રાજીપાનુું રહસ્ય

રાજીપાનુું રહસ્ય

એક ગામમાં એક સંત પોતાના શિષ્યમંડળ સાથે આશ્રમમાં રહેતા હતા. તેમને ઘણા શિષ્યો હતા. તેઓ હંમેશાં ગુરુજીની આજ્ઞા પ્રમાણે જ રહેતા. તેમનું જીવન તપ, ભજનપરાયણ હતું. બધા શાસ્ત્રમાં કહેલા નિયમો વ્યવસ્થિત પાળતા હતા. કોઈને નિયમ પાળવામાં આગ્રહ કરવાની જરૂર પડતી નહીં. સૌ પોતાના ખપથી સત્સંગ-ભજનપરાયણ રહેતા.

એવામાં એકાદશીનો દિવસ આવ્યો. સહુએ એકાદશીના પવિત્ર દિવસે ઉપવાસ કરી પ્રભુને રાજી કરવાનું નક્કી કર્યું. બધા આનંદથી ઉપવાસ કરી ભજનપરાયણ દિવસ પસાર કરતા હતા. કોઈ ભજન કરતા, કોઈ ભગવાનના મંદિરમાં જઈ માળા કરતા, કોઈ ભગવાનની પૂજા માટે તથા હાર માટે ફૂલ વીણતા. વળી, કોઈ બીજા સંતો સાથે સત્સંગ-ગોષ્ઠી કરતા, કોઈ શાસ્ત્ર વાંચન કરતા, તો કોઈ ધૂન-કીર્તન કરીને પ્રભુને રાજી કરતા.

ગુરુજી આ બધાને પ્રોત્સાહન આપવા બધા પાસે જઈને તેમને કાંઈ ને કાંઈ મદદ કરતા, રાજીપો વ્યક્ત કરતા. બધાને મળતાં મળતાં તેઓ રસોડામાં પહોંચ્યા, ત્યાં તો તેમણે એક આશ્ચર્ય જોયું. એક શિષ્ય રસોઈઘરમાં એકલો બેઠો બેઠો કાંઈક સ્વાદિષ્ટ વાનગી જમતો હતો. ગુરુ ત્યાં જઈને શાંત ચિત્તે તેની સામે ઊભા રહ્યા. શિષ્ય પણ ગુરુજીની સામે જોઈ રહ્યો.

ગુરુએ હસતાં હસતાં પૂછ્યું, ”બેટા ! તને ખ્યાલ છે આજે એકાદશી છે ?” “હા ગુરુજી.“ શિષ્યએ અચકાયા વિના જવાબ આપ્યો. “તો પછી તને બહુ ભૂખ લાગી હશે.” “ના ગુરુજી.“ શિષ્યએ જવાબ આપ્યો. ગુરુએ ફરી એક વખત અટકળ કરી. “તો પછી કદાચ તું બીમાર હશે.“ શિષ્યએ વળતો જવાબ આપ્યો, “ના ગુરુજી મારી તબિયત બહુ સારી છે. આપની કૃપાથી બે ઉપવાસ કરવા હોય તોપણ કરી શકુ એવી તંદુરસ્તી છે.“ “તો પછી તું આજે વ્રતના દિવસે અનાજ કેમ...?“ આટલું બોલતાં ગુરુ થોડા અચકાયા. શિષ્યએ તરત જવાબ આપ્યો, “ગુરુજી આ મને બહુ ભાવે છે, માટે જમ્યા વગર મારાથી રહેવાયું નહીં.“

વહાલા ભક્તો ! જરા અહીં વિચારીએ, આટલું સાંભળીને ગુરુને શું અસર થઈ હશે ? ગુરુએ તે શિષ્યને શું કહ્યું હશે ? ગુરુ એ શિષ્યને વઢ્યા કે દંડ આપ્યો હશે ? એ જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ ? આવા પવિત્ર તપ-ભજનપરાયણ મંડળમાં રહીને પણ કોઈ આવો અધર્મ કરે તો નારાજગી તો થાય, થોડા ગુસ્સે થઈને શિષ્યને ઠપકો આપે એ સ્વાભાવિક છે; પણ અહીં તો અવળી ગંગા ચાલી. ગુરુજી તે શિષ્ય પર બહુ પ્રસન્ન થયા. તેને માથે હાથ મૂકી ભેટી પડયા. સવાલ થાય છે ને શા માટે ?

વહાલા ભક્તો ! આવા સ્વાદ દોષને વશ થઈને તે નિયમ ભંગ કરતો હોવા છતાં શિષ્યની નિખાલસતા જોઈને ગુરુજી તેના પર રાજી થયા. કેમ કે, એ સદગુરુ સારી રીતે સમજતા હતા કે બધા દોષો કરતા દંભ-કપટ બહુ ભયંકર દોષ છે. દોષો જીતવા ત્યારે જ કઠણ પડે છે જ્યારે આપણે આપણા સદગુરુને નિખાલસપણે આપણી નબળાઈને રજૂ નથી કરતા. જો આપણે જેમ છે તેમ આપણા ગુરુજીને અથવા એવા મોટા ગુરુજનોને આપણી નબળાઈને જેમ છે તેમ જણાવી દઈએ તો તેમના આશીર્વાદથી તે ટળતા જરા પણ વાર લાગતી નથી. માટે ચાલો, આપણે પણ નક્કી કરીએ કે આપણા જીવનમાં નાની કે મોટી ભૂલ થઈ હોય કે પાપ થઈ જાય તો તેને આપણા ગુરુજી કે મોટા ગુરુજનોને જણાવવામાં સ્વબચાવ જેવી રમત કે કપટ નહિ કરીએ. પેલા શિષ્યની જેમ જે સાચું કારણ હોય તે જ જણાવી દઈશું તો તેઓ આપણને એ ભૂલરૂપી કૂવામાંથી જરૂર બચાવી લેશે…