વચનામૃતમાં આત્મનિષ્ઠા...

વચનામૃતમાં આત્મનિષ્ઠા...

એકવાર શ્રીગઢપુરની ઘેલા નદીમાં પૂર આવ્યું. તે જોવા માટે શ્રીજીમહારાજ રતનજી, ભગુજી વગેરે પાંચ-સાત પાર્ષદોની સાથે ગઢ પાસે આવ્યા. ત્યાં ઢોરા ઉપર પાર્ષદે ધાબળી પાથરી તે ઉપર શ્રીજીમહારાજ બેઠા. તે સમયે ખળખળીયાથી નીચે બેકડા જેવો એક મોટો પથ્થર હતો. તેના ઉપર એક છોકરો બેઠો હતો. પૂર એકદમ આવ્યું, તેથી તેનાથી ઉતરાણું નહીં ને તે રોવા લાગ્યો ને બૂમો પાડે જે, “મને ઉતારો...મને ઉતારો...” તે વખતે ગામમાંથી તેના બાપુજી આવ્યા, ને મહારાજને પગે લાગીને બોલ્યા જે, “હે મહારાજ ! મારો દીકરો ઓલ્યા ભેખડા ઉપર રહી ગયો છે, ને પાણી ચોતરફ ફરી વળ્યું છે; માટે દયા કરીને તેને ઉતરાવી આપો.” ત્યારે મહારાજે રતનજીને મોકલ્યા, તે પાણીમાં પડીને તે છોકરાને ઉતારી લાવ્યા.

ત્યાર પછી તે ઘેલામાં પાણી અથાગ આવ્યું, ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આ પૂરમાં હવે હાથી, ઘોડા, ઊંટ તે બધાં તણાઈ જશે, પણ સવારે પૂર સાવ ઊતરી જાશે, ત્યારે નાનાં છોકરાં પણ ઓલ્યે કાંઠે વયાં જાશે. તેમ આ જીવના હૃદયમાં દોષ રહ્યા છે, તેનું પૂર છે, તે કામાતુર, ક્રોધાતુર, લોભાતુર, સ્નેહાતુર ને માનાતુર. તેમ જીવના અંત:કરણમાં વેગનું પૂર આવે છે, તે પૂરનું બળ ટાળવા માટે એક આત્મનિષ્ઠા અને બીજું ભગવાનના માહાત્મયનું બળ એ રાખે તો ટળી જાય.”

માટે ચાલો ભક્તો, આપણે આવી આત્મનિષ્ઠાની દૃઢતા કરાવનારી શ્રીજીમહારાજની પરાવાણીનો થોડો અભ્યાસ કરી જીવનમાં ઉતારીએ.

શ્રીજીમહારાજ બોલ્યા જે, “હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું,’ એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દૃઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં.” (ગ.પ્ર. ૬૧)

શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને અષ્ટપ્રકારે બ્રહ્મચર્યવ્રત રાખવું, એ આદિક જે પંચ વર્તમાન તેને દૃઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશય સમજે; એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે. (લોયા ૧)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે; માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહિ અને જ્યારે સત્તા રૂપે જ સુખી રહે છે.” (ગ.મ. ૫૧)

આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાંખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાંખે છે.(ગ.મ. ૫૭)

જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દૃષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું, પણ ઈન્દ્રિયો-અંત:કરણ ભેળું ભળવું નહીં. એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. (ગ.મ. ૬૩)