વાસ્તવિકતા જાણીએ અને સ્વીકારીએ

વાસ્તવિકતા જાણીએ અને સ્વીકારીએ
February 1, 2025

ગામ બાબાપર વાંકિયામાં રહેતા કણબી હરિભગત દેવરાજભાઈને એક વખત શ્રીજીમહારાજે દર્શન આપીને કહ્યું કે, “આજથી એક મહિને તને તેડવા આવશું.” તે સાંભળીને તે ઘણા જ રાજી થયા, પણ બે દિવસ પછી તેઓ મૂંઝાવા લાગ્યા જે, ‘અરેરે ! આ બધું મેલીને મારે જવું પડશે ?’ પછી એવા ચિંતાતુર થઈ ગયા કે અન્ન-જળ પણ ભાવે નહીં.

પછી ગાડું જોડાવીને તેઓ પોતાનાં માતા-પિતા તથા સ્ત્રીની સાથે આંબા ગામે દેવશી ભક્ત પાસે આવ્યા. કેમ કે, આ દેવશી ભગત પર મહારાજનો ખૂબ રાજીપો હતો. કોઈ ભગતને પોતાના ધામમાં લઈ જવાના હોય, ત્યારે મહારાજ તેમને જણાવતાં ને ક્યારેક દેવશીભાઈની પ્રાર્થનાથી મહારાજ તે ભક્તની આયુષ્ય પણ વધારી દેતા.

દેવશીભાઈને મળીને દેવરાજભાઈએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરીને કરગરતા કહ્યું કે, “ભાભા, મેં આઠ દિવસથી અન્ન ખાધું નથી. તમો કહો તો હું ગઢપુર રસોઈ આપું અને કહો તો જૂનાગઢ રસોઈ આપું, પણ તમે મહારાજને પ્રાર્થના કરો કે હમણાં મને ધામમાં ન લઈ જાય.”

દેવશીભાઈ કહે, “બહુ સારું, તારે સાટે જો તારો બાપ જાય તો મહારાજ તને ન લઈ જાય.” દેવરાજભાઈ કહે, “હા, એ ઠીક ! આમેય એ તો વૃદ્ધ થયા છે.”

પછી દેવરાજભાઈએ પોતાના પિતાને કહ્યું કે, “જો તમે મારે સાટે ધામમાં જાઓ તો મહારાજ મને ન લઈ જાય.” ત્યારે તે બોલ્યા જે, “મારે ને તારે શું લેવા દેવા છે ? તું તો પરણીને તરત નોખો થયો છે અને વળી કોઈ કોઈને સાટે જાય ?”

પછી દેવરાજભાઈએ દેવશીભાઈને તે વાત જણાવી, ત્યારે તેમણે કહ્યું જે, “જો તારી મા તારા બદલે જાય તોપણ મહારાજ તને ન લઈ જાય.” પછી તેમણે માને કહ્યું જે, “મા ! તમે મારે સાટે ધામમાં જશો ? ” ત્યારે તેમની મા બોલી જે, “ગાંડો થયો કે શું ? હવે હું એક સાડલો ફાડીશ, તે સારુ મારું મોત બગાડીશ ? શા માટે હું અત્યારે તારે સાટે જાઉં ?”

પછી દેવશીભાઈને તે વાત જણાવી, ત્યારે તેમણે કહ્યું, “તારી ઘરવાળી કે જેે તારી અર્ધાંગના કહેવાય, તે તારા બદલે જાય તોપણ મહારાજ તને ન લઈ જાય.” પછી દેવરાજભાઈએ પત્નીને કહ્યું જે, “તું મારા સાટે ધામમાં જા તો હું બીજું ઘરવાળું કરીશ અને છોકરાં સાચવીશ.” ત્યારે તે બાઈ બોલી જે, “મૂઆં તમારાં છોકરાં ! હું તો તમારા તેરમા સુધી જ રહેવાની છું. પછી હું તો તમારે ઘેર જ રહેવાની નથી.”

પછી તો દેવરાજભાઈ અતિ ઉદાસ થઈને દેવશીભાઈ પાસે આવ્યા અને બધી વાત કરી. દેવશીભાઈએ કહ્યું, “તપાસ, આમાં ખરેખર તારું કોઈ છે ?” છતાં દેવરાજભાઈને આસક્તિ હતી, તેથી દેવશીભાઈએ કહ્યું જે, “ગઢપુર જઈને રસોઈ દેજે એટલે મહારાજ તને તેડવા નહિ આવે.”

વહાલા ભક્તો, દેવરાજભાઈ પોતાનાં માતા-પિતાને અને પત્નીને જેવાં માનતા હતા, વાસ્તવમાં તે તેવાં હતાં નહીં; અર્થાત્ તેઓ આ સંસારની વાસ્તવિકતા જાણતા ન હતા. વળી, તેની સામે પોતાને ધામમાં લઈ જનાર શ્રીહરિના મહિમાને પણ યથાર્થ જાણતા ન હતા. તેથી જ જ્યારે તે બધું છોડીને ભગવાનના ધામમાં જવાનું થયું, ત્યારે અતિશય મૂંઝવણ થઈ. તેથી પૂ.ગુરુજી કહે છે —

વાસ્તવિકતા જાણે તે, સુખી રહે છે જ્ઞાન;

કડવું સત્ય તો એ છે, દુ:ખ દે છે અજ્ઞાન.

જે પોતે આત્મા કેવો છે, દેહના સંબંધીઓ, માયિક ભોગો ને સુખો વગેરે કેવાં છે ? અને સૌના માલિક એવા પુરુષોત્તમ નારાયણ કેવા છે ? તેને વાસ્તવિક દૃષ્ટિએ જેવા છે તેવા યથાર્થ જાણે, તે સદા પોતાના સુખે સુખી એવા આત્મારૂપે રહ્યો થકો પોતાના કરતાં પણ વધુ સુખદાયી એવા શ્રીહરિના સુખે સદા પરમ સુખી રહે છે. સૌને માન્ય એવાં વેદ, પુરાણ, શાસ્ત્રો, મોટા મોટા સંતો, વચનામૃત જેવાં શાસ્ત્રો વગેરે બધા જ આ વાતને પરમ સત્ય કહે છે, પરંતુ અપાર ગાઢ મોહના કારણે તે સત્ય હોવા છતાં કડવી લાગે છે.

આપણા સંપ્રદાયના પ્રમાણભૂત શાસ્ત્ર હરિવાક્યસુધાસિંધુમાં કહેલ છે કે,

आनन्दमूर्ति: श्रीकृष्णस्तत एव सुखोदय:।

तद्भिन्ना विषया: सर्वे दु:खदा मायिकत्वत:।।

(તરંગ : ૮૦/૬૦)

શ્રીકૃષ્ણ નામથી કહેવાતા પુરુષોત્તમ નારાયણ જ આનંદનું સ્વરૂપ છે, અને તેથી તે જ પરમ સુખદાયી છે; તે સિવાયના સર્વે વિષયો માયિક હોવાથી દુ:ખદાયી છે.

વળી, કોઈ શાસ્ત્રમાં કહેલ છે કે,

दासभूता: स्वत: सर्वे ह्यात्मान: परमात्मन:।

नान्यथा लक्षणं तेषां बन्धे मोक्षे तथैव च।।

બદ્ધ અવસ્થામાં માયિક દેહધારી હોય કે મુક્તિ અવસ્થામાં દિવ્ય દેહધારી હોય, અર્થાત્ સદૈવ સર્વે આત્માઓ પરમાત્માના સ્વત: દાસ છે; તેથી આપણે આત્માએ સદૈવ આપણા માલિક એવા પરમાત્મા શ્રીજીમહારાજના દાસ થઈને તેમની મરજીમાં જ રહેવાનું છે.

આત્મા, પરમાત્મા અને માયાની આવી ઘણા પ્રકારની વાસ્તવિકતા પૂ.ગુરુજીની કથાવાર્તાના શ્રવણ અને શાસ્ત્રવાંચન દ્વારા આપણે થોડી-ઘણી જાણીએ છીએ, પણ ટાણે યાદ આવે તો અંતરથી સદા સુખી રહેવાય. માટે પૂ.ગુરુજીનો આ દોહો જીવનમાં ડગલે ને પગલે યાદ કરવા જેવો છે. સંસારમાં, વ્યવહારમાં અને સત્સંગમાં સદા સુખી, આનંદી અને નિર્ભય રાખે એવો છે. માણસ જ્યારે વાસ્તવિકતા સમજી શકતો નથી, ત્યારે તેને મોહ થાય છે. પછી તેમાંથી આસક્તિ, દેહાભિમાન, અહંકાર, અભાવ, અવગુણ, ઈર્ષ્યા, દ્રોહ વગેરેની પ્રવૃત્તિ થાય છે, ને પછી દુ:ખી થાય છે.

માટે જીવનમાં એકલા કે કોઈ સાથે કોઈ પણ કામકાજ કરતી વખતે જ્યારે કાંઈક તકલીફ પડે, દુ:ખ થાય, મૂંઝવણ થાય કે કોઈનો અભાવ અવગુણ આવે કે તરત જ જો વાસ્તવિકતા વિચારીએ તો હર્ષ કે શોક થાય નહીં, ને અંતરમાં શાંતિ ને સુખ રહે.

જે વાસ્તવિક છે, અર્થાત્ સત્ય છે તે સત્ય જ રહેવાનું છે, તે આપણને ગમે કે ન ગમે; આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ; આપણે ગમે તેટલા ધમપછાડા કરીએ તોપણ તે બદલાતું નથી. માટે સુખી થવા માટે વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તેથી જ પૂ.ગુરુજી આપણને પોતાના જાણીને કહે છે કે,

વાસ્તવિકતાને જેટલી, વહેલી સ્વીકારો જ્ઞાન;

એટલા વહેલા સુખી થશો, પામી જશો ભગવાન.