વાહ ! પ્રભુ ! શું તમારું કર્તૃત્વ !

વાહ ! પ્રભુ ! શું તમારું કર્તૃત્વ !

વહાલા ભક્તો, આ લોકમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયર, મેઝિશિયન વગેરેનું કોઈ અજોડ કે વિશિષ્ટ કાર્ય જોઈને આપણે આશ્ચર્ય પામીએ છીએ અને ખુશ થઈએ છે, પણ પુરુષોત્તમ નારાયણના જેવું કાર્ય કોઈ કરી શકે નહીં, કારણ કે તે બધા જે કાંઈ અવનવાં કાર્ય કરે છે, તે તો પુરુષોત્તમ નારાયણે આપેલ બુદ્ધિ, ચાતુર્ય, શક્તિ વગેરેનું જ ફળ છે. વળી તેને જોવા-સાંભળવાથી મનુષ્યનું કાંઈ કલ્યાણ નથી થતું; જ્યારે ભગવાનનાં કાર્ય, લીલા આદિનું શ્રવણ, મનન વગેરે કરવાથી દુ:ખમય સંસારથી મુક્તિ થાય છે અને અંતે સદા સુખમય ભગવાનના ધામને પમાય છે.

દેહાભિમાનના કારણે આપણને અવારનવાર એમ થાય કે મેં આ કામ સરસ કર્યું, મારી બુદ્ધિ-શક્તિથી કર્યું, આના માટે કર્યું, પેલા માટે કર્યું, અહીં કર્યું, ત્યાં કર્યું વગેરે; પરંતુ વાસ્તવિકતા શું છે, તે સમજાવતાં વ્યાસ ભગવાને શ્રીમદ્ભાગવત પુરાણમાં કહ્યું છે કે,

यस्मिन्यतो येन च यस्य यस्मै यद्यो यथा कुरुते कार्यते च।
परावरेषां  परमं  प्राक्प्रसिद्धं  तद्ब्रह्म  तद्धेतुरनन्यदेकम्।।
                                                          (भाग. ६/४/३०)

અતિ અજોડ અને આશ્ચર્યકારી વાત છે કે અનંત કોટિ બ્રહ્માંડમાં જે કાંઈ કાર્ય થાય છે, તેના કરનારા પુરુષોત્તમ નારાયણ પોતે જ છે; કાર્યરૂપ બ્રહ્માંડો અને તેમાં જે કાંઈ છે તે, તે સમગ્ર કાર્ય માટેની જરૂરી સાધનસામગ્રી, તે કાર્ય જેના માટે થાય છે તે, તે કાર્ય જેમાંથી-જ્યાંથી થાય છે તે, તે તમામ કાર્યના માલિક-સ્વામી અને તે કાર્યનું અધિષ્ઠાન-સ્થાન પણ તે પોતે પુરુષોત્તમ નારાયણ જ છે; કારણ કે તે સર્વના આધારરૂપ અને નિયંતારૂપ આત્મા પુરુષોત્તમ નારાયણ પોતે જ છે; તેથી તે સર્વ પુરુષોત્તમ નારાયણનું શરીર છે, તેનાથી બહાર કશું જ નથી. વળી, તે જ સૌથી પર કહેવાતા ઈશ્વરોના પણ ઈશ્વર, અનાદિ કાળથી પ્રસિદ્ધ એવા એકમાત્ર પરબ્રહ્મ પરમેશ્વર છે.

એક વખત શ્રીજીમહારાજ સીંજીવાડે પધાર્યા, ત્યારે ત્યાં રહેતા જગરૂપ બારોટે બહુ જ આગ્રહ કરીને મહારાજને પોતાને ઘેર પધરાવ્યા. તે વખતે તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. તેને ખાટલી ઉપર સુવાડયો હતો. તેનાં એકેય અવયવ દેખાતાં નહોતાં. તે ખાટલી તરફ જોઈને મહારાજ બોલ્યા જે, “જગરૂપ બારોટ ! આ ખાટલી ઉપર માંખીઓ કેમ બહુ ઊડે છે ?” ત્યારે જગરૂપ બારોટનાં ઘરવાળાં બોલ્યાં જે, “તમે એક દીકરો સેવા કરવા આપ્યો છે ને ? તેની પર તે માંખીઓ ઊડે છે.” પછી તે છોકરાને જોઈને મહારાજ કહે, “અમે આવો આપીએ નહીં. અમે આપીએ તે આવો હોય નહીં.” ત્યારે બાઈ બોલી જે, “તમારા વિના બીજો કોણ આપે ?” પછી મહારાજ કહે, “લાવો અમારી પાસે.” પછી તે છોકરાને મહારાજ પાસે લઈ ગયા, ત્યારે મહારાજે તે રુંઢમુંઢ બાળકના હાથપગ તાણીને બહાર કાઢ્યા અને બે હાથ ઝાલીને તાણીને ડોક બહાર કાઢી. પછી મહારાજ બોલ્યા જે, “લ્યો, હવે આ અમારો આપેલો અને આનું નામ પ્રભુદાસ પાડજો.”

વહાલા ભક્તો ! આવું છે, આપણા વહાલા મહારાજનું અદ્ભુત, અલૌકિક, અને સુખદાયી કર્તૃત્વ ! એટલે જ પરંપરાથી ભગવદીય મહત્પુરુષો ભગવાનને ‘કર્તુમકર્તુમન્યથા કર્તું સમર્થ:’ કહે છે; અર્થાત્ અનંતકોટિ બ્રહ્માંડમાં જે કાંઈ ઉત્પત્તિથી લઈને પ્રલય સુધી થાય છે, તે બધું કરવા ભગવાન સમર્થ છે, તે બધું જ માયામાં લીન કરી અને માયાને પણ પોતાનામાં લીન કરી પોતે પોતાને સ્વરૂપે સ્વરાટ્ થકા વિરાજમાન રહેવા પણ સમર્થ છે; તો વળી જે કાંઈ સૃષ્ટિના નિયમ પ્રમાણે થાય છે, તે તે નિયમથી બીજી અકલ્પનીય નવીન રીતે પણ કરવા સમર્થ છે.

વડતાલ મંદિરનું કામ ચાલું હતું ત્યારે હીરાભક્તે વાઘ, સિંહ વગેરેનાં તથા રાસમંડળનાં સુંદર પૂતળાં બનાવ્યાં હતાં. તે મંદિરમાં વિવિધ સ્થાને ચણીને ગોઠવવાનાં હતાં. મહારાજ એ બાજુ જ્યારે આવ્યા ત્યારે અક્ષરાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ મહારાજને તે પૂતળાં જોવા આવવા વિનંતી કરી. પૂતળાં જોઈને મહારાજે બહુ વખાણ્યાં, ત્યારે હાસ્યમૂર્તિ બ્રહ્માનંદ સ્વામી કહે કે, અહીં જો ઈશ્વર આવે તો આ પૂતળાંઓમાં પ્રાણ લાવે. પછી તો

 એવાં સાંભળી મર્મવચન,
                                                મંદ મંદ હસ્યા ભગવન;

હતી નેતરની છડી હાથે,
                                                      પૂતળાંને અડાડી તે નાથે...૫૯
    જીવતાં થઇ નાચવા લાગ્યાં,
                                        વાજાં વિવિધ પ્રકારનાં વાગ્યાં;
        સુણી જોવા આવ્યા ઘણા જન,
                                                 થયા નિરખીને મનમાં મગન...૬૦
(હરિલીલામૃત.૧/૧૫/૫૯-૬૦)

એકવાર મહારાજ ગઢડેથી ગાડે બેસી ક્યાંક જતા હતા. રસ્તામાં તેમને મારવા બે બહારવટિયાએ બરછીઓ ઉગામી, ત્યારે મહારાજે તેમની સામે દૃષ્ટિ કરી તો તે પૂતળાં જેવા થઈ ગયા. આમ ભગવાન તો ક્યારેક જડને ચેતન કરી દે ને ક્યારેક ચેતનને પણ જડ કરી દે.

અરે ! ભગવાનના અકલ્પનીય અને અદ્ભુત કર્તૃત્વ વિષે કહી કહીને કેટલુંક કહેવું....શ્રીમદ્ભગવદ્ગીતામાં તો ભગવાન કહે છે કે ‘मत्त: स्मृतिज्ञानमपोहनं च’; અર્થાત્ આપણને જે કાંઈ નવું જ્ઞાન થાય, યાદ રહે, ભૂલી જવાય, તર્કવિતર્ક થાય વગેરે તમામ આંતરિક સૂક્ષ્મ ક્રિયાઓ પણ તેમને લઈને જ થાય છે; તો બીજી સ્થૂળ ક્રિયાઓની વાત જ શી કરવી. વહાલા ભક્તો પુરુષોત્તમ નારાયણ ભગવાન આવા અતિશય સર્વસમર્થ થકા અતિશય દયાળુ, કૃપાળુ, ભક્તવત્સલ અને કરુણાળુ પણ છે. એટલે જ કહેવાયું છે કે,

मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।
यत्कृपा तमहं वन्दे परमानन्दं माधवम्।।

જેમની કૃપા થવાથી મૂંગો બોલતો થાય છે અને પાંગળો પર્વત ઓળંગી શકે છે; તેવા પરમાનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનને હૃદયથી વંદન કરું છું.

માટે આ બ્રહ્મભાવે સ્મરણ વર્ષમાં સર્વકર્તાપણું, સર્વસમર્થપણું, કરુણા આદિ સર્વ સદ્ગુણસંપન્ન એવા એક આપણા વહાલા પુરુષોત્તમ નારાયણનો આધાર રાખી તેમનું ભજન કરીએ; તે સિવાયના બીજા બધા આધાર અને પંચવિષય છોડી દઈએ, કારણ કે તે કાયમ સાથ કે સુખ દેવાના નથી.