વર્તમાનમાં જીવો

વર્તમાનમાં જીવો

વહાલા ભક્તો, વિચલિત મન ઘણી વાર આપણને સેવા, ભજન કે કોઈ કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં મદદ કરતું નથી. તેથી જ આપણે જે કાંઈ કરીએ છીએ તે શ્રેષ્ઠ પરિણામ આપતું નથી. આ વાતથી વાકેફ એવા એક ગુરુ તેમના શિષ્યને સેવા અને ભજન નિયમિત ને ફળદાયી થાય તે માટે જીવન જીવવાની સાચી રીત શીખવતા હતા. તેમણે શિષ્યને કહ્યું, “ખાવાના સમયે ખાવું, સૂવાના સમયે સૂવું અને કામ કરવાના સમયે કામ કરવું.”

શિષ્યે કહ્યું, “બધા લોકો આવું જ કરે છે, ને હું પણ આવું કરું છું.” ત્યારે ગુરુએ કહ્યું, “ના, મોટાભાગના લોકો એવું નથી કરતા. જ્યારે તેઓ જમતા હોય છે, ત્યારે અન્ય સેંકડો કાર્યો સાથે કરે છે. જ્યારે તેઓ ઊંઘે છે, ત્યારે લાખો વસ્તુઓનાં સપનાં જુએ છે; માટે તમે વર્તમાનમાં જીવવાનું કેળવો. જે સમયે જ્યાં જે કામ કરતા હો, તે સમયે મનને ત્યાં તે કામમાં પરોવેલું રાખો.”

વહાલા ભક્તો, ઘણા લોકો ભૂતકાળમાં એટલા બધા સરી પડે છે કે તેનો ભૂતકાળ તેના વર્તમાનને ખાઈ જાય છે. તેઓ ભૂતકાળને બિનજરૂરી રીતે એટલો બધો વારંવાર વાગોળે છે, ભૂતકાળમાં થયેલ ભૂલોનો એટલો બધો પસ્તાવો કરે છે અને ભવિષ્યની બિનજરૂરી ચિંતા કરીને એટલા બધા ભયમાં જીવે છે કે તેમને વર્તમાન વિશે વિચારવાની કોઈ જગ્યા નથી રહેતી.

સુજ્ઞજનો કહે છે કે,


આ વાત વ્યવહારમાં જેટલી ઉપયોગી છે, તેેટલી જ સેવા-ભજન કરવામાં પણ ઉપયોગી છે, એટલે જ મહારાજે સારંગપુરના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બાહેર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંત:કરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટાને ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે, ‘દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશય જુદાં જ છે,’ એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા.”