
વહાલા ભક્તો ! વિશ્વાસ એ આધ્યાત્મક માર્ગનો પ્રાણ છે. જેને ભગવાનમાં વિશ્વાસ હોય તે કાયમ એવું જ બોલે કે, “મારો વાલો જે કાંઈ કરતા હશે એ ઠીક જ કરતા હશે. ભગવાન જ કરે છે, ભગવાન જ કરાવે છે કાં તો ભગવાન જ કરવા દે છે. મારો મહારાજ જ કર્તા છે, એ જ હિતકર્તા છે, અને એ જે કરે તે મને માન્ય છે.” વિશ્વાસીને આવો દૃઢ ભરોસો હોય તેથી તેને ભગવાનનું કર્તાપણું સહજ સ્વીકારાય.
આવા એક પરમ વિશ્વાસી ભક્ત કાંધી ગામનાં રામજી પટેલ હતાં. એક વખત અભેસિંહ નામનો ડાકુ તેમની ઘોડી માંગી લઈ ગયો. થોડા સમય પછી જ્યારે પટેલે પોતાની ઘોડી પાછી માંગી ત્યારે આ ડાકુ વીફર્યો. પછી રામજી પટેલના દીકરા અર્જુનને ઉપાડી ગયો. ત્યારબાદ આ ડાકુએ પોતાના બે સાગરીતો દ્વારા કહેણ મોકલ્યું કે, “તમારા છોકરા અર્જુનને મેં બાનમાં રાખ્યો છે. જો દસ હજાર રૂપિયા આપો તો છોડીશ, નહિતર તેને બંધૂકે ઉડાડી મૂકીશ.” રામજી પટેલ ભગવાનના દૃઢ વિશ્વાસવાળા ભક્ત હતા. પટેલ ભગવાનના વિશ્વાસથી બોલ્યા, “જાઓ, અભેસિંહને કહેજો કે જો તે કર્તાહર્તા હોય તો મારા અર્જુનને મારી નાંખે. અને જો મારા ભગવાન સ્વામિનારાયણ સર્વકર્તા હોય અને મારા ગુરુ સમર્થ હોય, તો તમારાથી અર્જુનનો વાળ પણ વાંકો નહિ થાય. આંહીં કાંઈ રૂપિયાના ઝાડવાં નથી.” અભેસિંહના સાગરીતો બોલ્યા, “પટેલ ! પૈસા આપી દો. નહિ તો અમે જેવો બંધૂકનો ભડાકો કરીશું, એ સાંભળીને તરત અભેસિંહ ત્યાં તમારા છોકરા અર્જુનને ભડાકે દેશે.” પરંતુ પટેલ ભગવાનના કર્તાપણાનું બળ રાખી કહે, “કાંઈ વાંધો નહીં, કરો ભડાકો.” પછી સાગરીતો એ ભડાકો કરી સાન કરી કે, રામજી પટેલે પૈસા આપ્યા નથી; પણ આ બાજુ અભેસિંહથી અર્જુનને કાંઈ કરી શકાયું નહીં. ભગવાને એનું અંતઃકરણ એવું ફેરવી દીધું કે એણે અર્જુનને છુટો કરી ઘેર મોકલી દીધો. રામજી પટેલને ભગવાનનો દૃઢ ભરોસો હતો. ભગવાનને કર્તા માનીને મૂંઝાણા નહિ તો ભગવાને તેની રક્ષા કરી.
કાળ કર્મ કે માયા કદાપિ, મારા જનને સંતાપે ન કદી;
મારા હાથમાં છે સર્વે બાજી, એમ જાણી રહે જન રાજી.
ભગવાનનો વિશ્વાસ હોય તો તો ફાયદો થાય જ છે, પણ જો પોતાના ગુરુ કે મોટા સંતમાં વિશ્વાસ હોય તો પણ ફાયદો થાય.
વચ.ગ.મ.૬માં શ્રીજીમહારાજ પોતે એમ બોલ્યા કે, “જેમ કોઈક મોટો શાહુ કાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હૂંડી જે શાહુકારની ઉપર લખી હોય, તેને આપે ત્યારે એ હૂંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિનિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે; જેમ હૂંડી માંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ શાહુ કારે હૂંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઈત્યાદિક જે મોટા પુરુષ તેનાં વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો.”
વિશ્વાસીના ગમે તેવાં તામસી કર્મો હોય તે પણ બળી જાય અને સુખી થઈ જાય છે. માણસાના વાલેરા વરુ ભાયાતોના ભાગ સારુ એના જ ભાઈ સામે બહારવટે ચડેલા. એમાં સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામી મળી ગયા અને સ્વામીએ કહ્યું તેમ કર્યું તો સાતમે દિવસે રાજ્ય પાછુ મળ્યું. એના બધાં તામસી કર્મો બળી ગયાં. પછી સારા ભક્ત થયા અને અંતે મોક્ષને પામ્યા.
વહાલા ભક્તો ! જો ભગવાન અને સંતને વિશે વિશ્વાસ રાખીએ તો આપણો અવિવેક પણ ટળી જાય. શ્રીજીમહારાજે વચ.ગ.પ્ર.૬માં કહ્યું છે કે,
પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને, શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે, અને સત્સંગમાં મોટપને પામે છે.
આપણામાં રહેલો આવો અવિવેક ટળવો એ કાંઈ નાની વાત નથી.
રાજા બી દુઃખિયા રંક બી દુઃખિયા,ધનપતિ દુઃખિત વિકારમેં;
વિના વિવેક ભેખ સબ દુઃખિયા,જૂઠાસ તન અહંકારમેં.
જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા,માયા ઘોર અંધારમેં;
મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની,પોંચે તેજ અંબારમેં.
તેથી જ મુક્તાનંદ સ્વામી કહે છે, આ દુનિયામાં રાજા હોય કે રંક મોટા ભાગના માણસો અવિવેકને લઈને જ દુઃખી છે. અરે ! કેટલાક ત્યાગી સાધુ-સંતો પણ અવિવેકને લઈને દુઃખી છે, અને કેટલાય મોટા ગાદીપતિઓ પણ અવિવેકને લઈને દુઃખી છે. પણ જો ભગવાન કે કોઈ અનુભવી જ્ઞાની સંતને વિશે વિશ્વાસ રાખે તો એના અવિવેકનો નાશ થાય.
આ લોકમાં ઘણા લોકો દેહે કરીને સુખી હોય. ખાન-પાન, ગાડી-બંગલા, બધું હોય. એ.સી. ઓરડામાં બેઠો હોય, ખોળિયું ટાઢું હોય, પણ હૈયું સળગતું હોય. એની સામે જે ભક્તો ભગવાન તથા સંતમાં વિશ્વાસ રાખે અને તેઓ જેમ કહે એમ ભગવાનની ઉપાસના કરે, ધર્મ-નિયમ પાળે તો તેનું ખોળિયું પણ ટાઢું રહે અને હૈયું પણ ટાઢું રહે.
બાલાશિનોરના ખુશાલભાઈની બે પત્ની ધામમાં ગઈ અને ત્રીજી વખત પરણવાનો વિચાર હતો, પણ સદ્.શ્રીગોપાળાનંદ સ્વામીમાં પૂરો વિશ્વાસ હતો, તેથી સ્વામી પાસે પૂછવા ગયા. પરંતુ સ્વામીએ એવી વાતો કરી કે થોડા જ દિવસમાં ખુશાલભાઈના જીવમાંથી સ્ત્રીની વાસના ટાળી નાંખી; સુખી સુખી થઈ ગયા. પછી તો પોતાનું તન-મન-ધન બધું સમર્પણ કરી, સમર્પિત થઈને આજીવન સ્વામી પાસે મંદિરમાં રોકાયા. અંતે સુખપૂર્વક ભગવાનના ધામમાં ગયા.
સંતના વિશ્વાસથી શું ન થાય ? વિશ્વાસ વિના તો કોઈ કાર્ય થતું નથી. માટે ભગવાન અને સંતના બળે શું ન થાય ? એવો અંતરમાં કેફ ચડાવી દ્યો, પછી જુઓ, આપણું જીવન બદલી જાય છે કે નહીં ?
ભગવાન અને સંતો-ભક્તોનો વિશ્વાસ રાખવો એ બહુ મોટી વાત છે. પરંતુ ખોટની વાત એ છે કે આપણને ભગવાન અને સંતો-ભક્તોનો વિશ્વાસ ઘણો ઘટે છે; એટલે અંતરમાં બળ નથી જાગતું. અને બળ નથી જાગતું એટલે આપણામાં બદલાવ નથી આવતો. અને બદલાવ નથી આવતો એટલે સુખી નથી થતા.
માટે વહાલા ભક્તો ! અંતરમા તપાસ કરી ખોટ સુધારવાની જરૂર છે. ભગવાનને જ કર્તા માનીને એનો દૃઢ ભરોસો રાખીને જીવવાની જરૂર છે. ભગવાન અને સંતો-ભક્તોમાં વિશ્વાસ કેળવીને આપણામાં બદલાવ લાવવાની જરૂર છે...
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૨/૧૨/૨૦૧૩, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન.