માતા-પિતાને બે બોલ...

માતા-પિતાને બે બોલ...

દરેક માતા-પિતા પોતાના સંતાનને વિનમ્ર, વિવેકશીલ, બુદ્ધિશાળી, સદાચારી, સાહસિક શૂરવીર, પ્રામાણિક, પરમાત્મા, સંતો-ભક્તો તથા વડીલો વિશે નિષ્ઠાવાન જોવા ઈચ્છે છે. સંતાનોને આવા બનાવવા નીચેના ત્રણ મુદ્દા સમજી વિચારી તેને પ્રેક્ટિકલ બનાવીશું તો બાળકોને સંસ્કારી બનાવવામાં ખૂબ સારું પરિણામ મળશે.

ઘરનું વાતાવરણ અને માતા-પિતાનાં વાણી વર્તન :-

બાળકની પ્રથમ પાઠશાળા તેનું ‘ઘર’, બીજીપાઠશાળા તેનો ‘મહોલ્લો’ અને ત્રીજી ‘સ્કૂલ’ છે. અને તેના પ્રથમ શિક્ષક તેનાં માતા-પિતા છે. કારણ કે, પોતાના માટે શું સારું અને શું ખરાબ તેની સૌ પ્રથમ સમજણ તો બાળકને માતા-પિતાના વાણી-વર્તનથી જ જાણવા મળે છે. માટે સંતાનો માટે શ્રેષ્ઠ આદર્શ પાત્ર પોતાનાં માતા-પિતા છે. વાલીનાં વાણી-વર્તન જેવાં હોય તે પ્રમાણેના વિચારો બાળકના મગજમાં આવે છે. વર્તન વગરની વાતોની બાળકોને કોઈ જ અસર થતી નથી, ઊલટાનો અભાવ આવે છે. યાદ રાખો, આપણા ઉપદેશની અસર ૧૦% અને વર્તનની અસર ૯૦% થતી હોય છે માટે આપણે જેવું વર્તન કરીશું તેવું જ બાળક શીખશે. આ માટે માતા-પિતાને નીચે પ્રમાણે સાવધાની રાખવી જોઈએ.

મોટે ભાગે માતા-પિતા પોતાના બાળકને સંસ્કાર આપવામાં આવી ભૂલો કરતા હોય છે. આપણે તો આમાંની કોઈ ભૂલ નથી કરતા ને

  1. વાલીઓ એવું માને છે કે, ‘બાળક નાનું છે. તેને આમાં શું ખબર પડે ? એ તો રમે છે, સૂતું છે, તેનું ધ્યાન બીજે છે.’ પરંતુ એ આપણી બહુ મોટી ગેરસમજ છે. કારણ કે, તેનું માઈન્ડ વિડીયોની જેમ સતત રેકોર્ડિંગ કર્યા જ કરતું હોય છે.
  2. ઘરમાં પતિ-પત્ની વચ્ચે, સાસુ-વહુ કે અન્ય સભ્યો વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અવાર-નવાર જાહેરમાં જ બાળકની હાજરીમાં વાદ-વિવાદ અને ઝઘડાઓ કર્યા કરે છે.
  3. વાલીઓ બાળકોની હાજરીમાં કુટુંબના કે સંપ્રદાયના કજિયા-કંકાસની વાતો કરે, સંતો-ભક્તોની નિંદા કરે.
  4. માતા-પિતા પોતે ઘરમાં, વ્યવહારમાં કે સત્સંગમાં પણ ખોટું બોલતા હોય છે કે ખોટું કામ કરતા હોય છે.
  5.  માતા-પિતા બાળકને જ ઉપદેશ આપ્યા કરે, પણ પોતે પોતાનું વર્તન સુધારે નહીં.
  6. માતાની કોઈ પણ વાત બાળક ન માને ત્યારે તેને ધમકી આપે કે, ‘તારા પપ્પાને કહેવા દે, પછી તને ભાન પડશે.’ અથવા તો એમ કહે કે, ‘હવે તારા સંચાલક કે સંતોને તારી ફરિયાદ પહોંચાડું છું. પછી જોજે, તે તારો બરાબરનો વારો પાડશે.’
  7. અમુક માતા-પિતાની નોકરી કે ધંધો એવો હોય છે કે, ત્યાંના જેવો જ સ્વભાવ-વાણી-વર્તન ઘરે પણ રહે છે.

આ બધી ભૂલોને કારણે બાળકમાં સંસ્કાર આવવાને બદલે કુસંસ્કાર આવી જતા હોય છે. આ ભૂલોમાંથી કેમ બચાય તેના થોડા ઉપાયો જોઈએ.

  1. માતા-પિતા રોજ ઘરમાં ભજન-કીર્તન કરતા હોય, નિયમિત સાવધાનીપૂર્વક કથા સાંભળતા હોય, માનસીપૂજા કરતા હોય, ભગવાન તથા સંતો-હરિભક્તોના મહિમાની વાતો કરતા હોય, તો તેવા સંસ્કાર નાનપણથી જ સંતાનોનાં મન પર પડે છે. અને બાળકો પૂજ્ય ગુરુજી-સંતોને ગમે તેવાં સંસ્કારી બને છે.
  2. સંતાનને જ્યારે માતા-પિતા પ્રત્યે ભાવ અને લાગણીનો પ્રવાહ હોય તેવા યોગ્ય સમયે સાચી સમજણ આપે તો તેની ખૂબ સારી અસર થાય છે. આ સમયે બીજા બાળકને સંતો રાજીપો આપતા હોય તેવા વિડીયો બતાવી પ્રેરણા લેવાનું શીખવવું જોઈએ.
  3. જ્યારે બાળકને તેની મનગમતી કોઈ વસ્તુ લઈ આપીએ ત્યારે તેણે ભગવાન, સંતો-ભક્તોને રાજી કર્યા છે માટે તને લઈ આપી છે, એવી યાદી આપવાથી પણ બાળક સારા સંસ્કાર કેળવતાં શીખે છે. ક્યારેક ક્યારેક આપણી કોઈ વસ્તુ-પદાર્થતેના સંચાલક કે સંતો દ્વારા અપાવી શકાય.
  4. માતા-પિતાએ પોતાના દીકરા કે દીકરીને અન્યાય ન થઈ જાય તેમ સદા તટસ્થ રહેવું જોઈએ. યોગ્ય હોય તેટલાં પ્રેમ, હંફ, બળ, ઠપકો  દરેકને આપતા રહેવું જોઈએ.
  5. બાળકોની સામે વધુ પડતા ફોનનો ખોટો ઉપયોગ ન કરવો. જેથી બાળકને ફોનની કુટેવથી બચાવી શકાય.
  6. બાળકોને સારા સંસ્કાર આપવાનો સર્વોત્તમ ઉપાય એટલે “ઘરસભા”.
  7. ઘણા વાલીઓ સત્સંગના પ્રોગ્રામમાં જાય ત્યારે બાળકનું ભણતર બગડવાના ભયે તેને ભણવા માટે ઘરે એકલો મૂકીને જાય છે. પરંતુ ઘણી વાર બાળક ઘરમાં એકલું હોવાથી તેનું મન ટી.વી., વિડીયોગેમ કે ઈન્ટરનેટની માયાજાળમાં લલચાઈ જાય છે. અને તેના સંગે દુનિયાભરનો કચરો તેનામાં આવી જાય છે. આથી ભલે પોતાનાં સંતાન ઉચ્ચ ધોરણમાં અભ્યાસ કરતાં હોય તો પણ તેમને યુવા-યુવતી સભામાં જરૂર મોકલવાં.

સંતાનોને સંતો-ભક્તો સાથે જોડાણ કરાવી દેવું :-

કુમળો છોડ તથા કોરી પાટીની જેમ બાળકની એક વિશેષતા છે કે તેને જેમ વાળો તેમ વળી શકે અને તેના માનસમાં જે સિંચવું હોય તે થઈ શકે છે. માટે જો બાળકોને નાનપણથી જ સંતો–ભક્તો સાથે જોડાણ કરાવી દઈએ તો તેમનામાં સારા સંસ્કાર આવે. આ માટે...

  1. સંતાનોને અભ્યાસની સાથે જ સંગીત, ગાયન, કોમ્પ્યુટર, વિડીયો શુટિંગ વગેરે જેવી કોઈ પ્રવૃત્તિ શીખવાડી સત્સંગની સેવામાં તેનો સદ્ઉપયોગ કરીએ તો સહેજે તેઓ સત્સંગમાં જોડાયેલા રહે.
  2.  જ્યારે બાળકોને લઈને ઉત્સવ કે સમૈયામાં જઈએ અથવા સંતો આપણે ગામ આવ્યા હોય ત્યારે બાળકને અચૂક સંતોનો કોન્ટેક્ટ કરાવવો.
  3.  બાળકોના બર્થ ડે જેવા દિવસે વડીલો તથા સંતોનો રૂબરૂ કે ફોનથી કોન્ટેક્ટ કરાવવો અને આશીર્વાદ લેવરાવવા.
  4. બાળકના સારા મિત્રો, વડીલ સજ્જનો કે સત્સંગી ભક્તોને ઘરે બોલાવી તેનો બર્થ ડે ઉજવી શકાય.
  5. રજાના દિવસોમાં સંતોની સંમતિ લઈને બાળકોને સંતો સાથે સેવા સત્સંગ કરવા મોકલવા. અને ત્યાં જઈને તે સંતો-ભક્તો નારાજ થાય એવું કાંઈ ન કરી બેસે તેવી કેળવણી ઘરે હોય ત્યાં જ આપી દેવી.
  6. સંતાનને નિયમિત બાળસભામાં મોકલવા. આ માટે તેના સંચાલકો અને બીજાં બાળકો સાથે હેત કરાવવું.
  7. આપણા ઈષ્ટદેવ, ગુરુજનો અને સંતો-ભક્તોએ આપણી પર જે કૃપા કરી હોય તે પ્રસંગોપાત જણાવી બાળકોને તેમનો મહિમા દૃઢ કરાવતા રહેવું. સંતાનને નાનપણથી જ એ સમજણ આપતા રહેવું કે આપણા સાચા હિતેચ્છુ ભગવાન તથા સંતો-ભક્તો જ છે.
  8. કદાચ સંતાનના મગજમાં ક્યાંકથી સંત-ભક્તની નેગેટિવ વાત આવે તો વાલીઓએ બાળકને પોઝીટીવ દૃષ્ટિ બતાવી તેની આ નેગેટિવિટી દૂર કરવી.

સંતાનોના સંગ બાબતે કેવી જાગૃતતા રાખવી :-

બાળકોને સત્સંગ કે કુસંગ લાગવાનું મુખ્ય કારણ ‘સંગ’ જ છે. તેથી જો માતા-પિતા આ બાબતે થોડા સજાગ રહે તો પોતાના બાળકનું જીવન બગડતું અટકી શકે છે.

  1. માતા-પિતાને જ પોતાનાં સંતાનોના મિત્રો કેવા હોવા જોઈએ તે અંગેની જાગૃતતા હોવી જોઈએ. પોતાનાં સંતાનોના મિત્રો કોણ છે તેની તપાસ રાખવી. નાનપણથી જ પોતાનાં સંતાનોને સંસ્કારી મિત્રોનો સંગ કરાવવો. પોતાનાં બાળકોને કુસંસ્કારીને ભરોસે મૂકવાનું ટાળવું જોઈએ.
  2. વાલીઓએ સંતાનની જરૂરિયાત અને મોજ-શોખ વચ્ચેનો ભેદ પારખી તે જરૂરિયાતો ક્યારે, કેટલી અને કેવી રીતે સંતોષાવી જોઈએ તે અંગે જાગૃતતા કેળવવી જોઈએ.
  3. માતા-પિતાએ બાળકોના સંસ્કારોના જતન માટે બળજબરી ન કરતા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવી જોઈએ. આ માટે સંતાનોની શ્રેષ્ઠ કેળવણીની આધુનિક કરામત એટલે પૂ. દયાળુ સ્વામીએ કરુણા કરીને આપણને આપેલ “LUP પ્રોજેક્ટ”.
    • L = Love = પ્રેમ
    • U = Understanding = સમજણ
    • P = Punishment = દંડ-સજા-ઠપકો

જો LUP પ્રોજેક્ટ મુજબ પ્રેમ, સમજણ અને દંડ એ ત્રણેયનો સમન્વય કરી સંતાનોનું ઘડતર કરવામાં આવે તો તેનું સર્વશ્રેષ્ઠ ઘડતર થઈ શકે છે.