
વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ સં.૨૦૭૭ના આ વર્ષમાં આપણને ‘દાસાનુદાસ’ થવાનો અભ્યાસ આપ્યો છે. દાસાનુદાસ થવાથી આધ્યાત્મિક માર્ગની અનેક મુશ્કેલીઓ આપોઆપ ટળી જાય છે અને અનેક શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ સહેજે થઈ જાય છે. શ્રીહરિજી મહારાજે વચનામૃતમાં સ્વમુખે સાત જગ્યાએ દાસાનુદાસ શબ્દ પ્રયોજ્યો છે.
ચાલો, આપણે વચનામૃતને આધારે દાસાનુદાસ થવાનું મહત્ત્વ સમજીએ અને તેવા થવાનો ખાસ અભ્યાસ કરીએ...
આ વચનામૃતમાં શ્રીહરિજી મહારાજ પાકા હરિભક્ત થવાનો ઉપાય જણાવતા કહે છે કે , “એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું.’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસેદિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”
આ વચનામૃતમાં શ્રીહરિજી મહારાજ સાધુતાનો માર્ગ સમજાવતા કહે છે કે, “સાધુને તો મન-કર્મ-વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ. અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું, તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું, તોય પણ સાધુતા રાખી હતી. અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે.”
આ વચનામૃતમાં શ્રીહરિજી મહારાજ મહિમાવાળા ભક્તના લક્ષણો જણાવતા કહે છે કે, “એ ભગવાનને ભજતા હોય એવા જે સંત, તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા, તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓનાં ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી.
તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ-પાંચ ખાસડાં મારે તોપણ ખમે અને એમ સમજે જે, ‘મારાં મોટાં ભાગ્ય થયાં જે, એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાંના તિરસ્કાર સહેવા પડત તથા મા-બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત. અને પ્રારબ્ધવશ થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતાં આ સંતને સંગે રહીનેે હું નિ:સ્વાદી વર્તમાન પાળું છું, તે મારાં મોટાં ભાગ્ય છે. અને પ્રારબ્ધવશ થઈને જેવાં તેવાં વસ્ત્ર તથા ચીંથરાં પહેરવાં પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારાં મોટાં ભાગ્ય છે.’
આ વચનામૃતમાં શ્રીહરિજી મહારાજ માન અને નિર્માનીપણું ક્યાં સારું ને ક્યાં નહિ સારું ? તે જણાવતા કહે છે કે , “જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું, તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ, તે જ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું, તે સારું નથી. ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું, તે જ રૂડું છે.”
આ વચનામૃતમાં શ્રીહરિજી મહારાજ આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વ એ ત્રણ અંગવાળા ભક્તના લક્ષણો જણાવીને કહે છે કે , એ ત્રણ અંગમાંથી એકેય અંગ દૃઢ કર્યા વિના મરવું, તે ઠીક નહિ. ત્યારે એ વાર્તા સાંભળીને મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ! એ ત્રણ જે અંગ તમે કહ્યાં, તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના જ સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે, પણ સર્વેને ન આવે. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય ?”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે તો એ ત્રણ અંગવાળા માંહિલો જે હરિભક્ત હોય તેનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં રહે, તો તે કાંઈ ન સમજતો હોય, તોપણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. અને આ સંસારને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું.”
વચનામૃત ગ.અં.૧૨ : શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું,’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈને રહેવું.”
આ વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ અને સુરાખાચરને ઉદ્દેશીને માનરૂપ મહા શત્રુને ટાળવાનો ઉપાય જણાવતા શ્રીહરિજી મહારાજ કહે છે કે , “જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તોપણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.’ તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે.”
વહાલા ભક્તો ! વચનામૃતના આ બધા સંદર્ભો જોતાં આપણને શ્રીહરિજી મહારાજની અભિરુચિ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે , તેઓ આપણને દાસાનુદાસ કરવા ઈચ્છે છે. દાસાનુદાસ થઈએ તો માન ટળવાથી લઈને પાકા હરિભક્ત થવા સુધીની આધ્યાત્મિક માર્ગની તમામ ઉપલબ્ધિઓ સહેજે-સહેજે પ્રાપ્ત થાય છે. માટે ચાલો, આપણે પણ શ્રીહરિને અતિ પ્રિય એવા દાસાનુદાસ થવા મંડી પડીએ.
હે વહાલા મહારાજ ! અમે આપના અતિ પ્યારા સંતો-ભક્તોના દાસાનુદાસ થઈ શકીએ, એવી જ અમને સદ્મતિ પ્રકાશતા રહેશો. અમે કોઈ પણ નિમિત્તે દાસાનુદાસ થવાના અભ્યાસથી ભ્રષ્ટ ન થઈએ અને વહેલી તકે સાચા અર્થમાં દાસાનુદાસ થઈ શકીએ, એવું આપ જ અમારું ધ્યાન રાખશો...