
વહાલા ભક્તો ! સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન પ્રસ્થાપિત આ સત્સંગ ખરેખર દિવ્ય છે. આ તો મુક્તોનો મેળાવડો છે. સદ્.શ્રીઆધારાનંદ સ્વામીએ શ્રીહરિચરિત્રામૃતસાગર મહાગ્રંથમાં સત્સંગની દિવ્યતાની ખૂબ વાતો લખેલી છે. સાંપ્રત સમયમાં પણ કથા-વાર્તામાં સંતો અને મોટાપુરુષો સત્સંગની દિવ્યતાની વાતો અવાર-નવાર કહેતા હોય છે. અરે ! આપણે તો આ વાતને તાજી રાખવા માટે રોજે સવારની કથાના અંતે સાગરની આ ચોપાઈ જોરશોરથી ગાઈએ છીએ કે,
सत्संग में अब आये हे जेते, संत हरिजन बाईयों तेते।
सब हे मुक्त अनादि एही, सो भाव अब भूल गये तेही।।
વહાલા ભક્તો ! આ વાત ૧૦૦% સાચી છે. પરંતુ, આપણે એ મહિમાને સતત ધારી શકતા નથી, તેથી મહાદુર્લભ આ સત્સંગનો લાભ મળ્યો હોવા છતાં તેને યથાર્થ રૂપમાં સમજી શકતા નથી. મહારાજના વહાલા પ્રગટ મુક્તો આપણી સાથે જ રહેતા હોવા છતાં આપણે તેમનો પૂરો લાભ લઈ શકતા નથી, તેમને સેવી શકતા નથી કે તેમને રાજી કરીને પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતા નથી.
જ્યાં સુધી સંતો-ભક્તો સાથે અમુક લેવલના ડિસ્ટન્સથી રહેવાનું હોય, ત્યાં સુધી તો હજુ તેમના પ્રત્યે મહિમા-દિવ્યતા ધારી શકાય છે. પરંતુ, જ્યારે તેમની સાથે વધારે પ્રસંગો પડે, ત્યારે તે મહિમા રાખવો કે ટકાવવો અઘરો થઈ પડતો હોય છે. કારણ કે, આપણે સત્સંગની દિવ્યતા-મહિમાને યથાર્થરૂપમાં અખંડ ધારી શકતા નથી, સ્વીકારી શકતા નથી. એમાં પણ જ્યારે વ્યક્તિગત રીતે આપણા દેહાભિમાન, અહંકાર, સ્વાર્થ, અપેક્ષાઓ વગેરેને ઘસારો લાગે, ત્યારે તો તેમાં જે કોઈ સંતો-ભક્તો નિમિત્તભૂત બન્યા હોય, તેમનો મહિમા રાખવો કે તેમને મુક્ત સ્વીકારવા દુર્લભ થઈ પડે છે.
અરે ! મહિમા ને મુક્તભાવ રાખવાની વાત તો એકબાજુએ રહી; ઘણીવાર તો તેમની સાથે અભાવ, અવગુણ, ઈર્ષ્યા થવા લાગે છે. અને જો તે સંતો-ભક્તોની સાથે વધુ પ્રસંગો પાડવાના થાય અથવા કદાચ તે ભક્ત નજીકના સંબંધી હોવાથી તેમની સાથે વધારે પ્રસંગો પડતા, અભાવ-અવગુણની માત્રા વધી જવાથી તેમની સાથે આંટી પણ પડી જાય છે અને દ્રોહના માર્ગે પણ ચડી જવાય છે. પછી તેમની માફી માગી ફરી મહિમા- દિવ્યભાવ ધારવો, એ ખૂબ કઠણ થઈ પડે છે.
ચાલો, તે ઉપર એક પ્રસંગ જાેઈએ :- ગામ રોજકામાં એક ગગાભાઈ ભટ્ટ કરીને પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેમને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના હતી અને તેઓ શ્રીહરિનું સતત સ્મરણ-ભજન કરતા હતા. તેમના દીકરા શિવશંકરનાં પત્ની પણ શ્રીહરિનાં આશ્રિત ભક્ત હતાં અને શ્રીહરિનું ઉપાસન-ભજન કરતાં હતાં. પરંતુ એક પરિવારમાં સાથે રહેતા કાંઈક નાના-મોટા પ્રસંગોને કારણે તેને પોતાના સસરા ગગાભાઈ ભટ્ટ સાથે અભાવ-અવગુણની આંટી બંધાઈ ગઈ હતી. પછી જ્યારે તે શિવશંકરની પત્નીનો અંતકાળ આવ્યો, ત્યારે અક્ષરધામમાંથી સંતો તેને તેડવા માટે આવ્યા ને તે બાઈને પણ સંતોનાં દર્શન થયાં.
પછી સંતોએ તેને કહ્યું કે, “ચાલો, અમે તમને તેડવા આવ્યા છીએ.” ત્યારે તે બાઈ કહે, “જો તમે મને અક્ષરધામમાં શ્રીહરિની પાસે તેડી જાઓ, તો હું તમારી સાથે આવું, નહીંતર ન આવું.” ત્યારે સંતો કહે, “સારું , અમે શ્રીજીમહારાજને પૂછી આવીએ.” પછી સંતોએ મહારાજ પાસે જઈને કહ્યું જે, “બાઈ તો કહે છે જે, મને તો અક્ષરધામમાં તેડી જાઓ તો હું આવું.” ત્યારે મહારાજ કહે, “એણે સાધુને દળીને લોટ દીધા છે તથા પાણી ભરીને પાયાં છે, ઈત્યાદિક અક્ષરધામમાં આવે એવી એણે ઘણી સેવા કરી છે; પણ એના સસરા જે ગગા ભટ્ટ, તેનો દ્રોહ કર્યો છે; તેથી અમે તેને અક્ષરધામમાં આવવા દઈશું નહીં. પરંતુ જો તે તેના સસરાની માફી માંગે અને તેને રાજી કરે, તો પછી સુખેથી આવે.” પછી સાધુએ બાઈને મહારાજના સમાચાર કહી સંભળાવ્યા. પછી તે બાઈએ ગગા ભટ્ટની આગળ રડી કરગરી પ્રાર્થના કરીને રાજી કર્યા; ને પછી અક્ષરધામમાં ગયાં.
વહાલા ભક્તો ! આ ચરિત્ર આપણને ઘણું શીખવાડી જાય છે. આપણે આ સત્સંગમાં ખૂબ સેવા, ભજન, તપ, જપ, ભક્તિ વગેરે કર્યું હશે; પરંતુ જો કોઈનો દ્રોહ કર્યો હશે અને તેમની માફી માંગીને રાજી નહિ કર્યા હોય, તો આપણે પણ આવું થઈ શકે ખરું ...!! ખરેખર તો આ આખો સત્સંગ દિવ્ય છે. આ સહુ શ્રીહરિજી મહારાજના વહાલા સંતો-ભક્તો છે અને શ્રીહરિના હોવાથી સર્વે મુક્ત છે. પરંતુ આપણું દેહાભિમાન, અહંકાર, ઈર્ષ્યા, અપેક્ષાઓ આદિ આપણને તેમને વિશે મુક્તભાવ થવા દેતા નથી કે ટકવા દેતા નથી. જો શ્રીહરિને પામવું જ હોય તો આપણા માન-અહંને દબાવીને, પ્રગટ સંતો-ભક્તોનો સ્વીકાર કરીને, તેમને રાજી કર્યા વિના છૂટકો જ નથી. એમાં પણ વહાલા મહારાજ અને ગુરુજીને જે ભક્ત દાસાનુદાસ થઈને રહે તે બહુ જ ગમે છે. માટે આપણામાં જો આવી કાંઈક ખામી હોય તો આપણી ખોટ-ખામી ઓળખીને, વહેલી તકે સુધારો કરી લેવો જોઈએ.
હે પરમ કૃપાળુ શ્રીહરિજી મહારાજ ! આપની અને આપના વહાલા સંતો-ભક્તોની આજ્ઞા-મરજી મુજબ અમે આ પ્રગટ સંતો-ભક્તોને મહાન, દિવ્ય કે મુક્ત સ્વીકારવાનો પ્રયત્ન તો કરીએ છીએ. પરંતુ, ઘણીવાર અમારા માનાદિ દોષો અમને માથું જ ઊંચકવા દેતા નથી. માટે આપ જ કૃપા કરી આપના સંબંધમાં આવેલ હરકોઈને વિશે મહિમા-દિવ્યભાવની દૃઢતા કરાવશો અને તેમનો રાજીપો મળે એવા પાત્ર કરશોજી; એજ અભ્યર્થના...||