સદ્.સ્વરૂપાનંદ સ્વામી શ્રીજીમહારાજના નંદસંતોમાં પ્રથમ હરોળમાંના એક આત્મનિષ્ઠ સંત હતા. એકવાર સ્વામીને શરીરે મોટું ગૂમડુ થયું, તે પાક્યું અને અંદર જીવડાં પડ્યાં. ઘણી આૈષધિ કરવા છતાં ગૂમડું મટે નહીં, છતાં આત્મનિષ્ઠાની દૃઢતા હતી, તો સ્વામીને તેની કોઈ અસર થતી નહીં. મસ્તીથી ભજન કરતા હતા. ક્યારેક ગૂમડામાંથી એકાદ જીવડું બહાર પડી જાય તો હાથેથી પકડીને પાછું તે જગ્યાએ મૂકે અને બ્રહ્મખુમારીથી બોલે, ‘યહ તેરા ખાજ હૈ, ખાઓ; બહાર જાઓગે તો મર જાઓગે.’ આમ, સ્વામીને આત્મનિષ્ઠા અને દેહનો અનાદર અતિશય દૃઢ હતા. તેથી જ તેઓ દેહનાં સુખ-દુ:ખથી સદા પર રહી આનંદસ્વરૂપ શ્રીહરિની મૂર્તિમાં અખંડ ગુલતાન રહેતા હતા.
જાે આપણે પણ સદ્.સ્વરૂપાનંદ સ્વામીની જેમ દેહથી પર થઈ અને છતાં દેહે મુક્તસ્થિતિ કેળવીને શ્રીહરિજીના સ્વરૂપનો આનંદ માણવો હોય તો દેહને પોતાનું સ્વરૂપ ન માની આત્માને જ પોતાનું સ્વરૂપ દૃઢપણે માનવું પડશે. માટે ચાલો શ્રીહરિએ વેદરસમાં કહેલ આત્મનિષ્ઠાની ખુમારી ચઢાવનારી વાતોમાં થોડું ડોકિયું કરીએ અને તેને જીવનમાં કેળવીએ.
- જે પુરુષ શરીરરૂપ કાષ્ઠને જ્ઞાનરૂપ અગ્નિએ કરીને બાળે છે, તેને તો પરમ અર્થસિદ્ધ થાય છે. અને જે એને નથી બાળતો તેને પરમ દુ:ખને અર્થે થાય છે.
- એમ સમજવું જે, આ શરીર હૂં નહીં, શરીર મારું નહિ ને હૂં શરીરનો નહીં. અને હવે મને એ શરીરની ઈચ્છા-કામના કાંઈ નથી. હું તો નિર્વાસનિક પુરુષ છું. આ શરીર સંગાથે મારે પ્રયોજન નથી. મારે તો પરમાનંદરૂપ જે પરમેશ્વર છે, તેનાં ચરણારવિંદને પામ્યાની ઈચ્છા છે.
- એવા શરીરને પુષ્ટ કરવું તે દુ:ખને અર્થે છે. એમાં કાંઈ અર્થ સિદ્ધ નથી થાતો. એ શરીરને તો તપે કરીને બાળીને પોતાના આત્માનો અર્થ સિદ્ધ કરવો. જેમ ઈંધણાં બીજે ક્યાંય કામ નથી આવતાં, તેને બાળીને ડાહ્યા પુરુષ પોતાનું કામ કરી લે છે; તેમ જડ અને મૂઢ એવું જે પોતાનું શરીર તેમાં રહ્યા થકા સંત પોતાના આત્માને ખોળીને અર્થ સિદ્ધ કરે છે.
- તમારે સર્વને મને પ્રસન્ન કરવો હોય તો અશરીર-આત્મસત્તારૂપે પોતાના જીવાત્માને માનીને મારી ઉપાસના કરવી. તે ઉપાસનાએ કરીને હું અતિ પ્રસન્ન થઈશ.
- જેમ સૂર્યને તેજે કરીને હિમના પાણા ગળીને પાણી થઈ જાય છે, તેમ જેને આત્મા પ્રગટ થાય છે, તેને માયાના દોષ સહેજે ગળી જાય છે.
- થોડો છે આહાર ને વિહાર જેને, વળી થોડો છે કર્મને વિષે દાખડો જેને, અને થોડું છે સૂવું ને જાગવું જેને, એવો જે યોગી તેને સમગ્ર બંધનનો નાશ કરનારો એવો આત્મપ્રાપ્તિરૂપ જે યોગ તે સિદ્ધ થાય છે.
અવાચ્યરૂપ(ઈન્દ્રિયો-અંત:કરણને અગોચર) વસ્તુરૂપ એવો જે આત્મા, તે હરિગુરુરૂપ એવા જે પરમહંસ તેની સેવાએ કરીને પમાય છે.