વખાણપ્રૂફ રહો

વખાણપ્રૂફ રહો

આપણી કળા કે ગુણો આ સત્સંગમાં રાજીપો રળવામાં ઉપયોગી થાય એટલા જ કામના છે; બાકી જો સાવધાન ન રહીએ તો એ જ કળા આપણને અહંકારી બનાવી શકે છે. આપણા જ લૌકિક ગુણો ફાંસારૂપ બની આપણી અલૌકિકતાનો નાશ કરી નાંખે છે. અને એટલે જ આપણામાં રહેલા ગુણોમાં આપણે ગૌણભાવ-સામાન્યપણું રાખવું જરૂરી છે. પોતાની કળા-આવડત-કુશળતા કે ગુણોનો પોતાના મનમાં જરાય ભાર ન પડવો જોઈએ. આપણે તેનાથી પ્રભાવિત ન હોવા જોઈએ. આપણે પોતે જ તેનું ખંડન કરી શકતા હોવા જોઈએ. વળી, બીજા કોઈ ખંડન કરે તે ગમવું પણ જોઈએ. પોતાની કળા જયારે કચરા સમાન લાગે ત્યારે એ કળા આપણને પચી કહેવાય.

જયારે પોતાની કળા કે ગુણના ગુમાનમાં પોતાને વિષે શ્રેષ્ઠપણું મનાઈ જાય ત્યારે આધ્યાત્મિક માર્ગમાં આપણું પતન થાય છે. આવું પતન નોંતરનાર એક બાબત છે - 'આપણા વખાણ.' જ્યાં સુધી આપણને 'મારા વખાણ મારા માટે ઝેરરૂપ છે' આ ગંભીરતા નહિ સમજાય ત્યાં સુધી આપણે પણ આ ઝેર હોંશે હોંશે પીવાના અને મરવાના. આપણને આ દિશા પકડાઈ નથી એટલે જ જયારે આપણાં વખાણ થાય ત્યારે મૌન રહેવાને બદલે આપણે પોતે પણ તેમાં સૂર પુરાવા લાગી પડીએ છીએ. અરે ! આપણાં ખોટા વખાણથી પણ હરખઘેલા થઈએ છીએ.

પણ... દીપકની વાત કાંઈક અનોખી છે. વર્ષોથી ઘડાયેલો એક સમજુ અને પીઢ યુવાન. ન તો પોતાનાં વખાણ સાંભળી લે કે ન તો પોતાને અડવા દે. દીપકે પોતાની સારપનો સરવાળો કર્યો હોય એવું કદી બન્યું નથી. પોતાનાં વખાણના શબ્દો સાંભળવા મળે એટલે દીપક સાવધાન થઈ જાય. 'મારામાં રહેલા ગુણો તો માંગ્યાં ઘરેણા સમાન છે.' આમ સમજવાથી દીપકને અહંકાર સ્પર્શી શક્યો ન હતો. ગમે તેટલાં વખાણ તેને વિચલિત કરી શકતાં ન હતા.

આજે મિહિર, મનોજ અને કથન આ ત્રણેય મિત્રો દીપક સાંભળે એ રીતે વાતો કરી રહ્યા છે... મિહિરે કહ્યું, 'જો જે કથન, આ બધું કેયુરથી કાંઈ ચાલવાનું નથી. એ કાંઈ દીપકની જગ્યા સંભાળી શકે એવો કેપેબલ નથી. એને બિચારાને ક્યાં કમ્પ્યુટરનો કોઈ અનુભવ જ છે !...' દીપકે પૂછ્યું, "કોની વાત કરો છો ?" મિહિરે કહ્યું, 'તારી જગ્યાએ હવે કમ્પ્યુટરની સેવા સંભાળવાનો છે એ કેયુરની. સાંભળ દીપક ! આમાં તો તારા જેવો અનુભવી જ ચાલે, બીજા કોઈનું કામ નહીં.' દીપક તરત જ બોલ્યો, 'કેમ ભાઈ, આજથી છ વર્ષ પહેલાં મને પણ ક્યાં આમાંનું કશું કાંઈ આવડતું હતું ! એ તો કામ જ કામને શીખવાડે ને ! અને સાચું કહું તો આપણી મહેનત-સાધના-પ્રયત્ન આ બધું તો બીજા નંબરે છે. આ માર્ગમાં કૃપા જ કમાલ કરી જાય છે. બાકી હું તો સાવ બોઘા જેવો હતો. કમ્પ્યુટરની મેઈન સ્વીચ કોને કહેવાય એ પણ મને ખબર નહોતી પડતી. અત્યારે પણ કેટલાય સંતો-ભક્તો મને મદદ કરે છે ત્યારે માંડ માંડ મારું ગાડું ગબડે છે.'

મનોજ વચ્ચેથી જ બોલી ઊઠયો, 'ગાડું ગબડવાની વાત જવા દે દીપક ! તારી ટેલેન્ટ જોતાં તો અમને એવું લાગે છે કે, કિશોરસભાના સંચાલક તરીકે થયેલી તારી નિમણુક હવે કિશોરોની રોનક બદલી નાંખશે.' આમ કહી ત્રણેય મિત્રો હાસ્ય સાથે એકબીજા સામું જોઈ દીપકના આ બાબતના ઉદગારો સાંભળવા તત્પર થયા. દીપક થોડીવાર પછી ધીરેથી બોલ્યો, 'હું શું કિશોરોની રોનક બદલવાનો ! આ સત્સંગમાં મારા જેવા ગરીબને કાંઈક સેવા મળી રહે છે એટલે એ મજૂરીથી મારો નિભાવ થાય છે. અને હા, હું જે સેવા કરું છે તે કાંઈ ઉપકાર નથી કરતો; મારા કલ્યાણના સ્વાર્થથી કરું છું. મારી ખુદની રોનક બદલવા માટે હું ઠાગાઠૈયા કરું છું.'

પોતાનાં વખાણ સાંભળી લે, સહી લે, થવા દે, કરવા દે કે કરાવે એ બુજાઈ ગયેલો દીપક કહેવાય, પણ આ તો પ્રજ્વલિત દીપક... પ્રશંસાની પ્યાસ છોડી વખાણપ્રૂફ રહેનારો દીપક. પોતાનાં ગુણોની ગણના ન કરવાની વાતને બરાબર સમજી ચુકેલો દીપક અને એટલે જ તો દીપક પોતાનાં વખાણ વખતે પોતાને નાનો-નીચો-સામાન્ય દર્શાવવાનો સમય નહોતો ચુકી જતો. વળી, યશના સાચા અધિકારીને યશ આપવાનો અવસર સમજી તેને વધાવતો રહેતો. ધન્ય છે દીપકની સમજણ ને...!

મિત્રોએ હજુ એક પોઈન્ટ મુક્યો, "દીપક ! આટલા વર્ષથી તું અનેકવિધ સેવાકાર્યો સંભાળે છે, આ તો તારાથી જ થાય. તારી મહેનત, અભ્યાસ, અનુભવ, શ્રધ્ધા, ભાવના, દાસત્વ આ બધું દાદ માંગી લે.... દીપકે વચ્ચેથી જ બોલવા માંડયું, "એમાં તે શું મોટો ઘોઘો... કોઈકને પાંચ-પચીશ હજાર રૂપિયા આપ્યા હોય તો એ મારા કરતાંય સારું કરી શકે. મારી મહેનત, અનુભવ, સેવા વગેરે બાબતની તમે તારીફ કરો છો, પરંતુ મારાથી અનંત ગણા વધુ ગુણીયલ, પાયાના પથ્થર આ સત્સંગમાં અનેક ભક્તો છે. માટે આ પાનું ફેરવો. ચાલો આપણે તેમને સંભારીએ અને તેમના ગુણલા ગાઈએ. આમ કહી દીપકે કેટલાક ભક્તોનાં નામ બોલવા માંડી પોતાનો માર્ગ કરી લીધો...

કેટલીક વાતો બાદ સ્પષ્ટ થઈ ગયું કે મિહિર, મનોજ અને કથન વખાણ બાબતે દીપકના હૃદયના ઉદગારો સાંભળવાના હેતુથી જ તેની પાસે આવ્યા હતા, અને એક પછી એક પોઈન્ટ મૂકી તેના હૃદયની તસ્વીર ખેંચી રહ્યા હતા. અંતમાં ત્રણેય મિત્રોએ કહ્યું, 'સોરી દીપક, માફ કરજે પણ હવે છેલ્લે વખાણ અડવા દેવા ન હોય તો શું વિચારાય ? માન-અહં ન આવવા દેવાનો ઉપાય શું ? આ બાબતે સહજ કેમ રહી શકાય ? એ તારા અનુભવની વાત કહી દે...' દીપકે કહ્યું, "અરે ભાઈઓ, જે સચિન તેંડુલકર જેવા બેટ્સમેન હોય એ તો કદાચ એક શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે અહં રાખી શકે, પરંતુ ગાભાનો દડો બનાવી કપડાં ધોવાનો ધોકો લઈને શેરીમાં રમનાર સામાન્ય છોકરો આ બાબતનું અહં કેવી રીતે રાખી શકે ? અને રાખે તો એ યોગ્ય પણ કેટલું કહેવાય ? બીજી એક વાત... જ્યાં સુધી જીવમાં માન-અહં છે ત્યાં સુધી વખાણ ગમવાનાં જ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતમાં માન ટાળવાનો સરસ ઉપાય છે,

'વૈરાજપુરુષની તથા પ્રધાનપુરુષની તથા મૂળપુરુષની સામર્થીને જુએ ને તપાસ કરે જે, 'એમના જેવી સામર્થી મારામાં કેટલી છે, જેનું હું માન રાખું છું ?' એમ વિચાર કરે તો માન ટળી જાય..'

આવી બધી દીપકની પ્રમાણભૂત વાતોથી ત્રણેય મિત્રો પોષણ પામી ખુશ થયા.

વ્હાલા ભક્તો ! આ બાબતે એક-બે વિવેક આવશ્યક છે. ક્યારેક મોટાની મરજી એવી કાંઈક હોય તો મૌન રહી આપણાં વખાણ પણ ખમી ખાવાં પડે, સહન કરી લેવા પડે; પરંતુ આપણાં અંતરના ઉદગારો તો આપણને આવા બનાવનારા ઘડવૈયાને યશ આપવાના પક્ષમાં જ હોવા જોઈએ. આપણા વડીલો ક્યારેક રાજીપો દર્શાવવા આપણાં સાચાં વખાણ કરે ત્યારે તેમની કરુણાનો-ધન્યતાનો અહેસાસ કરી વધુ વિનમ્ર બનવું જોઈએ. હા, કોઈક બિચારો ભોળપણમાં કે એની દિવ્યતામાં પ્રભાવિત થઈને આપણા વિષે કાંઈક સહજ બોલવા લાગે તો આડેધડ અવિવેક ન કરવો જોઈએ. આપણને ગુણ કે સફળતા અપાવનાર સંતો-ભક્તોની કૃપા ગાઈને વખાણરૂપ ઝેરથી વિવેકપૂર્ણ રીતે બચવાનો આપણે રસ્તો કરી લેવો જોઈએ, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કે અન્ય કોઈક બીજી-ત્રીજી અપેક્ષાથી આપણાં વખાણ કરી આપણને પંપ મારતો હોય તો તો થોડા કડક થઈ તેને એકાદ પાઠ ભણાવી પણ દેવો જોઈએ.

વ્હાલા ભક્તો ! પ્રસ્તુત લેખના માધ્યમે આપણે પણ ચેક કરી લઈએ કે મારાં વખાણ થાય ત્યારે મારા અંતરના વિચારો-ઉદગારો દીપકના જેવા જ હોય છે કે અન્ય કોઈ ? વખાણના શબ્દો સાંભળવા મળે ત્યારે તેનો સ્વાદ ભોગવાય છે કે સાવધાન થઈ જવાય છે ? આપણી નીમ્નતાની યાદ આવે છે કે આપણાં વખાણની પૂર્તિ કરનારા શબ્દોની ? જો આપણને પોતામાં રહેલ ગુણની કોઈ જ અસર કે કિંમત નહિ હોય તો જ આપણે તેનાથી બચી શકીશું.