રાજીપાનો અપચો...

રાજીપાનો અપચો...

માધવ અને મોહિત બંને નવયુવાનો સત્સંગમાં રહી ખૂબ જ ભાવથી સેવા-સમાગમ કરતા. માધવને અમુક પ્રકારના દોષોની પીડા તો રહેતી પણ તેને તેની ખૂબ દાઝ હતી. તે મુમુક્ષુ બનીને પોતાના અંતરની બધી જ વાત નિષ્કપટપણે સંતોને જણાવતો રહેતો અને પોતાના દોષ બાબતે દીન થઈ રડીને પ્રાર્થના કરતો રહેતો. હંમેશાં પોતાને નાનો માની અન્ય ભક્તોનો ખૂબ જ મહિમા સમજતો. વળી, સંતો-ભક્તોમાં દાસભાવ-દિવ્યભાવ રાખવાનો જોરદાર અભ્યાસ કરતો. પરિણામે અમુક સમયે તેના દોષોની પીડા સાવ ઘટી ગઈ અને સહુનો રાજીપો વધવા લાગ્યો. સંતો-ભક્તો સાથે આત્મબુદ્ધિ પણ ખૂબ દૃઢ થઈ. છેવટે તે સત્સંગમાં નિર્વિઘ્નપણે પાર ઊતરી ગયો.

જ્યારે મોહિતને માધવની અપેક્ષાએ દોષોની પીડા તો નહિવત્ હતી. પરંતુ તેને અન્ય સંતો-ભક્તો વિશે ગૌણભાવ રહેતો અને પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન વાણી-વર્તનમાં દેખાયા કરતું. મોહિતને અમુક પ્રકારની વિશેષ સેવા સોંપવામાં આવી. આ સેવાથી મોહિત ઉપર સંતો-ભક્તોનો રાજીપો થવા લાગ્યો અને તે આગળ પણ વધવા લાગ્યો. પરંતુ મોહિતને પોતામાં સ્વશ્રેષ્ઠતા મનાતા તેને રાજીપાનો અપચો થવા લાગ્યો. તેના પ્રતિબિંબરૂપે હવે,

  • તેને પોતાની આજુબાજુમાં રહેલ ભક્તો પ્રત્યે ગૌણભાવ થવા લાગ્યો.
  • સૌ તેને પોતા કરતા નાના, અણસમજુ અને તુચ્છ લાગવા માંડ્યા.
  • ક્યારેક તો પોતાના ગૃપલીડર પ્રત્યે પણ ન થવાના ઘાટ થવા લાગ્યા.
  • છેવટે સંતોનો પણ અભાવ-અવગુણ આવવા લાગ્યો.
  • અંતરમાં લુખાશ વધવા લાગી.
  • ઘણીવાર તો મોહિત પોતાના બરોબરિયા સાથે ન બોલવાનું પણ બોલી નાંખે.
  • છેવટે તે સંતો-ભક્તોના દ્રોહ સુધી પહોંચી ગયો.
  • પછી તો અંતરમાં કામ, ક્રોધ, સ્વાદ વગેરેનું સામ્રાજ્ય વધવા લાગ્યું. છેવટે તેનાથી સત્સંગમાં પણ ન રહી શકાયું.

વહાલા ભક્તો ! આપણે સેવા, ભજન, તપ, જપ, વ્રત, સાધનાદિક તો ઘણું બધું કરીએ છીએ; તેમ છતાં ઘણીવાર આપણા હાથમાં કાંઈ નથી આવતું એનું કારણ છે ‘રાજીપાનો અપચો.’ આ અપચાના જ સ્વરૂપ છે... સાધનોનું માન, સંતો- ભક્તોનો અભાવ-અવગુણ, અપરાધ-દ્રોહ.

આ સત્સંગમાં જે પોતાને ગૌણ માની અન્ય સંતો- ભક્તોનો મહિમા રાખે છે, તે દિનપ્રતિદિન ખૂબ જ આગળ વધે છે. અને જેને આ રસ્તો નથી સૂઝતો, જે સ્વશ્રેષ્ઠતામાં મદોન્મત્ત થાય છે તેનું ભયંકર પતન થાય છે. માટે જો આપણે પોતાનો મહિમા છોડી પરનો મહિમા રાખીશું તો આપણી આધ્યાત્મિક પ્રગતિ ખૂબ ઝડપથી થશે.

આ સત્સંગમાં આપણે કાંઈક સેવા-પ્રવૃત્તિ કરતા હોઈએ, સહુનો આપણા ઉપર રાજીપો હોય, વળી દોષોની પીડા પણ નહિવત્ હોય તોપણ જો આપણે સાવધાન ન રહીએ તો આપણને આપણામાં કોઈક પ્રકારની શ્રેષ્ઠતા મનાઈ જાય. ત્યારપછી દાસભાવ પણ ચાલ્યો જાય છે. આપણી આસપાસ રહેલા મોટા સંતો-ભક્તોમાં પણ આપણને ગૌણભાવ થવા લાગે છે. પછી અરુચિ-અભાવ-અવગુણ ચાલુ થાય છે. માટે સાવધાન..! આ દિવ્ય સત્સંગમાં મહારાજ કે મોટાએ આપેલ સદ્ગુણો કેવળ એમની કૃપા મેળવવા માટે જ હોય છે, એમ સમજી તેમણે આપેલ મોટપનો અપચો ન થાય એમ જતન કરવું. વળી દાસત્વ રાખવાને બદલે તેમની સાથે અહંથી અથડાઈને તેમનો દ્રોહ કરી ન બેસીએ એવું જ જીવન જીવવું.

કેટલીકવાર આપણને દુ:ખ આવે, અમુક સમયે અચાનક દોષો-સ્વભાવની પીડા વધી જાય કે દેહમાં એવો કાંઈક રોગ આવી પડે તે સંતો- ભક્તોના અપરાધનું ફળ હોય છે; જેની આપણને ખબર પણ નથી હોતી. માટે સૌના ગુણ જ જોવા, લેવા, વિચારવા, કહેવા, સાંભળવા.

અભાવ અવગુણ દ્રોહ જેવું, નથી બીજું દુ:ખદાય;
સુખિયા રહેવું હોય તેણે, ગુણ જ લેવા સદાય.

સદ્‌.અક્ષરાનંદસ્વામીની વાતમાં આવો જ એક પ્રસંગ લખ્યો છે. ચાંદગઢના રણછોડજી મહારાજ એક વખત પર ગામ પોતાના વેવાઈને ઘેર ગયા હતા. પછી સવારે નાહીને પોતાની આગળ પૂજાપેટી મેલીને માનસી પૂજા કરવા બેઠા. તે વખતે તેના વેવાઈએ મશ્કરી કરવા પૂજાપેટી સંતાડી દીધી અને તેના ઠેકાણે એક જૂનું ખાસડું લઈને મૂક્યું. પછી રણછોડજી મહારાજે માનસી પૂજા કરીને આંખો ઉઘાડી અને પોતાની આગળ મહારાજની મૂર્તિને બદલે જૂનું ખાસડું જોઈને બોલ્યા જે, “કોની આંખ્યું ફૂટી જે, મારા ઈષ્ટદેવ ઉપાડી ગયો અને જૂનું ખાસડું મેલ્યું ?” પછી તેના વેવાઈની બન્ને આંખ્યો ફૂટી ગઈ. અને તે બૂમ પાડતો પાડતો રણછોડજી મહારાજ પાસે આવીને પગે લાગ્યો; પણ આંખ્યો ફૂટી ગયા પછી શો ઉપાય ? એમ ભગવદીયનો અપરાધ કર્યાથી તત્કાળ પાપ લાગે છે.

વહાલા ભક્તો ! કોઈને સુધારી નાંખવાના બહાને પણ ભગવાનના ભક્તને દુ:ખ થાય તેવું કોઈ પ્રકારનું ડહાપણ કરાય નહીં. અપરાધનું માઠું ફળ આપણને અધોગતિ જ અપાવે છે. માટે સ્વશ્રેષ્ઠતા છોડી સ્વસુધારણા કરવી. સહુ ને જેમ સુખ થાય તેમ જ દાસાનુદાસ થઈને રહેવું. સ્વશ્રેષ્ઠતાથી બચવાનો સારો ઉપાય એ છે કે, સંતો-ભક્તોએ આપણા ઉપર કરેલ ઉપકારોનું વારંવાર સ્મરણ કરવું.

હરિભક્તનો અભાવ છે, શ્રીહરિનો જ અભાવ;
કરેલી મદદ યાદ કરો, જ્ઞાન થઈ જશે ભાવ.

પૂ.ગુરુજી ઉપરોક્ત દોહામાં કહે છે કે, સંતો-ભક્તોએ કરેલી મદદ યાદ કરવાથી અભાવ ટળી તેમનામાં ભાવ વધે છે. કોઈના પ્રત્યે કોઈ પ્રકારની નાની-મોટી આંટી-અભાવ રાખવાથી તો દિવસે દિવસે પાછું જ પડાય છે. કોઈ કારણવશાત્ ક્યારેક કોઈની સાથે અથડામણ થાય અને તેમાં પોતે પોતાનો દોષ વિચારી-સ્વીકારી સામે ગૌણભાવ કર્યા વિના પ્રથમની જેમ જ જીવી શકાય તો મહારાજ અને મોટા રાજી થાય છે. રાજીપાના અપચા સ્વરૂપે અભાવ અવગુણ જેવા દોષો આપણામાં પેસી ન જાય એ માટે વહાલા મહારાજે વચ.ગ.મ.૬૦ માં કહ્યું છે કે, ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય, પણ આંટી રાખે નહીં; તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.

વહાલા ભક્તો ! આપણી આજુબાજુમાં જ એવા કેટલાય ભક્તો હોય છે કે, જેમને સંતો- ભક્તોમાં ખૂબ જ દિવ્યબુદ્ધિ હોય છે. ક્યારેય કોઈનો અભાવ નથી આવતો. આપણને જેની સાથે જે બાબતની તકલીફ હોય છે તે આપણી આજુબાજુમાં રહેલ ભક્તોને રંચમાત્ર પણ નથી હોતી. માટે જો આપણે અભાવ લેવાનો સ્વભાવ છોડી સહુ ના પ્રભાવમાં જીવીશું તો માવ જલદી મળશે. શા માટે નહિ જેવી બાબતમાં અભાવ લઈને આપણું કલ્યાણ બગાડીએ ! વહાલા મહારાજ અને મોટાને રાજી કરવા માટે આપણે સહુ એ આજથી જ આ બાબતમાં વિચાર કરવો જોઈએ કે,

  • શું આપણે આપણી આજુબાજુમાં રહેલા ભક્તોની સાથે કોઈ પ્રકારની આંટી રાખીએ છીએ ?
  • કોઈની પણ અરુચિ-અભાવ રહે છે ?
  • કોઈનો પણ અપરાધ કરીએ છીએ ?

જો કરતા હોઈએ તો એ બીજુ કાંઈ નથી, આપણું સ્વશ્રેષ્ઠતાનું અભિમાન અને રાજીપાનો અપચો જ છે...