીવેલા કપડાં પહેર્યા હશે, એનુંય કલ્યાણ થઈ જાશે.આવા કેફવાળા તે ભક્ત હતા. એને કાંઈ ગીતાજી કંઠે નહોતી, એ કાંઈ વ્યાસપીઠે બેસીને મોટી મોટી વાતો નહોતા કરતા. પણ ભગવાનનો દૃઢ ભરોસો હતો, એટલે તેઓ કેફથી આવું બોલી શકતા હતા.

વહાલા ભક્તો ! આપણે જરા ઉંડા ઉતરીને તપાસીએ કે મને આવો ભગવાનનો વિશ્વાસ છે ? કારણકે ભગવાનનો દૃઢ વિશ્વાસ રાખ્યા વગર જીવનમાં બળ, કેફ કે આનંદ નહીં આવે. જો આપણે મહારાજના વિશ્વાસથી જીવીશું તો મહારાજ આપણું પણ જરૂર કલ્યાણ કરશે જ.

પ.પૂ.સદ્‌.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૨/૧૨/૨૦૧૩, રવિવારના રોજ શ્રીસ્વા. મંદિર કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન