
ગુંજન ! ગઈકાલે ભાવિનભાઈએ યુવાસભામાં વાત કરી એ તને કેમ લાગી ? “કેમ રવિ, તું શું કહેવા માંગે છે ?” રવિએ આજુબાજુ જોઈનેે કહ્યું, “આમ તો બીજી બધી વાત સમજાય પણ મંથન વિશે... થોડું ઓવર ન લાગ્યું !” ગુંજને સહમતિ સાથે કહ્યું, “હા મને પણ થોડું એવું જ લાગ્યું કે બીજા બધાને બાદ કરતા મંથન વિષે તેમને કૂણી લાગણી ખરી. એને કાંઈક ભૂલ પડે તો તરત માફ થઈ જાય; ને આપણે થાય તો વારો પડી જાય.” રવિ કહે, “ભાવિનભાઈને મંથનના એટલા કોઈ નજીકના પ્રસંગો ન હોય; ને એ પાછો એમને જ ભાળે એટલે તેઓ પેટ ભરીને એના ગુણો ગાય; પણ બધું માપમાં હોય તો મીઠું લાગે.”
ગુંજને કહ્યું, “રવિ ! મંથનને બહારથી કોઈ ન ઓળખે, હું એને સારી રીતે જાણું છું; મંથરા જ જોઈ લો. આપણી વાત અહીંથી અહીં ને અહીંથી અહીં; સામાન્ય વાતને છેક સંતો સુધી પુગાડી દે. પોતે સેવા બહુ શ્રદ્ધાથી કરે પણ એમાં બીજો વિવેક કોઈ જ નહીં. કોઈ બિચારા સેવા ન કરી શકતા હોય એની પાસે પણ અપેક્ષા રાખ્યા કરે, ને આપણને નીચા દેખાડે. આને શ્રદ્ધા કહેવી કે... તમારું શું કહેવું પ્રકાશભાઈ ! જુઓને, તમારે પણ એની સાથે થોડા સમય પહેલાં આવી જ વાતે કાંઈક ખહરભહર નહોતું થયું !” આ સાંભળી પ્રકાશભાઈએ પણ થોડા હાસ્ય સાથે ગુંજનના સૂરમાં સૂર મેળાવી દીધો.
ગુંજનની આટલી વાત સાંભળી રવિને હવે મંથન વિશેના નેગેટિવ પ્રવાહો વહાવવાનું ખૂબ જ સેફ લાગ્યું; તેથી તે બોલવા લાગ્યો, “મારા એક જૂના પ્રસંગને તો હું ભૂલી જ નહિ શકું. એ આખો પ્રસંગ મારે નથી કહેવો પણ એમાંથી સાર કહું તો... ‘એનાથી છેટા સારા; દૂરથી ડુંગર રળિયામણા.’ અને હા, કથા તો હું પણ રેગ્યુલર સાંભળું જ છું, તેમ છતાં કોઈને ઝૂમમાં જોડવાનો એવો એને ખોટો શું દુરાગ્રહ ! સામાની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને ! એનાથી શું એવો મોટો ફરક પડવાનો છે ? આવી બધી બાબતોમાં વધારે પડતી મહિમાની, રાજી કરવાની વાત તો મારી દૃષ્ટિએ વેવલાય જ કહેવાય !”
આ સાંભળી વિરલે પણ ૬ વર્ષ પહેલાંની વાત સંભારી ટમકું મૂક્યું, ‘મનેય મંથનનો એવો જ કડવો અનુભવ છે, પણ જવા દ્યોને એ વાતને !’ ગુંજને કહ્યું, ‘વિરલ ! આપણે તો છે એ જ સાચું કહેવું છે ને ! એમાં ક્યાં... અને હા, એ આપણા માટે નેગેટિવ ગુરુ.’ હવે વિરલ કહેવા લાગ્યો, “આપણે કોઈનો અભાવ નથી લેવો પણ આ તો શીખવા માટે દૃષ્ટાંતરૂપે એટલું કહું છું કે, આપણે એના જેવું ન કરવું... થોડા વર્ષ પહેલાં એવું બન્યું, પાર્ટનરશીપમાં અમે બંનેએ ધંધો શરૂ કર્યો. થોડીક જ લેતીદેતીમાં હું એને ઓળખી ગયો કે એને આપણો હરિભગત તરીકેનો વિશ્વાસ જરાય નહીં. વાતની વાતે એમ કહે, ‘આપણે લખાણ કરવું પડશે.’ ભગવાનની આજ્ઞા શિર સાટે પણ એમાં જડતા થોડી ચાલે ! કાંઈક તો લાગભાગ કે વિવેક હોવો જોઈએ ને ! સાચું કહું, પછી તો મેં છૂટું કરી નાંખ્યું. આવા બીજા પણ ઘણા પ્રસંગો છે પણ તમને કહેવાનો શો અર્થ ?”
આમ ગુંજન, રવિ અને વિરલ દ્વારા મંથન વિષેની અવનવી નેગેટિવ વાતો લગભગ પોણા કલાક સુધી ચાલી. છેવટે એમનામાં ઉપર ઉપરથી ભળી જઈને સૂર પુરાવનાર પ્રકાશભાઈ ખુલ્લા થઈ બોલવા લાગ્યા, “ગુંજન, રવિ, વિરલ ! બસ કરો. મંથન વિશેની આટલી વાતો બહુ થઈ ગઈ. હવે મને એ કહો કે તમને એનામાં સારું શું લાગે છે ? હું ત્રણ વર્ષથી એની નજીક છું પણ મને તો એના વિષે તમારાથી સાવ ઊલટા જ અનુભવો થયા છે. પ્રભુને ખબર કે, તમારા અનુભવો સાચા કે મારા અનુભવો ?”
પ્રકાશભાઈનો એકસામટો વળાંક... અને તેમનો ચહેરો જોઈ ત્રણેય શરમીંદા બની ગયા. ‘આમ તો... આમ તો મંથનમાં બહુ સારું છે...’ આવા તેવા શબ્દોથી હવે તે થૂંકના સાંધા કરવા માંડ્યા પણ પોતાના અંતરનું ચિત્ર ઉઘાડું થઈ જવાથી સૌ શૂન્યમૌન થઈ ગયા. હવે પ્રકાશભાઈ ત્રણેયના દરેક પ્રસંગોનું વિસ્તૃત રીતે પોસ્ટમોર્ટમ કરતા બોલવા લાગ્યા, “સાંભળો ભાઈઓ ! જે એંગલથી આપણે વ્યક્તિને જોઈએ એવો એ દેખાય. માટે પ્રથમ તો એ તપાસી લેવું જોઈએ કે, હું જેના વિશે આવું બોલી રહ્યો છું, એ ખરેખર એવો છે ? કે મારો એંગલ જ એવો કાંઈક અશુદ્ધિભર્યો છે ? જો આપણા એંગલમાં જ અશુિદ્ધ હશે તો ગમે તે દિશાથી સામેની વ્યક્તિમાં અશુદ્ધિ જ દેખાશે. અને હા, તમારી વાતોમાં બાહ્ય રીતે જોઈએ તો તો મંથનની જ ભૂલ દેખાય પણ ઊંડું જોઈએ તો અસ્વીકાર, અભાવ, રાગ-દ્વેષ વગેરેનો આનો છેડો છેક મહારાજ સુધી ઊંચો જાય; માટે સાવધાન...”
વહાલા ભક્તો ! પ્રસ્તુત લેખ એક પ્રેરણાદાયી કલ્પનાચિત્ર છે. તેને અહીં જ પૂરો માની આપણે પણ આ પ્રસંગે પોતાને અડતી-સ્પર્શતી બાબતો ચકાસી લઈએ કે, હું પણ કોઈકને વિશે આવી નેગેટિવિટી ધરાવતો નથી ને ! પોતાનો દાણો દબાતાં સામાના ગુણ અને સદ્ભાવનાને અવગુણ, દુરાગ્રહ કે અપેક્ષારૂપે નથી જોતો ને ! વળી, આવડો મોટો સત્સંગ છે. બની શકે, ક્યારેક કોઈ વ્યક્તિ કોઈના વિશે નેગેટિવિટી દર્શાવવા માંડે... એ સમયે હું તેમાં ટમકું મૂકીને જોડાઈ જતો નથી ને ! કોઈની વાત સાંભળીને તેના વિશે પોતાની શંકા કે કલ્પના મુજબ ભખભખ બોલી નાખવાનું પાપ તો નથી કરતો ને ! રાગ-દ્વેષમાં, બરોબરિયાપણામાં, અસ્વીકારમાં કે દેહભાવમાં કોઈના અવગુણ ગાઈ એ ઝેર પીતો-પાતો નથી ને ! યાદ રહે, આપણી આ નેગેટિવિટીથી ભરેલી દરેક પ્રવૃત્તિ ન તો કેવળ આપણું પતન કરશે, પરંતુ આપણા સંપર્કમાં આવનાર દરેક સભ્યોને આ ઝેરની ઓછી-વત્તી અસર આવશે; ને તેનું પાપ આપણને લાગશે. માટે શ્રીહરિના લાડીલા સંતો-ભક્તો વિશે કાંઈપણ બોલતા કે વિચારતા પહેલાં સો વાર વિચારવું.
શ્રીહરિએ તો કાંઈક દોષ-સ્વભાવ હોય તોય એને ન જોવાનું કહ્યું છે ને આપણે જેનામાં એવું કાંઈ જ નથી એવા પવિત્ર સંતો-ભક્તો વિશે આવી કલ્પના કરીશું કે અન્યના કોરા મગજમાં એ વારસ સમા ખોટા ડેટા નાખીશું તો એમાં કોઈનું ભલું નહિ થાય. વળી, આપણે કોઈને દોષિત માનીને એ જ દૃષ્ટિથી એને જોયા-કહ્યા કરતા હોઈશું ને આ બાજુ તેણે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી લીધું હશે તો ગ.પ્ર.૧૦મા વચનામૃત મુજબ આપણને કૃતઘ્નીપણા જેવું જ પાપ લાગશે. આ તમામ વાતો જે તે ગૃપ, કુટુંબ કે સમૂહ પૂરતી હોય કે પછી સંપ્રદાય લેવલે હોય; એટલી જ અગત્યની છે. માટે આ પાપથી બચતા રહેવું.
જ્યાં કેવળ ગુણગ્રાહીવૃત્તિથી સૌના ગુણ જ જોવાય છે, લેવાય છે, વિચારાય છે, લખાય છે, ગવાય છે, સંભળાય છે ત્યાં સમજી લેવું કે ત્યાં એક આદર્શ સમાજનું નિર્માણ થશે, પ્રભુને ગમે એવા સંપીલા માહોલમાં સૌ સુખી થશે. અને જ્યાં આનાથી ઊલટું; પરસ્પરના અવગુણ ગવાતા હશે ત્યાં એ સમૂહ દ્વારા પ્રસરેલી નેગેટિવિટી; વિનાશક વારસ કે અણુબોમ્બ જેવી ખતરનાક બની જશે. ને એ શબ્દોનું ચડેલું ઝેર આપણી આધ્યાત્મિકતાનું મોત જ સર્જશે; માટે સાવધાન... આવા કુસંગથી-કુસંગીથી હંમેશાં દૂર જ રહેવું. હા, કુટુંબ કે મિત્રમંડળમાં કોઈના સારા પ્રસંગો કે સદગુણો જરૂર સેર કરવા, પણ કદાપિ નેગેટિવ વાત તો ન જ થવી જોઈએ. કોઈ સભ્યો કોઈની નેગેટિવ વાત કરવા માંડે તો એને પણ તરત રોકવા, આપણાથી મોટા હોય તો ત્યાંથી સ્થળાંતર કરીને પણ તેનાથી બચવું. જ્યાં આ બાબતનું જતન થશે ત્યાં આખા સમૂહનું વાતાવરણ પ્રેમભર્યું, દિવ્ય અને પ્રગતિવર્ધક બની જશે.