
આપણા સહુના હૃદયમાં એક એવો ભાવ હોય છે કે, મારે મહારાજ તથા પૂ.સંતો-ભક્તોને રાજી કરવા છે. પરંતુ, તે કેવી રીતે થાય; તેની આપણને બહુ ખબર હોતી નથી. એટલે ઘણું બધું કરવા છતાં કેટલીકવાર જોઈએ એટલો રાજીપો મળતો નથી.
આપણા સત્સંગમાં એવા ઘણા બધા ભક્તો હશે કે, જે ઘણી બધી સેવા, તપ, વ્રત, ભજન કરતા હોવા છતાં એમને જોઈએ એટલો રાજીપો મળતો નહિ હોય. જ્યારે અમુક ભક્તોના જીવનમાં એવું બહુ દેખાતું ન હોય, તો પણ એને આપણા ધાર્યા કરતાં ઘણો બધો વધારે રાજીપો મળતો હોય છે. તો આવું કેમ..? તો તેનું કોઈ રહસ્ય હોય તો તેનું નામ છે “મહિમા” એટલે કે “માહાત્મ્ય”.
વહાલા ભક્તો..! આપણે પણ સેવા, સત્સંગ, ભજન આદિક ભક્તિ કરતાં હોઈએ છીએ. પરંતુ, માહાત્મ્યે સહિત ભક્તિ ન કરવાથી આપણામાં રૂડા ગુણ આવતા નથી અને દોષો પણ ટળતા નથી.
તેથી જ મહારાજ વચ.સારં ગપુરના ૫ માં કહે છે કે, “જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય, તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય, તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી, તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેનાં હૃદયમાં છે, તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ, તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે.”
મહારાજ વખતના એવા ઘણા બધા ચરિત્રો છે કે, જેમાં મહિમાવાળા ભક્તો ફાવી ગયા છે. એકવાર મહારાજ સભા કરીને બેઠા હતા. ત્યારે એક બાઈએ આવીને મહારાજને તાવ ન આવે, એના માટે હાથે દોરો બાંધ્યો. ત્યારે સુરાખાચરે કહ્યું કે, “મહારાજ, આ બાઈએ તમારો સ્પર્શ કર્યો, તે બરાબર ન થયું.” જ્યારે પર્વતભાઈએ એમ કહ્યું જે, “મહારાજ ! આ બાઈને તમારો સ્પર્શ થયો, માટે તે તો લક્ષ્મી તુલ્ય બની ગઈ.” તે સાંભળીને મહારાજ પર્વતભાઈ ઉપર બહુ રાજી થયા. તો ભગવાનના સંબંધે પર્વતભાઈને તે બાઈનો મહિમા થયો, પણ સુરાખાચરને ન થયો. આમ, વાત કે પ્રસંગ એક જ હોય, પણ આપણે તેની મુલવણી કેવી રીતે કરીએ છીએ, તેના ઉપર બધો આધાર છે.
તેવી જ રીતે, એકવાર મહારાજે બધા ભક્તોને કહ્યું કે, દાદાખાચરના ઘરે એક ગોલાની જરૂર છે. ત્યારે કોઈ ભક્તોએ તૈયારી ન બતાવી. પરંતુ, પર્વતભાઈ તૈયાર થયા અને કહ્યું કે, “હે મહારાજ, દાદાખાચરનો ગોલો હું થઈશ, દાદાખાચર જેવા મહાન ભક્તનો ગોલો થવાનું મારાં ભાગ્યમાં હોય જ ક્યાંથી..?” આ સાંભળીને મહારાજ બહુ જ રાજી થયા.
તુલસી જાકે મુખસે, ભૂલ સે નિકસે રામ,
તાકે પગ કી પહનીયા, મેરે તન કી ચામ.
વહાલા ભક્તો, મહિમાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે પર્વતભાઈ ! પર્વતભાઈ અને આપણી સમજણમાં કંઈક ફેર છે અને એટલે જ પર્વતભાઈની જેમ મૂર્તિમાં રહેવા રૂપી સ્થિતિ આપણને થતી નથી, કે રાજીપો પણ મળતો નથી. એટલે જ હ.ચ.સા.માં શ્રીઆધરાનંદ સ્વામી કહે છે,
महिमा बिन कोई जीय कु, आता नहि हे बल।
महिमा दिव्य औषधि हे, खावत होवत प्रबल।।
ભગવાનને જેવા છે તેવા ઓળખવા, જાણવા અને પછી તેને મન મૂકીને માણવા. ભગવાનના સંબંધે બધા સંતો-ભક્તોને મુક્ત જ માનવા. મહિમા એટલે પોતે નાના રહેવું અને બીજાને મોટા માનવા.
વહાલા ભક્તો, આપણે આપણા જીવનમાં જોઈએ તો ખબર પડે કે, આપણને કોનો અને કેટલો મહિમા છે..? આપણને તો મોટે ભાગે જેને આપણો મહિમા હોય, તેનો જ મહિમા વધારે રહે છે. પણ બીજા એવા કેટલાય ભક્તો હોય કે, જેને મહારાજ, સંતો-ભક્તોનો મહિમા ખૂબ જ હોય છે; તો પણ તેનો આપણે મહિમા રાખી શકતા નથી. આપણને મહિમા નહિ થવાનાં ઘણાં બધાં કારણો છે, તેમાંનાં કેટલાક કારણો આપણે જોઈએ.
ભગવાન અને મોટાપુરુષની મોટાઈ જાણતા નથી :
આ લોકના કોઈ ઍક્ટર, ક્રિકેટર કે કોઈ મોટા નેતાની કોઈ પણ વસ્તુની હરાજી થાય છે, ત્યારે એ વસ્તુને લોકો લાખો કે કરોડો રૂપિયા આપીને ખરીદવા તૈયાર થાય છે. તો શું, એ વસ્તુની એટલી કિંમત છે..? ના.. તે વસ્તુની કિંમત તો નોર્મલ જ હોય છે, પણ જે તે વ્યક્તિના સંબંધે કરીને તેની આટલી મોટી કિંમત લોકો ચૂકવે છે. કારણ કે, આપણે જેતે વ્યક્તિને એવા મોટા સ્વીકાર્યા છે. તેમ જ, ભગવાન અને મોટાપુરુષનું માહાત્મ્ય જેમ છે તેમ આપણે જાણતા હોઈએ, તો તેમના સંબંધમાં આવેલી વસ્તુ કે વ્યક્તિનો મહિમા કેટલો બધો થાય..?
આપણે મોટે ભાગે પરોક્ષવાદી છીએ :
જો અત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદાખાચર કે પર્વતભાઈ સાક્ષાત્ પ્રગટ થઈને આપણને દર્શન આપે, તો આપણને અહો.. અહો.. થાય, આનંદની કોઈ સીમા ન રહે. પરંતુ, જો પ્રગટ સંતો કે કોઈ હરિભક્તના દર્શન થાય, તો આપણને એટલો બધો અહોભાવ કે આનંદ થતો નથી. કારણ કે, આપણને પ્રગટ કરતાં પરોક્ષનો મહિમા વધુ છે. એકવાર પૂ.ગુરુજી કહેતા હતા કે, એક હરિભક્ત આવીને મને કહે કે, મારે તમારો મહિમા સમજવો હોય તો શું કરું ? ત્યારે ગુરુજીએ હસતા હસતા કહ્યું કે, “તારે કાંઈ નથી કરવાનું, કરવાનું મારે છે. હું મરી જાઉં, એટલે તરત જ તને મારો મહિમા થાય.” આવી રીતે જીવનો એવો સહજ સ્વભાવ છે કે, મોટે ભાગે પ્રગટ સંતો-ભક્તો કરતાં પરોક્ષ સંતો-ભક્તોનો મહિમા વધુ હોય છે.
પોતાનામાં શ્રેષ્ઠતા મનાય છે :
આપણે સંતો-ભક્તોને રાજી કરી શકીએ અને મહારાજને પામી શકીએ, તે માટે મહારાજ કૃપા કરીને આપણને સારા ગુણો આપે છે. જેવા કે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે.. તથા પૂ.ગુરુજી કે સંતો બોલાવે, નજીક રાખે,સેવા આપે, આ બધાયના માનને કારણે બીજામાં ગૌણભાવ થાય છે, બીજા નાના લાગે છે અને પોતામાં શ્રેષ્ઠતા મનાય છે, તેથી બીજાનો મહિમા રહેતો નથી. અને જો વધુ પડતી શ્રેષ્ઠતા મનાઈ જાય, તો ક્યારેક સંતો કરતા પણ પોતાને શ્રેષ્ઠ માની બેસીએ છીએ. આપણે બધા જાણીએ જ છીએ કે, મહારાજે કૃપા કરીને અલૈયા ખાચરને જ્ઞાન, બ્રહ્મચર્ય આદિક ગુણ આપેલા, પરંતુ તેનો અપચો થવાથી પોતામાં શ્રેષ્ઠતા મનાઈ ગઈ અને સદ્.મુક્તાનંદ સ્વામી જેવા સંતનો પણ દ્રોહ કરવા તૈયાર થયા. માટે સ્વશ્રેષ્ઠતા બહુ મોટી બલા છે, તેનાથી ભગવાન આપણને સહુને બચાવે એવી પ્રાર્થના.
ઈર્ષા અને બરોબરિયાપણું :
આપણે જાણીએ છીએ કે, મછિયાવના ફઈબાને મહારાજ અને સંતોમાં ખૂબ જ હેત હતું. પરંતુ, પોતાની પુત્રવધૂ સાથે તેમને બરોબરિયાપણું કે ઈર્ષા હોવાથી, જ્યારે મહારાજે તેમની પુત્રવધૂને તેડાવાની વાત કરી, તો મહારાજનું પણ માન્યા નહિ. તેથી મહારાજ ફરીવાર ક્યારેય મછિયાવ ગયા નહિ. બીજી કઠણાઈની વાત તો એ છે કે, સામાન્ય હરિભક્ત હોય અને તે જો આપણો મહિમા રાખે, તો તેનો આપણને જેટલો મહિમા રહે છે, તેટલો આપણને જેની સાથે બરોબરિયાપણું હોય, તેવા સારા અને મોટા ભક્તોનો મહિમા પણ થતો નથી. જે હેત ભગવાનના સંબંધે, નિષ્ઠા-દિવ્યતા જેવા ગુણને લઈને થવું જોઈએ, તેના બદલે આપણામાં ખેંચાતા ભક્તોમાં આપણા માનને કારણે વધુ હેત થઈ જાય છે.
મહિમા વધારવાના ઉપાયો
વહાલા ભક્તો ! સંબંધે કરીને મહિમા થાય, તો આખો દિવસ અને રાત અહો..અહો.. થયા કરે. આંખો ભીંજાઈ જાય અને મનમાં એમ થયા કરે કે, આ પુરુષોત્તમનારાયણ, પૂ.ગુરુજી જેવા મોટાપુરુષ તથા આ સંતો-ભક્તો મારાં ભાગ્યમાં હોય જ ક્યાંથી..?