
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૩૦/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન
વહાલા ભક્તો ! આ સત્સંગમાં વહાલા મહારાજ હાજરાહજૂર છે. હૃદયના શુદ્ધ ભાવથી આર્તનાદે કરેલી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. એના ઉપર એક અદ્ભુત ચરિત્ર છે.
અમદાવાદમાં એક ચુનીલાલ પટેલ હતા. તે પાકા સત્સંગી અને તેમની પાસે રૂપિયા પણ બહુ. એમના મનમાં એમ થાય કે, મારે ભગવાનને અને સંતોને રાજી કરી જ લેવા છે. ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોને અર્થે આ સંપત્તિ મારે વાપરી નાંખવી છે. તેમને માટે સંપત્તિ વાપરી નાંખવી એ જ આ સંપત્તિનું સાર્થકપણું છે; એવું એ સમજતા.
એકવાર આ ચુનીલાલ પાટીદાર ભક્તોનો સંઘ કાઢીને છપૈયાપુરની યાત્રા કરવા સારુ નીકળ્યા. ભજન કરતાં કરતાં અયોધ્યા પહોંચ્યા. ત્યાં સરયુ ગંગામાં સ્વામિનારાયણ...સ્વામિનારાયણ બોલીને સ્નાન કર્યું. પછી તે નદી ઊતરીને ગામ બિલવા બજારના વનમાં આવ્યા.
તે સમયે તે સંઘની એક ભક્ત બાઈ સર્વે સંઘથી પાછળ રહી ગઈ અને થોડું વેળું પડી ગયું. પછી તે બહેનને સંઘ ન દેખાવાથી ઝડપથી ચાલવા લાગ્યાં. વચમાં બીજો માર્ગ આવ્યો પણ ત્યાં કોઈ માણસ મળ્યું નહિ, એટલે ભૂલથી એ બીજા માર્ગમાં ચડી ગયાં. એકાદ ગાઉ ચાલ્યાં, છતાં કોઈ માણસ ન દેખાયું. એટલે ડોશી ત્યાં ઊભાં ઊભાં ‘ચુનીલાલ...એ ચુનીલાલ’ એમ પોકારવા લાગ્યા, પણ કાંઈ જવાબ મળ્યો નહીં. ત્યારે પોતે એમ જાણ્યું જે, એ તો ઉતાવળા ચાલ્યા એટલે આગળ નીકળી ગયા હશે; એમ માનીને તે પણ અતિ ઉતાવળા ચાલવા માંડયાં. તે ચાલતાં ચાલતાં બે-ચાર ગાઉ એમ ને એમ ખોટે માર્ગે ચાલ્યા ગયાં. પછી સૂર્યનારાયણ અસ્ત પામી ગયા અને અંધારું થઈ ગયું. ત્યારે ડોશીને હૃદયમાં અતિ બીક લાગી એટલે શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં.
‘હે મારા નાથ ! હે મહારાજ ! હે ધર્મ-ભક્તિના પુત્ર ! હે ઘનશ્યામ મહારાજ ! હે દયાળુ ! હું આ ઘોર જંગલમાં અજાણી વાટે ચડી ગઈ છું. તમે જ મારી રક્ષા કરો. નહિ તો વાઘ આવશે કે ચોર આવશે અને મને મારી નાંખશે. મારી પાસે ઘરેણું છે, રૂપિયા છે; તે લઈ જાશે. માટે હે નાથ ! મારી વહારે આવો.’ એમ ડોશીએ પ્રાર્થના કરી.
પછી ત્યાં એક વડનું વૃક્ષ હતું. બહુ બીક લાગી એટલે ડોશી ગમે તેમ કરીને તે વડ ઉપર ચડી ગયાં અને સ્વામિનારાયણ...સ્વામિનારાયણ એવું નામ પોકારી આર્તનાદથી ભજન કરવા લાગ્યાં. ભગવાન તો ભક્તના હૃદયની પ્રાર્થના જરૂર સાંભળે છે.
શ્રીકૃષ્ણ ભગવાન મહાભારતના ઉદ્યોગપર્વમાં સંજયને કહે છે,
ऋणमेतत् प्रवृद्धं मे हृदयान्नापसर्पति।
यद् गोविन्देति चुक्रोश कृष्णा मां दूरवासिनम्।।
ભગવાન કહે છે, ‘દ્રૌપદીજીનું ઋણ મારા માથા ઉપર બહુ ચડી ગયું છે. મારા હૃદયથી તે ક્યારેય દૂર થતું નથી. કારણ કે, કૃષ્ણા યાને કે દ્રૌપદીએ તેનાં વસ્ત્ર કૌરવો સભામાં ખેંચતા હતા, તે સમયે દૂર-દ્વારકાવાસી શ્રીકૃષ્ણને ગોવિંદ કહીને મને આર્તભાવે પોકાર્યા હતો.’
દ્રૌપદીની જેમ આ ડોશીમાએ પણ બહુ પ્રાર્થના કરી, એટલે ભગવાન સ્વામિનારાયણ તત્કાળ ગાડું લઈને આવ્યા અને માડીને છપૈયા પહોંચાડયાં ! પછી નારાયણ સરોવરના કાંઠા ઉપર ડોશીમાને ઉતારીને શ્રીજીમહારાજે કહ્યું કે, ‘અહીં તમારો સંઘ આવશે અને તમે આ સામે મંદિર છે ત્યાં જાઓ અને એમાં બેસીને નિરાંતે અમારું ભજન કરજો.’ એમ કહીને ગાડા સહિત શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા.
અહો આ સત્સંગમાં, શ્રીહરિ હાજરાહજૂર;
વિકટ વેળાએ વાલિડો, બચાવે ભક્તને જરૂર.
આ બાજુ ચુનીલાલભાઈ સંઘ સાથે મખોડા ઘાટે મનોરમા નદીએ આવ્યા. ત્યાં થોડીવાર સંઘ ઊભો રહ્યો ત્યાં ખબર પડી કે, સંઘમાંથી એક બહેન છૂટા પડી ગયાં છે. પછી ત્યાં જ એક મંદિરમાં ઊતર્યા અને એક માણસને બે રૂપિયા આપી એને સાથે લઈ ચુનીલાલ શોધવા નીકળ્યા. બે-ચાર ગાઉ સુધી વનમાં જઈ બધે જ જોઈ વળ્યા, પણ બહેનનો કાંઈ પત્તો લાગ્યો નહીં. પછી ચુનીલાલ થાકીને રાત્રે બે વાગ્યે ઉતારે પાછા આવ્યા. ચુનીલાલભાઈ ભક્તહૃદયના હતા, તેથી ખોવાયેલાં બહેનના દુ:ખમાં આખી રાત ઊંઘ આવી નહીં.
સવારમાં પૂજાપાઠ કરી પ્રભુને પ્રાર્થના કરી. પછી ફરીને સવારના પહોરમાં એક માણસને એ બાઈની ખબર કાઢવા મોકલ્યો. આમ ને આમ સંઘ સાથે તે ભક્તની શોધમાં બે દિવસ બધા ત્યાં ને ત્યાં રોકાઈ રહ્યા. પછી આખો સંઘ પ્રાર્થના કરવા માંડયો. અંતે ભગવાને ભક્તોની પ્રાર્થના સાંભળી.
ભક્તોનો શુદ્ધ ભાવ હતો અને ભક્ત પ્રત્યેનો સ્નેહ હોવાથી શ્રીહરિએ ત્રીજે દિવસે સવારના પહોરમાં ચુનીલાલને આવીને સાક્ષાત્ દર્શન દઈને કહ્યું, “તમે અહીં બેઠા છો અને એ બાઈને તો અમે તે જ દિવસે છપૈયા પહોંચાડી દીધાં છે. તે ત્યાં મંદિરમાં ભજન કરે છે. અમારાં દર્શન કરે છે અને થાળનો શીરો, પૂરી અને લાડવા ખાય છે અને અમારા ગુણ ગાય છે; માટે હવે સંઘ લઈને જલ્દી ઊપડો, ત્યાં જાઓ.” એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ ઐશ્વર્ય જોઈને ચુનીલાલ વગેરે સંઘના તમામ હરિભક્તો મહાઆનંદ પામ્યા, બહુ રાજી થયા અને છપૈયા પહોંચી ગયા.
વહાલા ભક્તો ! આવી રીતે ભગવાન ભક્ત ઉપર રાજી થાય છે, સુખ આપે છે, દર્શન દે છે અને કલ્યાણ કરે છે. બસ, આપણે પ્રભુ પ્રત્યે શુદ્ધ ભાવ-પ્રેમ વધારવાની જરૂર છે.