મોટપનો મુગટ

મોટપનો મુગટ

પૂ.ગુરુજીએ એક સૂત્ર આપેલું છે કે, ‘જે નાનો બની શકે છે, એ જ મોટો બને છે; પરંતુ જીવને નાના રહેવું ગમતું નથી, મોટપ બહુ ગમે છે. એ માથાં મારીને મોટપ ખેંચી લેવા મથામણ કરતો જ રહે છે. જેમ ગમાણમાં નીરણ નાંખતા હોઈએ ત્યારે કોઈ બળદ પોતાનું નીરણ મળેલ હોવા છતાં, બાજુના બળદના નીરણમાંથી મોં નાંખીને તે ઝૂંટવી લે, તેમ જીવ મોટપ મેળવી લેવા ધમપછાડા કરતો રહે છે. જીવને બીજા જીવ ઉપર આધિપત્ય ભોગવવાનો જે રાગ છે, તે જ મોટપ માટેની તડપનને જન્મ આપે છે.

મહારાજના મત મુજબ મોટો કોને જાણવો ?

  • ની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. વડ.૨૦
  • માન તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ગ.મ.૪૧
  • આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ; એ ચાર વાનાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. વડ.૭

सब बडतामें बडता एहा, हरिपद एक धरना नेहा;
ताकु साधन भये सब पूरे, सो नहि तब सबही अधूरे।

- ह.च.सागर

મહારાજના મત મુજબ જે મોટો નથી તે પણ જાણી લઈએ.

  • મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે, અને એ બે વાનાં જેને ન હોય ને તે વ્યવહારે કરીને મોટો હોય તોપણ એ નાનો જ છે. ગ.પ્ર.૩૧
  • જે આંખો કાઢીને પોતાનાથી ગરીબ હોય એને બિવરાવે છે અને મનમાં એમ જાણે જે, હું મોટો થયો છું, પણ એ મોટો નથી. ગ.પ્ર.૨૭
  • વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં અટંટ રહે તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું હોય એવો મોટો થાય. ગ.પ્ર.૫૬
  • જેને સત્સંગીનો પક્ષ ન હોય અને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય, પણ અંતે જતા જરૂર વિમુખ થાય. ગ.પ્ર.૭૮
  • જેને બીજાનો અવગુણ આવે અને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તોપણ તેનાં કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય. ગ.મ.૨૬
  •  મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે ને જે ન રહે તે મોટો હોય તોપણ પોતાની સ્થિતિ થકી પડી જાય. ગ.મ.૩૧

મોટપ મળવાથી શું ફેરફાર થઈ જાય છે ?

આપણને આ સત્સંગમાં મળેલી સેવાથી ધીરેધીરે આ જ સંતો-ભક્તોનો રાજીપો મળતાં, એ આપણને આગળ લેતા જાય છે. નવી નવી અને ઊંચી જવાબદારીવાળી સેવા મળતી જાય છે. કોઈ ને કોઈ હોદ્દો મળે છે. પછી બહાર તો બોલાય કે, ‘આ બધું સંતો-ભક્તોની કૃપાથી જ છે, મારામાં તો કાંઈ નથી, મને કાંઈ આવડે નહિ;’ પણ અંતરમાં એમ રહે છે કે, ‘મેં સારી સેવા કરી, મેં સારું ભજન કર્યું; એટલે આ હોદ્દો મળ્યો છે.’ જેમણે સેવા આપી અને રાજીપો અપાવ્યો, એમની કૃપાથી આ હોદ્દો છે, એ ભૂલાઈ જાય છે. એટલું જ નહિ, એ હોદ્દાના જોરે રાજીપો આપનાર એ વર્ગ ઉપર જ બિનજરૂરી આધિપત્ય જમાવવાનું શરૂ થઈ જાય છે. પોતાની મોટપનો ડાંડિયો વધવા માંડતાં, પોતાનાથી જે સીનિયર છે, તારણહાર સંતો છે, તેમને પણ નાના માનીને સલાહ-ઉપદેશ આપતા થઈ જવાય છે.

પછી તો જાણે કે સત્સંગના ખાં થઈ ગયા હોઈએ; એમ ઘણી વાર મોટા કાંઈક કરે તે ગળે ઊતરતું નથી અને એમ થાય છે કે, ‘એમણે બહારની દુનિયા જોઈ નથી, આ બધું જૂનવાણી છે, આ ખોટું થઈ રહ્યું છે. આમ કર્યું હોત તો સારું, આમ ન કરવું જોઈએ...’ કોઈ વાર આપણને કોઈ બાબતે ન પૂછ્યું હોય તો એમના એ કાર્યમાં સતત ખોટ-કસર દેખાયા કરે છે. એ ભગવાનનું જ કાર્ય હોવા છતાં જો કદાચ બગડે તો અંતરમાં એક પ્રકારનો પિશાચી આનંદ આવે છે અને બીજે બબડાટ થઈ જાય છે કે, ‘મને પૂછ્યું હોત તો સાચો રાહ મળત, પણ જેને આનું કાંઈ જ્ઞાન જ નથી એમને જ પૂછે છે. જુઓ, આ બગડીને ઊભું રહ્યું !’

આ મોટપ કાંટાળો તાજ છે, છતાં માથે સોનાનો મુગટ પહેર્યો છે; એમ માની ફોર્મમાં જ ફરતા રહેવાય છે. જેટલું એ મુગટ પહેરવા તલપાપડ રહેવાય છે, એટલું ભગવાન મેળવવા તલપાપડ નથી રહેવાતું ! મોટપનો મુગટ પહેરવા મળી ગયો - પાંચમાં પૂછાતા થયા, એટલે જાણે ભગવાન મળી ગયા ! એમ જ મનાય છે. ‘કૈંકે હણાં, કૈંકે ન હણાં...’ની જેમ ‘આ કરી નાંખું, તે કરી નાંખું’માં ધૂણતા રહેવાય છે. પરિણામે ક્યારેક બેફામ બની મોટા હોય તેના અપરાધના રવાડે ચડી જવાય છે. જેમ ઢોરને નીરણ નાંખવા ગયેલ કે સરખું કરવા ગયેલ વ્યક્તિને, ‘એ તો મારું નીરણ લઈ લેવા આવ્યા છે,’ એમ માનીને ક્યારેક શીંગડે ચડાવે છે, તેમ કેટલીક વાર, આપણને મોટા બનાવનારને જ આપણે શીંગડે ચડાવતા હોઈએ છીએ.

આ બધું મહારાજથી સહન ન થતાં, એ આપણું ઓપરેશન હાથ ધરે છે. પ્રથમ તો માથેથી મુગટ ઊતરી જાય છે અને રહેતાં રહેતાં કોડીના બની જવાય છે અને બધેથી હડસેલા ખાવા પડે છે. ‘બધાથી મારી પ્રગતિ સહન ન થઈ એટલે આમ થયું.’ એમ જ મનાય છે, પણ પોતાની ભૂલ ઉપર નજર જતી નથી. બહારથી તો આપણું વર્તન એવું જ હોય છે કે જાણે મોટાને માન આપીએ છીએ, મોટાના દાસ છીએ, પણ અંદર જુદો જ પ્રવાહ ચાલતો હોય છે. પરિણામે અંતરમાંથી ઉદ્વેગ મટતા જ નથી. આપણે ઘાટ-સંકલ્પથી ખૂબ દુ:ખી થતા જઈએ છીએ, પણ મોટપના નશામાં આપણને કાંઈ ભાન રહેતું નથી.

મોટપના નશાથી બચવાનો ઉપાય :

  1. આપણી ઓકાત સમજી રાખવી.
  2. આપણને કોઈ ખાસ કાર્ય પૂરતો મોટપનો મુગટ પહેરાવાય, તો તે પહેરી કાર્ય પતે એટલે તરત મોટપનો મુગટ ઉતારી દેવો અને સામાન્ય-નાના ભક્તની જેમ વર્તવું.
  3. મળેલી મોટપને પચાવવી, અને બીજા સૌની ભક્તિમાર્ગની મોટપને સાચા અર્થમાં સ્વીકારવી.
  4. દીન-દાસ-આજ્ઞાંકિત બની, હું કાંઈ જ નથી, મારામાં કાંઈ જ નથી, મારું કાંઈ નથી, એમ સમજી રાખવું.

આમ કરીશું તો મોક્ષના રાજમાર્ગ ઉપર ભગવાન આપણી રક્ષા જરૂરરશે !