
ગુણની ભેગું આવે છે, દિલમાં છૂપું માન;
તેને ઓળખી ટાળતા, જ્ઞાન મળે ભગવાન...૦૧
માન નડે છે સર્વને, સદા સર્વથા જ્ઞાન;
તેનાથી બહુ દુ:ખી છે, સહુ થાય છે હેરાન...૦૨
સંત મળે ભગવાન મળે, તોય ન ટળે માન;
સંત હરિને મૂકી દે, માન ન મૂકે જ્ઞાન...૦૩
માનથી સત્સંગ તજ્યો, તજ્યા પ્રગટ ભગવાન;
એટલા બીજા દોષથી, નથી તજી ગયા જ્ઞાન...૦૪
ખોટા ઠરાવ કરાવે, મનમાં પડેલ માન;
જ્ઞાન તેથી જ થાય છે, જ્યાં ત્યાં બહુ અપમાન...૦૫
માની હોય તે અવળું લે, ન લે સવળું જરાય;
જ્ઞાન તેથી જ્યાં ત્યાં તે, સદાય દુ:ખી થાય...૦૬
માની હોય તે ટકે નહિ, સત્સંગમાં સદાય;
જ્ઞાન વહેલો મોડો તે, સત્સંગ છોડી જાય...૦૭
માનીને મનાવે છે, દયાળુ હરિ ને સંત;
જ્ઞાન તોય તે માને નહિ, કરે મોક્ષનો અંત...૦૮
માટે માન મૂકીને, રહેવું અતિ નિર્માન;
જે જે માન રાખે છે, તેમાં નથી કંઈ જ્ઞાન...૦૯
જ્ઞાની એને જાણવો, રહે દાસનો દાસ;
એવા સંતો-ભક્તોમાં, જ્ઞાન થાય હરિ વાસ...૧૦