વાતો કે વર્તન..?

વાતો કે વર્તન..?

આપણા જીવનમાં એક ડોકિયું કરવાની જરૂર છે કે, હું વાતો કરવામાં રહું છું કે વર્તનમાં ઉતારું છું ? આધ્યાત્મિકમાર્ગમાં હું શું કરવા આવ્યો છું ? અને શું થાય છે ? તે સતત તપાસતા રહેવું જરૂરી છે. તો ચાલો, આપણે બે મિત્રની સ્ટોરી પરથી શીખીએ.

સુરત શહેરમાં એક સુંદર તળાવ, અને તેની આસપાસ હરિયાળી ભરેલો એક બાગ છે; જ્યાં લોકો તેમના મોજશોખ માટે રોજ મજા માણવા આવે. લોકોએ હંમેશાં એ બાગમાં બે મિત્રોની મુલાકાત જોયેલી. તેમાં એક હતો સહજ અને બીજો અનંત.

આમ, સહજ પોતાના વિચારો અને યોજનાઓની એક વિશાળ દુનિયા સર્જતો; જેમાં લોકો તેને સાંભળી હરખાતા, પરંતુ તે પ્રમાણે દિનચર્યા આચરવામાં તેમજ જીવન જીવવામાં પાછળ રહેતો અર્થાત્ તે દિવસો સુધી મોટું કાર્ય હાથમાં લેવા વિશે વાતો કરતો, પણ તે વાતો ક્યારેય કાર્યમાં રૂપાંતરિત નહોતી થતી. લોકોએ તો તેને તેની ખાલી વાતો, સ્વપનાંઓ અને વિચારોમાં જ જાણ્યો હતો. તે બીજાને તો સલાહ-સૂચનો આપતો, પણ પોતાની ગાડી કેવી ચાલી રહી છે ? એમાં તેને ધ્યાન જ ન આપ્યું.

એકવાર સહજ અને અનંત વચ્ચે વાતચીત થઈ. સહજે કહ્યું, ‘અનંત, તારે પણ ક્યારેક મારી જેમ મોટાં સ્વપનાંઓ જોવાં જોઈએ, જીવનમાં મોટા વિચારો રાખવા જોઈએ. જો મારી જેમ તું આકાશ સ્પર્શી શકીશ તો લોકો તને પણ જાણશે.’ અનંત શાંતિથી હસ્યો અને કહ્યું, ‘સ્વપનાંઓ જોવાં ખરાબ નથી, પણ જ્યારે કોઈ સફર આરંભ કરવી હોય, ત્યારે પહેલાં પગ માંડવો જોઈએ, પછીથી સ્વપનાંઓ પૂરાં થાય.’ સહજની આંખો ખરેખર મોટાં સ્વપનાંઓની ઉજાસથી ભરાઈ ગઈ હતી, પણ તેને સ્વપનું સાકાર કરવા કદી પગ મૂકવાનું પસંદ ન કર્યું. હમણાં એ ફક્ત વિચારશીલ બની રહ્યો.

અનેક વર્ષો પસાર થયા. સહજનાં મોટાં મોટાં સ્વપનાંઓ, કે જેને લોકો કંઈક મજાની વાત સમજી સાંભળતા હતા. તે એક દિવસ ભૂલાઈ ગયાં. એને યાદ રાખનાર કોઈ બચ્યું ન હતું. તે જાણીતો હતો ફક્ત વાતો અને ખરેખર કંઈ જ ન કરવાની કથા માટે; જ્યારે આ બાજુ અનંતને તેને શાંતિથી કરેલી મહેનત અને ગાઢ વૃત્તિઓએ એક પછી એક અનંત સફળતા અપાવી. અનંત નાનામાં નાનું કામ પણ એક ઊંડું વિચાર કરીને કરતો. તે કોઈ જાહેરાત કરતો નહોતો, કોઈ મોટી વાતો કરતો નહોતો; પરંતુ તેનું કાર્ય જ તેના વિશે વાત કરવા લાગ્યું. અનંતને દુનિયા જાણતી હતી તેના કામથી. તેની પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને સફળતા એક કથામાં ફેરવાઈ ગઈ; જે લોકોને કોઈ ગૌરવભરેલી પ્રેરણા આપતી. એણે અનેક પરિવાર અને વ્યક્તિઓને મદદ કરી, જેના કારણે લોકોએ તેને બિરદાવ્યો.