વિસ્તારવાદ

વિસ્તારવાદ

મનુષ્ય સ્વભાવગત વિસ્તારવાદી છે. એ જન્મે ત્યારથી ભૌતિક વિસ્તાર માટે મંડાઈ પડે છે. શરીરની સુખ-સુવિધાઓ, બીજા મનુષ્યો ઉપરનું આધિપત્ય, પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ભૂમિ, મોટાં મકાનો, વાહનો....યાદી ઘણી લાંબી બને તેમ છે. અરે ! ઘણાં પશુ-પક્ષીઓ પણ આમાંથી બાકાત નથી. જીવમાત્રને વિસ્તરવું ગમે છે. પોતે કરેલા વિસ્તારને જોઈ જીવ આભાસી આનંદ અને સાચા દુ:ખમાં અટવાતો રહે છે. “ફલાણા કરતાં મારી પાસે ઘણું છે.” એમ થોડો આનંદ માણે ત્યાં, “ફલાણા પાસે હજી ઘણું છે.” તેમ માની ખોટી હરિફાઈ કરી દુ:ખી થતો હોય છે. ભગવાને કીડીને કણ અને હાથીને મણ; જેવી જીવની જરૂરિયાત હોય તે પ્રમાણે આપ્યું જ હોય છે, પણ જીવને એટલાથી શાંતિ જણાતી નથી.

પોતાનાથી પહોંચી વળાય એટલો વિસ્તાર ભલે વધારીએ પણ કરોળિયો જેમ સમયે લાળ સંકેલી લે છે, તેમ સમયે સંકેલો કરવાનું પણ શીખી લઈએ; નહિ તો એ જ કરોળિયો, જેમ પોતાના જ જાળમાં ગૂંચવાઈને મૃત્યુ પામે છે, તેમ વિસ્તાર એમને એમ રહી જશે અને આપણી રાખ બની જશે.

ભૂતકાળમાં રાજા મહારાજાઓએ કેટલાંય યુદ્ધો કરી જે કાંઈ મેળવ્યું તે કોઈ સાથે લઈ ગયા નથી. મહેલો અને જમીનનો જે વિસ્તાર કબજે કર્યો હતો તે આજે એમનો નથી. “એક તસુ જમીન પણ નહિ મળે,” એમ કહી કૌરવોએ પાંડવો સાથે મહાભારત ગ્રંથ લખાયો એવું મોટું અને ભયંકર યુદ્ધ કર્યું. જે જમીન માટે ઘણા બધા કપાઈ મૂઆ તે જમીનના દસ્તાવેજ આજે કોના નામે હશે ? આજે પણ જે કોઈ જમીન-જાગીર માટે લડે છે, પોતાનું કરી લેવા મંડાયા છે, એ ક્યાં સુધી એમના નામે રહેશે ? પૃથ્વી પર નવી જમીન પેદા થતી નથી. વિસ્તારના કેફમાં ને કેફમાં જે ચાલ્યા ગયા તેણે આ જ ભૂમિ માટે જીવતર રોળ્યું અને આજે પણ એવા જે છે તે જીવન રોળી રહ્યા છે. આપણે આવી નાશવંત બાબતો છોડી, ભગવાનમાં આપણો વિસ્તાર વધારીએ, તો જન્મ સફળ થાય.

આધ્યાત્મિક માર્ગમાં આ વિસ્તારવાદ; વિવાદ, વિખવાદ અને વિષાદનું કારણ બને છે. પૂ. ગુરુજી કહે છે,

“જને કાઈં જોઈતું જ નથી તેના જેવો કોઈ સુખી નથી.” જીવ પોતાનામાં શું ખૂટે છે ? તે જોતો નથી અને પોતાની પાસે કાંઈક ખૂટે છે, એમ માની જીવનભર દોડતો જ રહે છે.

આપણે જન્મીએ કે તરત ભગવાન આપણને દાંત આપતા નથી. કેમ કે, જો દાંત આપી દે તો સાન-ભાન ન હોવાથી, પોતાનું પોષણ કરનાર માતાને જ ધાવતી વેળાએ નુકસાન કરીએ. સહેજ મોટા થઈએ, ધાવણ છૂટે તે દરમ્યાન દાંત આવવા લાગે છે. આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે આપણા પોષણકર્તા સંતો-ગુરુને નુકસાન પહોંચાડીએ તેમ હોઈએ ત્યાં સુધી ભગવાન આપણને જૂના અને સીનિયર થવા છતાં સામર્થી રૂપી દાંતથી દૂર રાખે છે. ભગવાન દાંત આપતા જ નથી અને આપણને બીજાનું જોઈને દાંત જોઈતા હોય છે, એ જ વિસ્તારવાદનું મૂળ છે. આપણી પાત્રતા હોતી નથી અને છતાં બીજા સાથે બાધી-આખડીને બળજબરીથી લઈ લેવા પ્રયત્નો કરતા રહીએ એમાંં આપણે પોતે તો દુ:ખી થઈએ છીએ પણ બીજાને પણ દુ:ખી કરીએ છીએ..

“મોટાનો રાજીપો વધારે મળે, હું મોટાની નજરમાં આવી જાઉં, એ મારી સેવાથી રાજી રાજી થઈ જાય,” એવા પ્રયત્ન કરવાની કોઈ મનાઈ નથી; પણ એમાં ને એમાં આપણે, પોતાને જેટલું અને જે ક્ષેત્રનું કાર્ય સોંપવામાં આવ્યું હોય તે કરતાં વિશેષ, બીજાં ક્ષેત્રોમાં પણ દોઢડહાપણ કરી માથાં મારવા લાગીએ છીએ અને આપણો વિસ્તાર મોટો કરવા લાગીએ છીએ. જટેલો વિસ્તાર મોટો થાય એટલી વૃત્તિઓ પાતળી થવા લાગે છે. પછી ન તો પોતાના વિસ્તાર ઉપર પૂરતું ધ્યાન રહે છે કે ન તો ભગવાનમાં ! ભગવાનમાં ધ્યાન રહેતાં રહેતાં વિસ્તાર વધે તો વાંધો નહિ, પણ આ જવલ્લે જ બને છે. કોઈક મોટાપુરુષ જ આ કરી શકે છે. “હમ ભી મહાપુરુષ હૈ” એમ માની મંડી પડે તેનું મૃત્યુ થઈ જાય છે. “મેં કોઈ આજ્ઞા લોપી નથી, હું ભૂલમાં છું જ નહિ, મારી કોઈ ભૂલ થતી નથી, હું ખૂબ સાવધાની રાખું છું, હું તો સંતોની-ભગવાનની આજ્ઞા પ્રમાણે જ બધું કરું છું, એમને રાજી કરવા જ બધું કરું છું,” એમ જ લાગ્યા કરતું હોય છે, પરંતુ દુઃખની મહેમાનગતિ મટતી જ નથી. છતાં, આવી શાહમૃગ નીતિ જ આપણને વિસ્તારવાદનો નશો ચડાવે છે અને રાજી કરવા જ સેવા કરતા હોવા છતાં અવળું પરિણામ આવીને ઊભું રહે છે.

મેનેજમેન્ટમાં લોરેન્સ જે પીટર નામના વિદ્વાનનો એક સિદ્ધાંત “પીટર્સ પ્રીન્સીપલ” તરીકે જાણીતો છે. એ મુજબ, “વ્યક્તિ પોતાની ક્ષમતાથી આગળ વધતાં વધતાં એવી કક્ષાએ પહોંચે છે કે ત્યાં એની ક્ષમતા નાશ પામે છે.” વિસ્તાર એટલો વધે કે પછી ફુગ્ગો ફૂટી જાય છે. માટે ખોટા વિસ્તારવાદમાં ન ફસાવાની જ સાવધાની રાખીશું તો ભૂલ માટે સાવધાની રાખવી નહિ પડે. બધી રીતે રુડા, મોટા, ડાહ્યા, સમજુ, જ્ઞાની ગણાતા હોવા છતાં ભગવાન આપણને ઠેકાણે લાવવા જ ભૂલ પડાવે છે. “આવી ભૂલો પાછળ, મારા માટે ભગવાનનો શું સંકેત છે ?” તેનું સંશોધન કરી, સમજી-વિચારીને, પોતાનામાં સુધારો કરીએ. ભગવાનને પ્રાર્થના કે, “આપણને ખોટા વિસ્તારવાદથી બચાવે !”