ભગવાન, સંત અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખવાથી આપણો ભક્તિમાર્ગ ખુલ્લો થાય છે. વિશ્વાસ રાગ-દ્વેષથી પર હોય. વિશ્વાસ બધા જ પ્રકારના સંશયથી મુક્ત હોય, વિશ્વાસુને કદી વિયોગ ન હોય, વિશ્વાસ નીત નવો હોવો જોઈએ. વડલો વિશ્વાસનું પ્રતીક છે. જુઓને, વડલાને પાનખર ન આવે. એવી જ રીતે આપણું ભજન, મંત્રજાપ, સેવા વગેરે બધુંય વિશ્વાસના વડલા નીચે સતત થવું જોઈએ. તો એ બધું જ આપણા માટે સફળ થાય !
જાણકારીમાંથી વિશ્વાસ પ્રગટ થાય છે અને જાણકારીનું ઉદગમ સ્થાન છે ગુરુ. જાણવું કહેતાં જ્ઞાન મેળવવું. જ્ઞાનમાંથી વિશ્વાસ પ્રગટે, વિશ્વાસમાંથી પ્રેમ પ્રગટે અને પ્રેમથી પ્રભુ પ્રગટે.
વિશ્વાસથી આપણી સર્વ પ્રકારે રક્ષા થાય :
મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં દસમા દિવસે ભીષ્મપિતામહે પ્રતિજ્ઞા કરી કે, આવતીકાલે હું નહીં કાં અર્જુન નહીં. અર્જુનને આ પ્રતિજ્ઞાના સમાચાર મળ્યા, છતાં પણ તે ઘસઘસાટ ઊંઘી ગયો. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જગાડયો અને કહ્યું, “તને પિતામહની પ્રતિજ્ઞાનો ખ્યાલ નથી ? કાલ માટે તારે કોઈ વ્યૂહ-રચના ગોઠવવી નથી ? તું ઊંઘે છે કેમ ?” અર્જુન કહે, “પ્રભુ ! આપ જાગો છો એટલા માટે.” આવો દૃઢ વિશ્વાસ અર્જુનને હતો. તેથી અર્જુનની યુદ્ધમાં અને યુદ્ધ પછી પણ ભગવાને રક્ષા કરી.
તેથી જ મહારાજ વચનામૃત ગ.મ.૧૮માં કહે છે, “પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય, તો તેનો કોઈ કાળે છૂટકો થાય તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા ઈત્યાદિક જે મોટાં પાપ, તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય.” ઉપરાંત વચ. ગ.અં.-૧૪માં કહ્યું, “જે મારે દૃઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે, તેમ હું રક્ષા કરું છું.”
અશક્યનું શક્ય બને :
બુદ્ધિ કે મન ન માને એવાં અશક્ય કાર્યો પણ વિશ્વાસના સહારે શક્ય બને છે. જેને ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો એવા નરસિંહ મહેતાનાં અશક્ય જણાતાં બાવન જેટલાં કાર્યો ભગવાને પરચા પૂરી શક્ય કર્યાં.
હમણાં નજીકના ભૂતકાળમાં જ જુઓને - કાર્તિકી સમૈયામાં વડતાલધામ ખાતે ઉજવાયેલ શ્રીવચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવમાં ભયંકર વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી હતી. તે મુજબ વડતાલથી દૂર આજુબાજુના ગામોમાં તેની પૂરી અસર થઈ. પણ પૂ.ગુરુજીને વહાલા હરિકૃષ્ણ મહારાજમાં અતૂટ વિશ્વાસ હતો ને કહ્યું કે “એ બધું મહારાજે જોવાનું. આપણે આપણું ભજન ચાલુ રાખો.” તો ખરેખર સમગ્ર વાવાઝોડું કે વરસાદ બીજે ફંટાઈ ગયો. મહોત્સવમાં સહુ સંતો-ભક્તો ની રક્ષા થઈ. એ બાબતના આપણે સહુ સાક્ષી છીએ જ ને !
મૃત્યુના ડરથી બચવા માટે શ્રીજી મહારાજ વચ.લો.૨માં અદ્ભુત ઉપાય બતાવે છે. “વિશ્વાસીને મુત્યુનો ભય નાશ પામે છે ને કૃતાર્થપણું મનાય છે.” પરંતુ જો, આપણને ભગવાનમાં શંકા-સંશય રહ્યા કરે તો ગીતામાં કહ્યું છે : “સંશયાત્મા વિનશ્યતિ” જેનું શંકાશીલ મન હોય તેનો નાશ થાય છે. શંકા એ આત્માનો રોગ છે. માટે વિશ્વાસ રાખીએ તો સ્વસ્થ રહી શકીએ અને નિર્ભય રહી શકીએ. અખંડાનંદ સ્વામી મહારાજના વિશ્વાસે ચાર વાઘ સામે પણ સ્વસ્થ ને નિર્ભય રહી શક્યા.
વિકાર ટળે :
આજે વિજ્ઞાને કલ્પનાતીત વિકાસ કર્યો છે. છતાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહમ્, મમત્વ વિગેરે વિકારો ટાળવાની કોઈ દવા, ઈન્જેક્શન કે થેરાપી શોધાયેલી નથી. ત્યારે શ્રીજી મહારાજ આવા વિકારો ટાળવાનો સરળ અને સચોટ ઉપાય વચ.કારિ.૧૨માં બતાવતાં કહે છે, “ગમે તેવો કામી, ક્રોધી, લંપટ જીવ હોય ને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે, તો તેના સર્વે વિકાર ટળી જાય.”
કથા-વાર્તા તો આપણે સહુ ખૂબ સાંભળીએ છીએ, પણ વિકાર કેમ ટળતા નથી ? કારણ એ કે, વિશ્વાસ રાખી સાંભળતા નથી. વિશ્વાસ પર મૂકેલા ભારને આપણે બધાં ભૂલી જઈએ છીએ. જોબનપગી, તખોપગી, મુંજો સુરુ, વાલેરો વરુ, માનભા વગેરે પાપના પર્વતો હતા. પણ વહાલાનો વિશ્વાસ રાખ્યો, તો પાપો બળ્યાં અને વિકાર ટળ્યા .
ભગવાન અને સંતની પ્રસન્નતા થાય :
ભગવાનને પ્રસન્ન કરવાનાં ઘણાં સાધનો છે. પણ વિશ્વાસ વગર ભગવાન કે સંત પ્રસન્ન થતા નથી. આપણે કેવો વિશ્વાસ રાખવો ? તે પણ શ્રીજી મહારાજે ગ.પ્ર.૫૯માંકહ્યું કે, “આ મને મળ્યા તે નિશ્ચય જ ભગવાન છે.” આપણે સહુ કેટલા વિશ્વાસી ભક્ત છીએ ? તે આપણે નક્કી કરવું રહ્યું !
અસાધ્ય રોગ થયો હોય, હજાર ઉપચાર કર્યા હોય, છતાં મટતું ન હોય ને એ સમયે સાચા નિષ્ણાંત ડોક્ટર યોગ્ય નિદાન કરી રોગ મટાડવાની ગેરંટી આપે, તો દર્દી શું કરે ? ડોક્ટરની એકે એક સૂચનાનું અક્ષરશ: પાલન. કારણ કે, ડોક્ટરમાં વિશ્વાસ છે કે, એ જે કાંઈ કહેશે, એનાથી મારું સારું જ થવાનું છે. માટે વિશ્વાસ એ જ વર્તનમાં રૂપાંતર પામે છે. બસ, એમ જ આપણને ભગવાનમાં અને ગુરુમાં વિશ્વાસ છે, એની નિશાની શું ? તો એમની આજ્ઞા પ્રમાણે વર્તાય તે. ભગવાને શિક્ષાપત્રીમાં આપણને આ કરવું ને આ ન કરવું. એવી ઘણી આજ્ઞાઓ કરી છે. તે મુજબ આપણે કરીએ તો આપણે વિશ્વાસી.
પૂ.ગુરુજીએ, ટી.વી. ન જોવું, હોટલમાં ન ખાવું કે ઈન્ટરનેટમાં અયોગ્ય ન જોવું, એવું કહ્યું હોય તો તે આપણે ન જોઈએ, તો આપણે વિશ્વાસી. રોજે ચેષ્ટા અને ‘આજ મારે ઓરડે’ જોવાનું કહ્યું હોય, કથા સાંભળવાનું કહ્યું હોય, નિષ્કપટ થવાનું કહ્યું હોય, ઘરસભા કરવાનું કહ્યું હોય; તે મુજબ આપણે નિયમિત કરી શકીએ, તો આપણે સાચા વિશ્વાસી. આમ, એમની નાની-મોટી આજ્ઞાઓનું જેટલું ખટકા સાથે શબ્દશ: પાલન; એટલો વિશ્વાસ નક્કર.
વહાલા ભક્તો, આપણે સહુ આ રીતે જેમ જેમ વિશ્વાસ રાખીશું, એમ એમ આપણા જીવનમાં સુખ પ્રાપ્ત થતું જશે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીશું...