
વહાલા ભક્તો ! પૂ.ગુરુજીએ આપણને કથા-વાર્તા દરમ્યાન નોટ લઈને બેસવાની અને તેમાં સારા પોઈન્ટ લખવાની ટેવ પડાવી છે; પરંતુ તેમાં શું લખવું જોઈએ ? તે વિષય પર પૂ.ગુરુજીએ કારેલીબાગ-વડોદરા સ્થિત શ્રીઘનશ્યામ મહારાજના ૧૮મા પાટોત્સવ અંતર્ગત સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં તા.૧૮/૫/૨૦૨૨ના રોજ બપોર પછીના સેશનમાં ખૂબ જ સુંદર વાતો કરી હતી, તેનું સંકલન...
નિજની નોટ નિજખોટને, ટાળે છે ચડીચોટ;
માટે સર્વ લખો જ્ઞાન, પોતપોતાની નોટ.
વહાલા ભક્તો ! આપણે સંતોનો સમાગમ કરી, શાસ્ત્ર વાંચી, કથા સાંભળી, પોતાનો અનુભવ જોઈ; એ બધાના સારરૂપે પોતાની પર્સનલ નોટ રાખીએ છીએ ને તેમાં સારા પોઈન્ટ લખીએ છીએ; પરંતુ એ નોટમાં શું લખવું ? કેવું લખવું ? શા માટે લખવું ? નોટ શા માટે રાખવી ? એ છણાવટ હું આજ પહેલી વખત કરું છું.
મારી નોટ, ટાળે મારી ખોટ,
બીજે ન દેવી દોટ, સાચવી રાખવી નોટ.
પોતાની નોટમાં ફક્ત પોતાને જ ઉપદેશ મળે એવું જ લખવું. બીજાને ઉપદેશ દેવાની વાતો સદ્ગ્રંથોમાં બહુ લખી છે; આપણી નોટમાં એ લખવાની જરૂર નથી. એકેય કડી નહિ, એકેય દોહો નહિ, એકેય વાત નહિ, એકેય પોઈન્ટ નહીં. એવી વાતો લખેલાં મોટા ગ્રંથો કે કીર્તનો વગેરે લાઈબ્રેરીમાં ખૂબ પડયાં છે માટે તે બધું પોતાની નોટમાં લખવાની શું જરૂર છે ? માટે પોતાને છોલે એવી જ વાતો પોતાની નોટમાં લખવી.
આપણી નોટનું એકેએક પાનું અને એકેએક વાક્ય આપણા અજ્ઞાનાદિકને છોલવું જાેઈએ. કેમ જે એ આપણી નોટ છે, આપણા કલ્યાણ માટે છે. પર્સનલ આપણું જ અજ્ઞાન ટાળવા માટે આપણે એ નોટ રાખી છે, તો આપણું જ અજ્ઞાન એમાં નોંધાવું જોઈએ.
જેથી જ્યારે જ્યારે તે નોટ વાંચીએ ત્યારે તે આપણને સતત સાવધાની આપ્યા કરે કે, ‘તારામાં આ ખોટ છે, તારામાં આ ખોટ છે, હું તારી નોટ છું, તારી ખોટ તને કહં છું.’ આમ પોતાની નોટથી પોતાનું કલ્યાણ થવું એ સાવ સહેલું પડે.
વહાલા ભક્તો ! આપણને ક્યારેક કથા દ્વારા, કોઈ ઘટના દ્વારા કે ક્યારેક ધ્યાન-માનસીમાં ભગવાન સાથે અતિ નજીકપણું થયું હોય ત્યારે પોતાની અજ્ઞાનતા, દોષો, ભૂલો દેખાઈ આવે છે. જ્યારે તે દોષાદિ દેખાય કે તરત જ તેને આપણી નોટમાં નોંધી લેવું, જેથી તે સંતાઈ ન જાય.
ક્યારેક આપણને કંસની જેમ થોડી વાર પોતામાં દોષ કે અજ્ઞાન દેખાતું હોય છે, પણ વળી તરત પોતામાં સારાપણું મનાઈ જતું હોય છે. માટે પોતામાં સારાપણું મનાઈ જાય એ પહેલાં જ ઉતાવળ રાખીને પોતાની ભૂલ વગેરે નોટમાં લખી લેવું. ભલે તે નાની એવી લાગતી હોય પણ તેને ખૂબ મોટી માનીને, તરત તેને પકડીને, ચિંતન-મનન કરીને, ઊંડા ઊતરીને, તેનું મૂળ પકડી, જ્ઞાન દ્વારા તેને સુધારવી અને તે બધું પોતાની નોટમાં લખી લેવું.
કેમ જે, જ્યારે બધા આપણને સારા માનતા હોય, નમીને રહેતા હોય તે સમયે પોતાની ખામી- દોષાદિ પોતાની નજરમાં રહેતા નથી. અને કદી તે દેખાય તો પણ તેને નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ અને મનમાં એમ માનતા હોઈએ કે ‘હું એવો ખરાબ હોવ તો આટલા બધા લોકો મારામાં શું કામ તણાય ? આટલા બધા મને શા માટે માને ? આ તો મને ખોટેખોટો વહેમ પડે છે કે, હું અજ્ઞાની છું પણ હું કાંઈ એવો સાવ અજ્ઞાની નથી. અજ્ઞાની હોઉં તો આટલા બધા મને જ્ઞાની કેમ માને ?
આમ આપણે પોતાના અજ્ઞાન, દોષાદિને છાવરતા હોઈએ છીએ, સાવ હળવાશથી લેતા હોઈએ છીએ, ઢાંકી દેતા હોઈએ છીએ; પણ જો નોટમાં વ્યવસ્થિત લખી લીધેલું હોય તો તે આપણી જ લખેલી વાત માન-સન્માન, વખાણ અને વાહવાહની પરિસ્થિતિમાં પણ આપણને પોતાના દોષોથી ને પોતાની વાસ્તવિકતાથી વાકેફ રાખે.
વળી, નોટમાં કાંઈ પણ લખતી વખતે એ ખાસ યાદ રાખવું કે, જે વાત પોતાના કામની ન હોય, પોતાને લાગું પડતી ન હોય, પોતામાં બદલાવ લાવવા માટેની ન હોય; તો એ વાત પોતાની નોટમાં લખવી નહીં. જે વાત જેના કામની હોય તે તેની નોટમાં લખે. બીજાના કામની કે બીજાને કહેવા માટેની કોઈ પણ વાત પોતાની નોટમાં લખવી નહીં. નહિતર તો એ નોટ તેનું કલ્યાણ કરશે, તેની ખોટ ટાળશે અને આપણા દોષો તો એમનામ રહેશે. આ તો ઊંધું થયું, માટે એવી નોટ લખવી નહીં.
નિજનોટ એવી જ લખવી, નિજને જ લાગે કામ;
જ્ઞાન પરને માટે તે, સાબિત થાય નકામ.
આપણી નોટ બીજાને બિલકુલ કામ લાગવી જાેઈએ નહીં. એને માટે તો ફીજુલ અને નકામ સાબિત થવી જોઈએ. હા, કદાચ કોઈકને કાગતાલિય ન્યાય પ્રમાણે થોડી ઘણી કામ લાગે તો ભલે લાગે, પણ આપણે પોતાની નોટમાં બીજાને માટે એક વાક્ય પણ લખવું નહીં. કેમ જે, પોતાની નોટને જ આપણે ગુરુ બનાવીને પોતાની ખોટ ટાળવા માટે જ સતત ઉપયોગમાં લેવાની છે.
બીજાની નબળાઈ આપણને નડવાની નથી, પોતાની નબળાઈ જ પોતાને દુ:ખ દેવાની છે અને કલ્યાણમાં આડી આવવાની છે. માટે નોટ હંમેશાં પોતાને છોલવા સારું જ રાખવી. પોતાને માથે બધું આવે એવું જ પોતાની નોટમાં લખવું, કોઈની માથે જતું હોય એવું એક વાક્ય પણ પોતાની નોટમાં ન લખવું.
વહાલા ભક્તો ! આપણી નોટ જેવો આપણો ગુરુ કોઈ નથી. કેમ જે, ગુરુ તો ક્યારેક સૂઈ ગયા હોય, ક્યારેક બહારગામ ગયા હોય, કદાચ માંદા પડી ગયા હોય કે દેવ થઈ ગયા હોય; પરંતુ આપણી નોટ તો આપણી પાસે જ હોય..! સદા જીવતી જ હોય. નોટ તો સદા આપણી સાથે રહેનાર આપણા ગુરુ અને ઉપદેશક કે મોટા પુરુષ છે. માટે યુટયુબ કે અન્ય કોઈ પણ માધ્યમે કથાદિક સાંભળતી વખતે, શાસ્ત્ર વાંચતી વખતે કે અન્ય કોઈ પણ સમયે નોટ પોતાની સાથે જ રાખવી અને પોતાને લગતી કોઈ પણ વાત સાંભળવા મળે કે અંતરમાં સ્વ ઉપયોગી વિચાર આવે કે તરત તેને નોંધી લેવા.
‘નોટ ટાળે ખોટ, સૌએ રાખવી સૌની નોટ, બીજે ન દેવી દોટ, ખોટ ટાળવી ચડી ચોટ.’ આ વાત થોડીક જ છે પણ બહુ અમૂલ્ય અને કામની છે. આવી રીતે જે પોતાના માટે કથાસાર નોટ રાખશે એને હંમેશાં સવળી જ સમજણ મળ્યા કરશે, એની નેગેટિવિટી નાશ પામશે, પોઝિટિવિટી પ્રગટ થાશે અને એના બધા દોષો ટુંક કાળમાં ટળશે.
નિજ સારપ્ય નિજનોટમાં, લખવી નહિ જરાય;
ખુદની જ ખામી લખવી, જ્ઞાન સ્વનોટમાં ચાય.