
એક રાજ્યમાં બહુ મોટા રાજા રહેતા હતા. તેની નામના અને મહાનતા ચારેબાજુ ગૂંજતી રહેતી હતી. બધા તેમને બહુ મોટા અને મહાન માનતા હતા. તે સહુને ખૂબ મદદ કરતા હતા. સહુકોઈ તેમની મહાનતાને વખાણતા રહેતા.
મહારાજા રોજ રાજદરબારમાં પોતાના મંત્રીમંડળ સાથે કચેરી ભરીને બેસતા. રાજ્યના મોટા મોટા માણસો અવાર-નવાર કચેરીમાં આવતા અને મહારાજાની પ્રશંસા કરતા.
એકવાર તેમના મહેલમાં કચેરી ભરાઈને બેઠી હતી. તેમાં રાજા અને તેમના માણસો બેઠા હતા. રોજના ક્રમ પ્રમાણે સહુકોઈ ચર્ચામાં મશગૂલ હતા. તેવામાં એક સંત તે રાજાના મહેલમાં આવી ચડ્યા. સંતેે સિપાઈને કહ્યું કે મારે કચેરીમાં જઈને મહારાજાને મળવું છે. રાજ્યમાં સાધુ-સંતોનો ખૂબ જ આદર રખાતો હતો. તેથી સિપાઈએ તે સંતને આદરપૂર્વક કચેરીમાં જવા દીધા. સંત તો સીધા રાજાની ભરાયેલી કચેરીમાં પહોંચી ગયા.
રાજા તો સંતને જોઈને પગે લાગ્યા અને તેમને આવકાર્યા અને ભાવથી પૂજન કર્યું. સંત રાજાને કહે, “તમે બહુ મોટા છો, મહાન છો.” આટલું બોલ્યા ત્યાં તો રાજા વચમાં બોલ્યા, “ના..ના.. એવું ના હોય. હું કાંઈ નથી. હું તો માની છું, ક્રોધી છું, દંભી છું. અહંકારી છું.” ત્યાં સંત બોલ્યા, “ના..ના.. એવું ના હોય. આ બધા કહે છે કે તમે તો ખરેખર ખૂબ જ મહાન છો.” આ ચર્ચામાં રાજાને પેટમાં ગલગલિયાં થતાં હતાં. સંતને થયું કે કોઈક દિવસ આ રાજાની પરીક્ષા કરવી પડશે. રાજાએ તેમના માણસોને કહ્યું કે, “આ સંતને સારામાં સારું જમાડો અને ખૂબ જ દાન-દક્ષિણા આપો. તેમને જે કાંઈ જોઈતું હોય તેની વ્યવસ્થા કરો.” રાજાના હુકમ પ્રમાણે બધી જ વ્યવસ્થા કરવામાં આવી. સંત થોડા દિવસ રોકાઈને રજા લઈને ગયા.
અમુક દિવસો પછી એક દિવસ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. ત્યાં બરાબર ઝરૂખાના નીચેથી પેલા સંત પસાર થયા. સંતે રાજાને જોઈને વિચાર કર્યો કે, “આજે રાજાની પરીક્ષા લઈ લેવી છે.” આમ વિચારે છે ત્યાં જ રાજાની અને સંતની ચાર આંખ ભેગી થઈ ગઈ. સંત જોરથી બોલ્યા કે, “એય..! માની. તું તો ક્રોધી છો, દંભી છો, અહંનું ઠૂંઠું છો.” આટલું સાંભળીને રાજાનો બાટલો ફાટ્યો. મગજ ગયો. મનમાં અતિશય ક્રોધ ભરાયો, પણ સામે સંત હતા એટલે કાંઈ બોલી શક્યા નહીં.
પોતાની જાતને પોતે નાની માની શકાય છે, પણ બીજા નાના માને તે સહન થતું નથી. જ્યારે પોતે પોતાને માની, ક્રોધી, દંભી, અહંકારી કહેતા હતા ત્યારે પેટમાં ગલગલિયાં થતાં હતાં અને એની એ જ વાત બીજાએ કરી તો આટલો બધો ક્રોધ કેમ આવ્યો ? તો પછી વાસ્તવિક શું ?
વહાલા ભક્તો ! આપણે પણ તપાસવું કે મારે કાંઈક આવું જ તો નથી ને..! વ્યક્તિ જ્યારે પોતે પોતાને વિષે સ્ટેટમેન્ટ આપેે ત્યારે પોતાનું હલકું બોલી શકે છે, પણ એની એ જ વાત જો બીજા કોઈ કરે તો સહન થતું નથી. તો હવે આપણી વાસ્તવિકતા તપાસવી જોઈએ