
એક ગામમાં સુંદર નવું મંદિર બની રહ્યું હતું. એક માણસ પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ગરુડજીની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી બીજી એવી જ ગરુડજીની મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, “આ એકસરખી બે ગરુડજીની મૂર્તિ કેમ બનાવી છે ? શું બે ગરુડસ્તંભ બનાવવાના છે ?”
“ના ! એક જ ગરુડસ્તંભ બનાવવાનો છે.” શિલ્પીએ જવાબ આપ્યો, “આવી એક જ ગરુડજીની મૂર્તિની જરૂર છે, પરંતુ પેલી બીજી મૂર્તિ છેક છેલ્લી ઘડીએ થોડુંક નકુસાન થવાથી પડતી મૂકવી પડી છે.”
પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, “આ મૂર્તિમાં મને તો કોઈ જ નકુસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નકુસાન દેખાય છે ?”
“એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે !” શિલ્પીએ કહ્યું.
પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો માંડ માંડ દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, “તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ?”
“પેલા ત્રીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર !” સ્તંભ તરફ આંગળી ચીંધીને શિલ્પીએ જવાબ આપ્યો.
પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું. “ભલા આદમી ! જો આ ગરુડજીની મૂર્તિની સ્થાપના એટલે બધે ત્રીસ ફૂટ ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ ? ત્યાં વળી કોણ જાણવાનું છે કે એના નાક પાસે નાનો ઘસરકો છે ?”
શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, “ભાઈ ! બીજું કોઈ એ વાત જાણે કે નહિ એ તો મને નથી ખબર, પરંતુ મારાથી જે ભૂલ થઈ છે તેને હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને !? મારી જાતને હું કેમ છેતરી શકું ? મારે તો મારા ભગવાનને હિસાબ આપવાનો છે.” એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું.
નિ:શબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો.
વહાલા ભક્તો ! આપણા જીવનમાં આપણે મહારાજની આજ્ઞા લોપીને કેટલી ભૂલો કરીએ છીએ ? તેમ છતાં સારા દેખાવા કપટ રાખીને આપણી જાતને કેટલી છેતરીએ છીએ ? અરે ! ભગવાનને કે આપણા મોક્ષદાતા સંતોને પણ ઉલ્લુ બનાવીને બહારથી ખૂબ જ સારો મેક-અપ કરી સત્સંગમાં પ્રભાવ પાડી દઈએ છીએ.
વહાલા ભક્તો ! આપણે હિસાબ મહારાજને આપવાનો છે. મોક્ષ મહારાજ પાસેથી મેળવવાનો છે. માટે ભગવાનને અંતર્યામી જાણી નિખાલસ, નિષ્કપટ જીવન જીવીએ તો મહારાજ રાજી થશે.