માફી માંગવી - ફોર્માલિટિ કે રિયાલિટિ

માફી માંગવી - ફોર્માલિટિ કે રિયાલિટિ

માફી માંગવી-એનો અનુભવાત્મક અર્થ એટલે, આપણી કોઈ ભૂલ બદલ, જેમની પાસે ભૂલ થઈ હોય તેમની પાસે અથવા તો કોઈ મોટા પાસે પોતાની ભૂલનો દિલથી સ્વીકાર કરીને, એમના પગમાં ઢગલો થઈ જવું.

સામાન્ય રીતે આપણાં વર્તન, વાણી, વ્યવહાર, વગેરે બાબતે થતી ભૂલનો આપણને ખ્યાલ આવે, કે કોઈ આપણી ભૂલ બતાવે પછી એ ભૂલનો સ્વીકાર હોય કે ન હોય; આપણે ‘સોરી’ કહી માફી માંગતા હોઈએ છીએ. આ માફીમાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે;

  • ફોર્મલ (ઔપચારિક)
  • રિયલ (વાસ્તવિક)

માફી માંગવામાં આપણને આપણું અહમ્‌ નડે છે એ તો સર્વ વિદીત છે. પરંતુ વિચારતાં એમ જણાય છે કે:

  • થયેલ ભૂલને આપણે વાસ્તવમાં સામાન્ય ભૂલ માની લઈએે છીએ, અને ‘આવું તો બધાને જ થતું હોય છે. મારી થોડી પ્રગતિ થઈ એટલે હવે મને પાછો પાડવા માટે ગેમ ચાલુ થઈ છે...’ વગેરે વગેરે વિચારો આવતાં ભૂલના બચાવના પક્ષમાં જતા રહીએ છીએ.
  • કોઈ આપણને ભૂલ બતાવે ત્યારે, ‘ફલાણી કથામાં આવેલું તેમ, મને ભૂલનો ખ્યાલ તો આવી ગયો હતો. આવી ભૂલો પર મારું નિજદર્શન ચાલુ જ છે,’ એમ જ્ઞાનનો અવળો ગાળિયો સામાના ગળામાં નાંખતા હોઈએ છીએ.
  • આપણું આવું અજ્ઞાન જ આપણને પ્રકાશ તરફ જવા દેતું નથી. ભૂલ સમજાય તો સામે ચાલીને માફી માંગવાનો કોઈ પ્રયાસ થતો નથી.
  • પછી બહુ પ્રેશર આવે તો ફોર્માલિટિ કરીએ કે, ‘ચાલો, માફી માંગી લઈએ! સોરી કહી દઈએ! એટલે મોટા રાજી થશે!’ એમ ઉપકાર કરતા હોઈએ તેમ માફી માંગતા હોઈએ છીએે.

આપણે અમુક પ્રકારની ભૂલો માટે ગોષ્ઠી વગેરેમાં, મોટા પાસે બેસીને માર્ગદર્શન લીધું હોય છે. એના ઉપર કોઈ પગલાં ભરવાને બદલે, ફરી પાછા એ જ પ્રશ્નો સાથે બીજા વડીલ પાસે બેસીને ફરી માર્ગદર્શન મેળવીએ છીએ, અને મોટા આપણને ઉકેલ પણ બતાવેછે. એ પૂછતા હોતા નથી કે આ જ બાબતે તમે અગાઉ કોઈ ઉકેલ મેળવ્યો હતો કે નહીં ? જો બધા જ વડીલો, એક સોફ્ટવેરમાં ડેટા રાખતા હોય કે કોને, ક્યારે, કયા પ્રશ્ન માટે શું માર્ગદર્શન આપ્યું હતું ? તો આપણી લુચ્ચાઈ ખુલ્લી પડી જાય!

જ્યાં સુધી આપણી ભૂલનો અંતરથી ૧૦૦ ટકા સ્વીકાર થતો નથી, ત્યાં સુધી એ ભૂલની શેડ જીવ સુધી પહોંચતી નથી, અંતર હલબલી ઊઠતું નથી, ઊંઘ હરામ થઈ જતી નથી, નોકરી-ધંધા-સત્સંગમાં ચેન પડતું નથી, ખાવાનું ભાવતું નથી, આપણી જાત પ્રત્યે નફરત થતી નથી, દોષની હેરાનગતિ સમજાતી નથી, ‘આ ભૂલ મારો જન્મ બગાડશે- હું ક્યાંયનો નહિ રહું,’ એમ થતું નથી. આ ભૂલને કારણે મોટાએ અને મહારાજે પકડેલ મારો હાથ છૂટી જશે તો હું ક્યાં ભટકીશ ? એમ વિચાર આવતા નથી, મનમાં કોઈ દુ:ખ થતું નથી, રડી પડાતું નથી; આપણે જે માફી માંગીએ છીએ એ તો એક પ્રસ્થાપિત પ્રણાલી મુજબ, સામાને રાજી કરી દેવાના ભૂંડા ભાવથી થતો માત્ર શિષ્ટાચાર, એટલે કેફોર્માલિટિ જ છે.

સત્ત્વહીન, ભાવનાહીન, ઉપલક, બકાડી દેવા માટે, આત્મવંચના માટે ઔપચારિકતા થી મંગાતી માફી છે ! આ ફોર્માલિટિનો ભાર, એનું પાપ આપણામાં કોઈ સુધારો થવા દેતું નથી, અને એક જ પ્રકારની ભૂલ વારે વારે થાય છે. આપણે એમ સમજતા હોઈએ છીએ કે, ભૂલ પડે તો સારું, દીન રહેવાય, કોઈના પગમાં પડીએ, નમીએે તો અહમ છોલાય ! વાત સાચી છે, પરંતુ વિચારીએ કે આપણા જ બાળકને એક જ પ્રકારની ભૂલ માટે વારે વારે ટોકવો પડે અને એ દર વખતે સોરી કહે, તો આપણને શું સારું જ લાગ્યા કરશે ? આપણે એને ડફોળ નહિ સમજીએ ? એવી જ રીતે મોટા આપણને ડફોળ નહિ સમજે ?

આપણે કરેલી ભૂલ માટે આપણા અંતરની વેદના-પસ્તાવો, એ રિયાલિટિ જ હશે તો આપણા અને માફી આપનારના અંતરમાં એક જ ભગવાન બિરાજતા હોવાથી, માફી આપનારથી માત્ર માફ કરીને જ નહિ બેસી રહેવાય, એમનાથી આપણા માટે ભગવાનને પ્રાર્થના થઈ જશે અને આપણું સારું થશે જ.

તો વહાલા ભક્તો ! આવો આપણે સહુ અંતરના ઊંડાણથી દિલના પસ્તાવા સાથે આપણાથી થયેલી ભૂલો માટે માફી માંગીએ તો સાચા અર્થમાં આપણું જીવન સુધરે અને મોટાનો રાજીપો મેળવી શકીએ; આપણા માટે મોટાથી સહેજે ભગવાનને પ્રાર્થના પણ થઈ જાય, જેથી ભગવાનને ગમીએ અને તેમના ચરણોમાં સમર્પિત થઈ શકીએ એવા નિર્દોષ ભૂલકાં બનીએ….!!