રાગ-દ્વેષ યુગો સુધી જન્મ લેવડાવે..

રાગ-દ્વેષ યુગો સુધી જન્મ લેવડાવે..

ઝુમખરામ અને મુગટરામ બંને ભાઈ ગાંડાપુર-મધ્યપ્રદેશમાં રહી ભજન-ભક્તિ કરતા હતા. મહારાજની મૂર્તિ સંભારી નિત્ય નવલો આનંદ માણતા હતા. એવામાં એકવાર આ ઝુમખરામનો નાનો ભાઈ મુગટરામ બહુ બિમાર થયો. વૈદ્ય તેડાવ્યા, દવા કરાવી, તોય પણ કાંઈ સારું થયું નહીં. પછી એક રાત્રે શ્રીજીમહારાજે દર્શન દઈને કહ્યું, ‘મુગટ ! કેમ છે ?’ ત્યારે તે કહે, ‘અહોહો ! પ્રભુ તમે આવ્યા, બહુ દયા કરી. આ શરીરમાં રોગ છે અને કાંઈ સુખ નથી. હવે મને તમારી સેવામાં ધામમાં લઈ જાઓ.’

ત્યારે મહારાજ કહે, ‘મુગટરામ ! આજ નહિ, અમે તને કોલ દઈએ છીએ કે, આજથી દસમે દિવસે અડધી રાત્રીના સમયે તેડવા આવીશું, સાથે પચ્ચીસ પાર્ષદો લાવીશું. એ પાર્ષદો આખું ગામ જાણે એમ બંદૂકોના ભડાકા કરશે. એ સમયે તારી પાસે જેટલા હશે.એ સમયે તારી પાસે જેટલા હશે તે બધાને અમે દર્શન દઈશું અને તેને ધામમાં લઈ જઈશું.’

પછી મુગટરામને ધામમાં જવાની ચાર દિવસની વાર હતી, ત્યારે પોતાના ભાઈ ઝુમખરામને કહ્યું કે, ‘મોટાભાઈ, હું સાજો થવાનો નથી. કેમ કે, આજથી છ દિવસ પહેલાં મહારાજ આવ્યા હતા અને કહી ગયા છે કે, દસ દિવસ પછી હું તને તેડવા આવીશ.’ તે સમયે મહારાજે મુગટરામને તેના પૂર્વજન્મોની સ્મૃતિ કરાવી હતી. તેથી મુગટરામ પોતાના પૂર્વજન્મોની વાતો કરતાં કહે, ‘મોટાભાઈ ! મારી એક વાત સાંભળો. આ આપણાં મા-બાપ છે તેમને હવે મારી પાસે આવવા દેતા નહીં. જો તેઓ આવશે તો હું તેમને બટકું ભરી લઈશ.’ મોટાભાઈ કહે, ‘પણ શા માટે બટકું ભરી લઈશ ?’ તો કહે, ‘એની પાછળ મોટો ઈતિહાસ છે, સાંભળો.

રામાવતાર વખતે હું  એક બ્રાહ્મણ ઋષિ હતો. વગડામાં ઝૂંપડી કરીને તપશ્ચર્યા કરતો હતો. એ વખતે રામ ભગવાનને વનવાસ થયો તેથી તેઓ વનમાં ગયેલા. ત્યાર બાદ સેનાને લઈને ભરતજી રામ પ્રભુને મળવા માટે વનમાં ચાલ્યા. એ વખતે તેઓ મારી જ્યાં ઝૂંપડી હતી ત્યાંથી પસાર થયા. તે સમયે આપણા બાપ છે તે ક્ષત્રિય હતા. ભરતના સૈન્યમાં હતા. એણે મારી પર્ણકૂટી ખેંચી તેથી મને ક્રોધ ચડયો, પણ ભરતની શરમે મેં એમને જાવા દીધા, નહિ તો શાપ દઈને મારી નાંખત ! પરંતુ ત્યારથી મારે એમની સાથે વૈરવૃત્તિ બંધાઈ ગઈ છે. તેથી વખતોવખત એને ઘેર જન્મ લઉં છું, પણ આ વખતે તો મહારાજ મને તેડી જાશે, ફરી જન્મવું નહિ પડે. તેથી મારે વૈર વાળવાનું છે તે રહી જાશે.’

ત્યારે ઝુમખરામ કહે, ‘ભાઈ, આપણે કાંઈ વૈર વાળવું નથી. તું ભગવાનના ધામમાં જા એમાં અમે રાજી.’ મુગટરામ કહે, ‘હા, ભાઈ ! પરંતુ પિતાજીને મારી પાસે આવવા દેતા નહીં.’ ઝુમખરામે જઈને એમના પિતાને કહ્યું કે, ‘તમારે મુગટરામ પાસે જાવું નહિ, એણે ના પાડી છે.’ તે સાંભળીને એમનાં મા-બાપને દુ:ખ થયું પણ મન મનાવ્યું. તેઓ દૂર રહેતાં. એક દિવસ મુગટરામને અસહ્ય વેદના ઊપડી તેથી પથારીમાં ઊંહકારા કરવા લાગ્યા. મુગટરામને દુ:ખી જોઈને તેનાં મા-બાપ એ વાત ભૂલી ગયાં અને એમની પાસે ગયાં.

કહી વાત પણ ભૂલી ગયા, તાત બેચર બફોમ રહ્યા;
આવ્યો ઔષધ લઈને હરડી, પાવા આવ્યો ત્યાં આંગળી કરડી.

મુગટરામે બાપની આંગળી ઉપર બટકું ભરી લીધું. તેથી બાપે રાડ પાડી, ‘ઓ મારા બાપલિયા !’ આ સાંભળી ઘરના આગળના ભાગમાં દુકાન હતી ત્યાંથી ઝુમખરામ દોડતાં દોડતાં આવ્યા, બધું જોયું-જાણ્યું. પછી ઝુમખરામ કહે, ‘આ શું કર્યું મુગટરામ ?’ ત્યારે મુગટરામ કહે, ‘હાશ ! હવે વૈરવૃત્તિ મટી !’

વહાલા ભક્તો ! થોડી ઘણી જો કોઈકમાં આસક્તિ, દ્વેષવૃત્તિ કે વૈરવૃત્તિ રહી ગઈ તો ધામમાં જવાશે નહીં. ધામમા જવું હોય તો રાગ-દ્વેષથી પર થવું પડશે.

આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે, આ દુનિયામાં આપણને બે જ વસ્તુ સાંભર્યા કરે છે. જેનામાં રાગ હોય તે અને જેનામાં દ્વેષ હોય તે. આ સિવાય બીજું કાંઈ સાંભરે જ નહીં. આ માથાકૂટ જબરદસ્ત છે. રાગ-દ્વેષ તો ટાળવા જ પડશે. અને એ તો અજ્ઞાન જાય ત્યારે અહંતા અને ભોગવૃત્તિ એ બેય ટળે. પછી રાગ-દ્વેષ જાય. જો ભગવાનના ધામમાં જાવું હોય તો રાગ-દ્વેષ મૂકવા પડશે. અહં અને આસક્તિ જ અનંત જન્મ લેવડાવે છે. મુક્ત થવા માટે તે બંને છોડવાં અનિવાર્ય છે. સહેજ દ્વેષવૃત્તિ યુગો સુધી જન્મ લેવડાવે છે. માટે કોઈ સાથે દ્વેષ કે વેર રાખવું નહિ, અભાવ-અવગુણ રાખવા નહિ; હોય તો આજથી જ છોડી દેજો.

ત્યાર બાદ ચોથા દિવસની રાત્રીએ મુગટરામનાં માતા-પિતાને મુગટરામનો જીવ ડૂંટી ઉપર દેખાયો. બરોબર અડધી રાત્રી થઈ ત્યારે ભગવાન તેડવા આવ્યા, સાથે પાર્ષદોને લાવ્યા. તે સમયે ત્યાં જે હતા તે બધાને ભગવાનનાં તથા પાર્ષદોનાં પ્રત્યક્ષ દર્શન થયાં. પાર્ષદોએ બંદૂકના ભડાકા કર્યા. તે સર્વે ગામવાસીઓએ પ્રત્યક્ષ સાંભળ્યા. પછી મહારાજે મુગટરામને કહ્યું કે, ‘ચાલો અમારા ધામમાં.’

બેસી વિમાનમાં તેહ વાર, ગયો ધામમાં ભક્ત ઉદાર;
નરનારી પુરવાસી જન, જોઈ અતિશે થયાં મગન.

આવી દીઠી ન સાંભળી વાત, સ્વામી પ્રગટ પ્રભુ સાક્ષાત્;
તેહ વિના આવી નોય વાત, આ તો પરચો મોટો તે વિખ્યાત.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી અલૌકિક વાતો છે.આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા મહારાજ અને સંતો-ભક્તો મળ્યા છે. મુગટરામ ધામમાં ગયા. પછી ત્રીજે દિવસે દિવ્યદેહ ધારણ કરીને પોતાની બહેન માલેગાવમાં પરણીને રહેતી હતી ત્યાં દર્શન આપ્યાં. મુગટરામે એમની બહેનને કહ્યું કે, ‘હું વડતાલ મહારાજનાં દર્શને જાઉં છું, તમારે આવવું હોય તો ચાલો.’ ત્યારે તેમની બહેન કહે, ‘ભાઈ, મારે તો નવરાશ નથી, પણ તમારી ભાણીને લઈ જાવ.’

પછી મુગટરામે ચંપા નામની ભાણકી બજારમાં રમતી હતી ત્યાં જઈને તેને કહ્યું કે, ‘તારે વડતાલ આવવું છે ?’ તો તે કહે, ‘હા મામા, મારે વડતાલ આવવું છે.’ આ છોકરી તેમને ઘણી વખત કહેતી હતી કે, ‘મામા મને વડતાલ બતાવો અને મહારાજનાં દર્શન કરાવો ને !’ તે દીકરી નાની હતી પણ બહુ ભગત હતી.

પછી મુગટરામ એને એક ક્ષણમાં બસો ચાળીસ ગાઉ કાપીને વડતાલમાં લાવ્યા. પ્રગટ મહારાજનાં દર્શન કરાવ્યાં. મહારાજે મુગટરામને હજારી ફૂલનો હાર આપ્યો. મુગટરામ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન કરવા ગયા ત્યાં બ્રહ્મચારીએ પતાસાં આપ્યાં. એ બધું મુગટરામે પોતાની ભાણીને આપ્યું. તથા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોનાં આંગળી ચીંધીને દર્શન કરાવ્યાં. દસે અવતારનાં ડેરાંનાં પણ દર્શન કરાવ્યાં.

કહી ચંપાને મુગટે વાત, દેહ મૂક્યો છે મેં સાક્ષાત્;
તેને દિવસ થયા છે ત્રણ, સત્ય માનજે તું મારી વાણ.

એમ કહીને વડતાલમાંથી ભાણી ચંપાને ખભે બેસાડી મામા ઊપડયા તે એક ક્ષણભરમાં માલેગાવ તેને ઘેર મેડા ઉપર ઉતારીને મુગટરામ અદૃશ્ય થઈ ગયા. પછી છોકરી તેની મા જ્યાં બેઠી હતી ત્યાં દોડતી દોડતી આવીને કહેવા માંડી કે, ‘મા, મા, મારી વાત સાંભળ. હું  મામા ભેળી વડતાલ જઈ આવી.’ તેની મા કહે, ‘બસો ચાળીસ ગાઉ વડતાલ છેટું છે ને તું કેવી રીતે ઘડીકમાં જઈને આવી ?’ પછી છોકરીએ મહારાજે તેને આપેલો હાર અને બ્રહ્મચારીએ આપેલાં પતાસાં બતાવ્યાં. અને કહે, ‘મામા ત્રણ દિવસ પહેલાં જ ધામમાં જતા રહ્યા છે.’ આ વાત સાંભળીને તેની મા મૂંઝાણી. અને તેના ધણી સીતારામ શેઠને બોલાવીને કહે, ‘આપણી દીકરી કહે છે કે, ‘મારા મામા મુગટરામ ત્રણ દિવસ પહેલાં ધામમાં ગયા છે અને આજે દિવ્ય દેહે આવીને મને વડતાલ દર્શને લઈ ગયા હતા.’

ઘોડે બેસી ગયા સીતારામ, ભક્ત મુગટરામને ધામ;
ત્યાં તો ચંપાએ કહી તે વાત, સાચી મળી સહુ સાક્ષાત્.

બધુંય સાચું પડ્યું અને સૌનાં હૈયામાં આનંદ આનંદ થઈ રહ્યો. અહો...! ધન્ય ધન્ય પ્રગટ સ્વામિનારાયણ ભગવાન, તમારી લીલાનો કોઈ પાર નથી. તમારાં ઐશ્વર્યપ્રતાપ અપરંપાર છે. આ ભગવાનને જે જાણે તે માણે. માટે મહિમા સમજવામાં અને દિવ્યભાવ રાખવામાં કોઈ કસર રાખતા નહીં. જેટલો મહિમા સમજશું અને દિવ્યભાવ રાખશું એટલા આપણે જ મહાન બની જઈશું...