વિસનગરના ઝુમખરામની વાત : કથામૃતમ્

વિસનગરના ઝુમખરામની વાત : કથામૃતમ્
May 1, 2021

એક ગામ છે વિસનગર, માંહી રહે છે વણિક બેચર;
તેના પુત્ર છે ઝુમખરામ, તેથી નાના છે મુગટ નામ.

વિસનગરના વણિક બેચરભાઈ ભાવસારને બે દીકરા હતા. મોટા ઝુમખરામ અને નાના મુગટરામ. તેમને એક દીકરી પણ હતી. તેનાં લગ્ન માલેગાવ થયેલાં, તેમના પતિનું નામ સીતારામ શેઠ હતું.

એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણે વડતાલમાં સમૈયો કર્યો હતો. ત્યારે વિસનગરથી ઝુમખરામ ઉત્સવ કરવા વડતાલ આવેલા. ભગવાન શ્રીસ્વામિનારાયણ વડતાલ ગામથી ઉગમણે આંબલા હેઠે સભા ભરીને બેઠેલા.

વહાલા ભક્તો ! તે વખતે હરિભક્તોને સમૈયામાં જવાની એટલી બધી તમન્ના થતી હતી કે તેનું કોઈ માપ નહોતું. મહારાજ સમૈયો કરે ત્યારે કોઈ ઘર સાચવવા પણ રહેતું નહીં. ગઢિયા, બાળકો, બાઈઓ, ભાઈઓ બધાયને એમ રહેતું કે, અમારે આવવું છે, મહારાજનાં દર્શન કરવાં છે; એવું તાન રહેતું. તેથી સમૈયામાં લાખો માણસો થાતા. તે દિવસે કોઈ ફોન, ઈન્ટરનેટ કે ફોટો, વિડિઓ, કેમેરો કાંઈ નહોતા. ત્યારે તો મહારાજ ભેળા થાય ત્યારે મહારાજનાં દર્શન થાય. જેનું ધ્યાન કરવું છે, જેને આત્મામાં અખંડ સાચવવા છે, જેને અખંડ ભજવા છે તેનાં ફોટા, વિડિઓમાં કાંઈ દર્શન ન થાય એવો યુગ હતો. એટલે ભેગા થાય ત્યારે નેણાં ભરીને નાથને નીરખીને સુખ લૂંટે એવી એ વખતની આખી રીત હતી. એટલે કોઈને ઘેર રહેવું ગમતું નહોતું.

વહાલા ભક્તો ! તે વડતાલના સમૈયામાં હજારો માણસો ભેગા થયા હતા ને સભા ભરાઈને બેઠી હતી ને ભગવાન સ્વામિનારાયણ પોતે ઊભા થઈને વાતો કરતા હતા અને હરિભક્તો એક નજરે મહારાજના સ્વરૂપનું નેત્ર દ્વારા પાન કરતાં કરતાં અમૃતવચનોનું કાન દ્વારા પાન કરી રહ્યા હતા.

એ વખતે ચાલુ સભાએ વિસનગરના શેઠ ઝુમખરામ ઝોલે ચઢ્યા અને પાછા સભામાં આગળ બેઠેલા, એટલે મહારાજની નજર તેમના ઉપર પડી. પછી મહારાજ તેમની નજીક ગયા અને ધડ લઈને માથામાં સોટી મારી. ઝુમખરામ જાગી ગયા. પછી મહારાજ જતા રહ્યા, પણ ભગત વિચાર કરે કે, મને મહારાજે સોટી કેમ મારી ? પણ તેને તે ખબર ન રહી કે, હું ઊંઘતો હતો. તેને તો મનમાં એમ કે, મને મહારાજે અમથી સોટી મારી છે. પછી તો મહારાજે સભામાં ઊભા ઊભા ઘણી મહિમાસભર ને બળભરી વાતો કરી.

પછી જ્યારે સભા પૂરી થઈ ત્યારે ઝુમખરામ મહારાજ પાસે આવ્યા અને મહારાજના ચરણારવિંદ ઝાલીને કહે, ‘હે મહારાજ ! તમે મને સોટી શું કામ મારી ?’ ત્યારે મહારાજે કહ્યું કે, ‘હિરણ્યકશિપુ પ્રહ્લાદને મારવાની તને આજ્ઞા કરતો ત્યારે પ્રહ્લાદનો તને ગુણ હતો તેથી તું તેને મારતો નહીં. ખોટો ખોટો હિરણ્યકશિપુને દેખાડવા પૂરતો પ્રહ્લાદને ડારો કરતો. પણ અંદરથી તો તેને સાચવતો, તે પુણ્યે કરીને તું ભક્ત થયો છે.’ આ વાત સાંભળી ઝુમખરામ તો વિચારે ચડી ગયા કે, હિરણ્યકશિપુ ક્યાં અને હું વિસનગરનો ભાવસાર ક્યાં ?

પછી તો ઝુમખરામે મહારાજને પૂછી લીધું, ‘તમે કહ્યું એ તો ઠીક, પણ મને સોટી કેમ મારી ?’ મહારાજ કહે, ‘ઝુમખરામ ! તે વખતનાં તારામાં કાંઈક પાપ રહી ગયાં હતાં તે આજ અમે સોટી મારીને કાઢ્યાં.’ મહારાજ જ્યાં આટલું બોલ્યા ત્યાં ઝુમખરામને હિરણ્યકશિપુ વખતે પાતાળમાં રાક્ષસ તરીકે જે પોતાનો જન્મ હતો તે બધું દેખાયું. તે બધી સ્મૃતિ તાજી થઈ કે, હું રાક્ષસ હતો. પ્રહ્લાદજીને તેનો બાપ કનડતો હતો. તે અમને કહેતો હતો કે, પ્રહ્લાદને મારો. બીજા બધા રાક્ષસો પ્રહ્લાદને મારતા પણ હું તેને સાચવતો, તે તેને યાદ આવી ગયું. તે સમયે ઝુમખરામ ઉપર એવી કૃપા થઈ કે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ઝુમખરામને અખંડ દેખાવા લાગી !

અખંડ મહારાજ દેખાય એટલે ઝુમખરામ કાંઈ કામકાજ કરી શકે નહીં. તેથી તેઓ બહુ મૂંઝાયા. પછી મહારાજ પાસે આવીને પોકે પોકે રડવા માંડયા. મહારાજ કહે, ‘તને શું થયું છે ?’ પણ છાના રહે નહીં. પછી મહારાજને કહે, ‘તમારી મૂર્તિ મને સર્વે ક્રિયામાં અખંડ દેખાય છે.’ મહારાજ કહે, ‘તે તો મોટાં ભાગ્યની વાત કહેવાય !’ ત્યારે ઝુમખરામ કહે, ‘શું ભાગ્યની વાત કહેવાય ! હું વ્યાવહારિક ક્રિયા કેમ કરું ? મારાં માતા-પિતા વૃદ્ધ છે અને મારો ભાઈ મુગટરામ નાનો છે. તે સર્વેના પોષણનું કામ મારે માથે છે, પણ મારે બધું વ્યાવહારિક કામ કેમ કરવું ?

મહારાજ કહે, ‘તને ઠીક ન પડયું ? જા હવે નહિ દેખાય !’ ત્યારે ઝુમખરામ કહે, ‘નહિ... નહિ...એવું નહીં..! મહારાજ એમ સાવ બંધ કરો મા. હું જેટલો સમય ધ્યાનમાં બેસું તેટલો સમય તમારે અખંડ દર્શન દેવાં.’ ત્યારે મહારાજ કહે, ‘તથાસ્તુ !’ પછી એ પ્રમાણે ઝુમખરામને થઈ ગયું.

પછી ઝુમખરામ પોતાને ગામ વિસનગર ગયા. પણ વિસનગરમાં ધંધા-પાણી સરખાં ચાલ્યાં નહીં. તેથી ઝુમખરામ દક્ષિણ દેશમાં વેપાર કરવા ગયા અને ત્યાં વેપારમાં ઠરીઠામ થયા.

કરે વેપાર કમાય ધન, કરે પ્રભુનું પ્રીતે ભજન...

આ અડધી જ ચોપાઈમાં સંસારી માટે દુનિયાભરનાં શાસ્ત્રનો સાર આવી ગયો છે. કરે વેપાર અને કમાય ધન અને પ્રભુનું પ્રીતે કરે ભજન તેનું નામ ભક્તનો ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ગૃહસ્થાશ્રમીઓ સાંજ-સવારે પ્રેમથી ભગવાનનું ભજન કરે, કામકાજ, ધંધો કરતાં કરતાં ભગવાનને સંભારી ભગવાન માટે કરતા રહે તો તેઓ મહાન છે. ઝુમખરામના ઘરમાં બધાં સત્સંગી હતાં. બધાં સ્વામિનારાયણ...સ્વામિનારાયણ એમ ભજન કરતાં.

ઘર સર્વે સત્સંગી કહાવે, મુખે સ્વામિનારાયણ ગાવે;
વાર્તા કરવાની ઘણી ટેવ, પૂછે ઉત્તર દે તતખેવ.

ઝુમખરામ ઘણા વાતોડિયા હતા. તેમને કોઈક પૂછે કે, સ્વામિનારાયણ એટલે કોણ ? ત્યાં તો એકડે એકથી શરૂ કરી દે. સ્વામિનારાયણ ભગવાન છે. હાલ ગઢડામાં રહે છે. અવતારના અવતારી છે. તેમના આશ્રિતને અંતકાળે પોતે તેડવા આવે છે. એવી એવી વાતો ઉત્સાહથી કરવા લાગતા. તેમને મહારાજમાં અપાર હેત તેથી મહારાજની વાતો બહુ કેફથી કરતા.

વહાલા ભક્તો ! આપણા ઉપર પણ મહારાજ આવી કૃપા કરે અને આપણને પણ પોતાની મૂર્તિનું અખંડ દર્શન આપે તો કેવું સારું ? પણ તે માટે આપણે એવા મહિમાવાળા બનવું પડશે. ખૂબ ભજન કરતા રહેવું પડશે. આપણા માટે નહિ પણ મહારાજ અને તેમના વહાલા માટે આપણું સર્વસ્વ કરી રાખવું જોઈશે. તો ચાલો, તેની તૈયારી કરવા મંડી પડીએ... |

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૩/૦૭/૨૦૧૪, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન...