વિશ્વાસ

વિશ્વાસ
February 2, 2026

આપણે સૌ સત્સંગમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે, ‘મને ભગવાનમાં અને મારા ગુરુજીમાં પૂરો વિશ્વાસ છે.’ આપણી શ્રદ્ધા અડગ છે, આપણી નિષ્ઠા પાકી છે; પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ ‘વિશ્વાસ’નું સાચું સ્વરૂપ શું છે ? શું આપણો વિશ્વાસ માત્ર બોલવા પૂરતો સીમિત છે કે પછી એ આપણા જીવમાં દૃઢ થયેલો છે ?

મહારાજ, પૂ.ગુરુજી અને સંતો આપણને આ ભવસાગર પાર કરાવવા આવ્યા છે. તેઓ આપણને કહે છે કે, ‘તું બસ મારો હાથ પકડી રાખ, હું તને ધામમાં લઈ જઈશ.’ પણ શું આપણે એ હાથ પકડવા, એમને સંપૂર્ણપણે સોંપાઈ જવા તૈયાર છીએ ? ચાલો, આ વાતને એક સુંદર દૃષ્ટાંત દ્વારા સમજીએ.

સાચો વિશ્વાસ કોને કહેવાય ?

એક મોટું શહેર હતું. શહેરની બે સૌથી ઊંચી ઇમારતો વચ્ચે એક કુશળ કલાકારે એક જાડું દોરડું બાંધ્યું. આ અદ્ભુત ખેલ જોવા માટે નીચે હજારો લોકોની ભીડ ઊમટી પડી હતી. કલાકારે તેની કળા શરૂ કરી. તેણે હાથમાં સંતુલન માટે એક લાંબો વાંસ લીધો અને ખૂબ જ સાવધાનીપૂર્વક દોરડા પર ચાલવાનું શરૂ કર્યું. આ જોતાંની સાથે જ સૌના શ્વાસ થંભી ગયા હતા. તે કલાકાર ધીમેધીમે એક-એક ડગલું ભરીને સામેની ઇમારત સુધી હેમખેમ પહોંચી ગયો. નીચે ઉભેલી લોકોની ભીડે તાળીઓના ગડગડાટથી આખા વાતાવરણને ગજવી મૂક્યું. પછી તેણે માઇક પર જાહેરાત કરી, ‘આ તો કંઈ નથી ! હવે હું આ જ દોરડા પર આંખે પાટા બાંધીને ચાલીશ.’ તેણે પૂછ્યું કે, ‘શું તમને મારા પર વિશ્વાસ છે કે હું આ કરી શકીશ ?’ ભીડમાંથી હજારો લોકોનો એકસાથે અવાજ આવ્યો, ‘હા... હા... અમને તમારા પર પૂરો વિશ્વાસ છે.’ અને તેણે આંખે પાટો બાંધ્યો અને ફરીથી આશ્ચર્યજનક રીતે સફળતાપૂર્વક દોરડું પાર કરી લીધું. લોકોનો ઉત્સાહ અનેરો હતો.

હવે તેણે ત્રીજી અને સૌથી કઠિન જાહેરાત કરી. તેણે કહ્યું, ‘હવે હું મારી પીઠ પર એક માણસને બેસાડીને આ દોરડું પાર કરીશ. શું તમને વિશ્વાસ છે કે હું આ પણ કરી શકીશ ?’ લોકોએ પહેલાં કરતાં પણ બમણા જોશ અને મોટા અવાજે બૂમ પાડી, ‘હા, હા. અમને સો ટકા વિશ્વાસ છે. તમે ચોક્કસ કરી શકશો. અમને તમારી કળા પર પૂરો ભરોસો છે.’ કલાકારે ભીડ સામે જોઈને સ્મિત કર્યું અને કહ્યું, ‘તમારા આ વિશ્વાસ બદલ ખૂબ ખૂબ આભાર. તમારો આ ભરોસો જ મારી સાચી તાકાત છે. તો હવે, તમારામાંથી કોણ મારી પીઠ પર બેસવા માટે તૈયાર છે ?’ આ સાંભળતાંની સાથે જ એ હજારોની ભીડમાં સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. એક પણ વ્યક્તિનો અવાજ ન આવ્યો. જે લોકો હમણાં ગળું ફાડીને વિશ્વાસની બૂમો પાડતા હતા, તે બધાની નજરો નીચે ઝૂકી ગઈ. કોઈ આગળ આવવાની હિંમત ન કરી શક્યું.

વહાલા ભક્તો ! આપણી સ્થિતિ પણ પેલી ભીડ જેવી તો નથી ને ? આપણે ભગવાન અને આપણા ગુરુજી પર વિશ્વાસ હોવાનો દાવો કરીએ છીએ. આપણે કહીએ છીએ કે, ‘મહારાજ અને ગુરુજી જે કરે તે મારા સારા માટે જ હોય.’ પણ જ્યારે સત્સંગરૂપી દોરડા પર ચાલવાનો સમય આવે, જ્યારે આજ્ઞા પાળવામાં કષ્ટ પડે, જ્યારે આપણું મનધાર્યું ન થાય; ત્યારે શું આપણો વિશ્વાસ અડગ રહે છે ? ભીડને કલાકાર પર વિશ્વાસ હતો, પણ માત્ર બોલવા પૂરતો. તેઓ તેની કળાના વખાણ કરતા હતા, પણ પોતાનો જીવ તેના હાથમાં સોંપવા તૈયાર ન હતા.

સાચો વિશ્વાસ એ છે જે સમર્પણ માંગે છે. એ પીઠ પર બેસવા જેવી વાત છે. આપણે આપણું સર્વસ્વ ભગવાન અને સત્પુરુષના ચરણોમાં સોંપી દઈએ, આપણું ધાર્યું કરવાની વૃત્તિ છોડીને એમના ગમતામાં આપણું ગમતું માનીએ; એ જ સાચો વિશ્વાસ છે.

વહાલા ભક્તો ! આપણને મળેલા ગુરુજી અને સંતો એ કુશળ કલાકાર છે; જેઓ ભવસાગરરૂપી દોરડું પાર કરી ચૂક્યા છે. એ તો આપણને પોતાની પીઠ પર બેસાડીને, કોઈ પણ કષ્ટ વગર સામે પાર અક્ષરધામમાં લઈ જવા તૈયાર છે. પ્રશ્ન એ નથી કે એ લઈ જઈ શકશે કે નહીં, પ્રશ્ન એ છે કે આપણે એમની પીઠ પર બેસવા, એટલે કે એમને સર્વસ્વ સોંપવા તૈયાર છીએ કે નહીં ?