મારા શ્યામ, તું જ મારું બધું

મારા શ્યામ, તું જ મારું બધું

પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;
જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે.

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘મારા શ્યામ’ કહીને બોલાવતી. આ વૃદ્ધા પાસે કોઈ સંપત્તિ કે દુનિયાદારી નહોતી, પરંતુ તેના હૃદયમાં પ્રેમનો એક એવો અમૂલ્ય ભંડાર હતો કે ખુદ શ્યામ પણ તેની ભક્તિથી બંધાઈ ગયા.

તેઓ સવારે ઊઠતાં વેંત જ ‘મારા શ્યામ’ કહીને મૂર્તિને ઉઠાડે અને રાત્રે સૂતી વખતે પણ કહીને સૂવે કે, ‘વાલા ! હવે તું પણ આરામ કરજે !’ અને પોતાના જીવનની દરેક નાની-મોટી વાત પોતાના પ્રભુ સાથે કરતા રહે; જાણે કે, સાચે જ તેમની સામે બેઠા હોય અને તેમની બધી વાતો સાંભળી રહ્યા હોય ! આમ, દિવસ-રાત પોતાના શ્યામની ભક્તિમાં લીન રહેતી.

એક દિવસ ગામમાં ખૂબ મોટો દુષ્કાળ પડ્યો. લોકો ભૂખ્યા મરવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રી પાસે પણ ખાવા માટે કંઈ નહોતું. તેણીનું મન ચિંતાતુર હતું, પણ તેને પોતાની નહિ, તેના શ્યામની ચિંતા હતી. તેણે શ્યામની મૂર્તિ સામે જોઈને કહ્યું, “મારા શ્યામ, તું તો જાણે છે કે મારી પાસે કંઈ નથી. આજે હું તને શું ખવડાવું ? મને પેટમાં ભૂખ લાગી છે, પણ તને ભૂખ્યા જોઈને મને વધુ દુઃખ થાય છે.”

તેણીએ આસપાસ નજર ફેરવી, પણ કંઈ મળ્યું નહીં. પછી તેણે જોયું કે તેના ઝૂંપડાના છાપરા પર એક કાગડો બેઠો હતો. તેણે તરત જ શ્યામને કહ્યું, “શ્યામ ! આજે તો મારા ઘરે કાગડાભાઈ મહેમાન થઈને આવ્યા છે. તેને પણ કંઈ ખવડાવવું જોઈએ ને ? હું ગરીબ છું, પણ અતિથિનો સત્કાર કરવો એ તો આપણો ધર્મ છે.” આમ કહીને વૃદ્ધાએ પાણીનો એક ગ્લાસ ભર્યો અને કાગડા સામે ધર્યો. કાગડો આશ્ચર્યથી તેને જોતો રહ્યો. કારણ કે તેણે આ પહેલાં આવો પ્રેમ ક્યારેય જોયો નહોતો. તે સમજી ગયો કે આ વૃદ્ધાની શ્રદ્ધા કેટલી મહાન છે. કાગડાએ પાણી પીધું અને આભારવશ થઈને ઊડી ગયો.

થોડા સમય બાદ તે જ કાગડો તેની ચાંચમાં એક કિંમતી હાર લઈને પાછો આવ્યો અને વૃદ્ધાના ઝૂંપડામાં મૂકી દીધો. વૃદ્ધા તો નવાઈ પામી ગઈ. તેણે શ્યામ સામે જોઈને કહ્યું, “અરે ! આ કાગડો તો ખરેખર મહેમાન બન્યો ! પણ આ હાર તો કિંમતી લાગે છે, આ તો કોઈ શ્રીમંત વ્યક્તિનો હશે. મારા શ્યામ, તું આવું કેમ કરતો હોઈશ ? મારા માટે ચોરી કરીને લાવ્યો ?”

તેણીએ તરત જ તે હાર લીધો અને ગામના સરપંચ પાસે જઈને બધી વાત કરી. સરપંચે તપાસ કરી તો ખબર પડી કે તે હાર રાજાની રાણીનો હતો; જે નદીમાં સ્નાન કરતી વખતે ખોવાઈ ગયો હતો. રાજા તે હાર પાછો મળવાથી ખૂબ ખુશ થયા અને વૃદ્ધાને ખૂબ મોટું ઇનામ આપવા માટે કહ્યું, પણ વૃદ્ધાએ ઇનામ લેવાની ના પાડી દીધી.

તેણીએ રાજાને કહ્યું, “રાજન્ ! મારે ઇનામની જરૂર નથી. મારો શ્યામ જ મારું બધું છે. તે જ્યારે ઇચ્છશે ત્યારે મને બધું આપશે.” રાજાએ વૃદ્ધાની ભક્તિ અને નિષ્કામ ભાવનાથી પ્રભાવિત થઈને આખા ગામ માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરાવી, જેથી કોઈ ભૂખ્યું ન રહે.

આમ, જ્યારે પ્રેમ શુદ્ધ હોય છે ત્યારે ભગવાન પોતે જ આપણી જરૂરિયાત પૂરી કરવા માટે કોઈપણ માધ્યમનો ઉપયોગ કરતા હોય છે. અને ભક્તિનો સાચો અર્થ એ છે કે આપણું મન, કર્મ અને વચન માત્ર એક ભગવાન અને ભગવાનના વાલાના સુખાર્થે જ હોય. અને આ ભક્તિની જ્યોતને જાળવી રાખવી; એ જ જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે.

પ્રભુ એ નથી જોતા કે તેં મારી માટે કેટલાં મોંઘાં સોના-માણેકનાં ઘરેણાં કરાવ્યાં છે..? પણ એ ચોક્કસ જુએ છે કે સોના-માણેક કરતાં હું તને કેટલો વધારે વ્હાલો છું..? આ વાતને ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સારી રીતે કહી છે...

સબ સોનાકે નગર બનાયા, પારસમણી કા મહોલ;
તુલસી હરિ કી ભક્તિ બિન, જમડા કરે ઘમરોલ...!

વહાલા ભક્તો ! મારા જીવનમાં પણ વહાલા મહારાજ અને સંતો-ભક્તો માટેની આવી ભક્તિ આવે એવી કૃપા કરશો.