
વહાલા ભક્તો ! આપણે જે લોકમાં રહીએ છીએ, ત્યાં અવાર-નવાર કાંઈક ને કાંઈક એવું બનતું હોય છે, જે આપણા અંત:કરણને વિચલિત કરીને દુ:ખી કરી મૂકતું હોય છે. ચારે તરફથી સાનુકૂળતા અને સુખાકારી હોય, એવામાં અચાનક એવું કાંઈક બની જાય, એવા કાંઈક સમાચાર આવે અથવા એવા કાંઈક વિચારો આવે, જે આપણા તમામ સુખને દુ:ખમાં ફેરવી નાખે. એક જ ક્ષણમાં આપણો તમામ આનંદ ગાયબ થઈ જાય અને આપણે દુ:ખ, ઉદ્વેગ, અશાંતિ, ચિંતા, હતાશા આદિની ગર્તામાં સરી પડીએ.
આ તમામ મુશ્કેલીઓથી ઉપર ઉઠવાનો એક અજોડ ઉપાય છે - ‘મહારાજ છે ને..!!’ હમણાં છેલ્લા થોડાક સમયથી વહાલા ગુરુજી પોતાની કથામાં આ વાક્ય અવાર-નવાર દોહરાવતા રહ્યા છે.
આ લોકમાં એવું પણ બની શકે કે, આપણા નજીકના સંબંધીઓ જ આપણને છોડી દે અને આપણે નોંધારા થઈ જઈએ. આપણને એવું થવા લાગે કે, હવે મારું કોણ ? તેવા કપરા સંજોગોમાં પણ ‘મહારાજ છે ને..!!’
ક્યારેક ધંધામાં અણધારી ખોટ આવી પડે અને આપણા અંતરમાં મોટું પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જાય કે, હવે શું કરીશ ? ત્યારે પણ ‘મહારાજ છે ને..!!’
એવા કપરા સમયમાં વળી કોઈ એવી બિમારી આવી પડે કે, આપણે હાલવાં-ચાલવાં માટે પણ અસમર્થ થઈ જઈએ અને દરેક બાબતમાં મુશ્કેલીઓ જ અનુભવાયા કરે કે, હવે આનો અંત ક્યારે આવશે ? ત્યારે પણ ‘મહારાજ છે ને..!!’
ક્યારેક કોઈ ચોર-લૂંટારા તરફથી કે અનિષ્ટ તત્ત્વો તરફથી અણધારી આપત્તિ આવી પડે અને આપણે ભયમાં સરી પડીએ કે, હવે શું થશે ? ત્યારે પણ ‘મહારાજ છે ને..!!’
આમ, નાનાં-મોટાં તમામ પ્રકારનાં દુ:ખ, ચિંતા, ભય, હતાશા, નિરાશા આદિ તમામ સંજોગોમાં કદાચ ભલે આપણે બહારના સંજોગો બદલી ન શકીએ; પરંતુ, જો અંતરમાં મહારાજનો દૃઢ વિશ્વાસ રાખીએ કે, ‘મહારાજ છે ને..!!’ તો તે તમામ પરિસ્થિતિઓમાં પણ આપણે નચિંત, નિર્ભય ને સ્વસ્થ રહી શકીએ.મહારાજનો ભરોસો જરૂર આપણને આમાંથી ઉગારશે.
વહાલા મહારાજ આપણું હરપળ ધ્યાન રાખી જ રહ્યા છે. તેઓ સતત આપણી સાથે જ છે અને પરમ કરુણા કરીને આપણને સુખી કરવા માટે સદા દાખડો કર્યા જ કરે છે. આવા મોટા મહારાજ આપણી સાથે હોય તો હવે દુ:ખી થવાની કે ચિંતા કરવાની શું જરૂર છે ?
જો આપણે વહાલા મહારાજને સતત આપણી સાથે જ માનીએ, તેમની સાથે દિલથી વાતો કર્યા કરીએ અને તેમને પ્રગટ માની બધું જ તેમને સોંપી શકીએ, તો મહાસમર્થ એવા મહારાજને ભરોસે આપણે હર હાલમાં ખુશ રહી શકીએ.
પરંતુ, હજુ મહારાજના એવા દૃઢ વિશ્વાસમાં કચાશ તથા આશરામાં ખામી છે; તેમજ, ભગવાનના આશ્રિત શરણાગત થઈને બધી જવાબદારી તેમને
સોંપી શકતા નથી, તેથી જ નાના-નાના પ્રસંગો પણ આપણને ભય-ચિંતામાં મૂકી દે છે.
વહાલા વહાલા ગુરુજીએ રચેલ આ કીર્તનના શબ્દોને આપણે આત્મસાત
કરીએ, તો હર હાલમાં ખુશ રહેવું સહજ બની જાય.
તું છો મારો પતિ, હું તારી છું સંપત્તિ,
સંપત્તિની ચિંતા સદા કરે એનો નાથ...ટેક.
મારો ધણી તો તું સદા ખરો,
મેં તો કર્યો છે તારો આશરો
હું તો નથી રે અનાથ, તમે સદા મારા નાથ,
તમે ઝાલ્યો મારો હાથ...તું છો ૦૧
હું તો શા માટે કરું હરિ ચિંતા,
તમે સમરથ છો મારા પિતા,
હું તો તારો નાનો બાળ, તું છો મારો રખવાળ,
મહાકાળનો છો કાળ...તું છો ૦૨
સંપત્તિ કરે નહીં ચિંતા કાંઈ,
રહે મિલકત માલિક મન માંઈ,
વસ્તુ જેની જેહ હોય, તેની ચિંતા તેને હોય,
જ્ઞાનને શું હાય હોય...તું છો ૦૩
વહાલા ભક્તો ! આ કીર્તનના શબ્દો પ્રમાણે પ્રાણપ્યારા વહાલા મહારાજ આપણા ધણી છે, આપણે તો તેમના આશ્રિત-શરણાગત જીવ છીએ. આપણે એકવાર તેમને સોંપાયા પછી તેઓ આપણી બધી જ જવાબદારી પોતાને શીરે લઈ લે છે અને આપણું સર્વપ્રકારે હિત જ કરે છે હા, એવું બની શકે કે, તેઓ આપણા ગમતા પ્રમાણે, આપણે ઇચ્છીએ ત્યારે કે આપણે ધારેલી રીતે આપણું ભલું ન કરે અને તેમને જેમાં ખરેખર આપણું હિત લાગતું હોય તેમ, ત્યારે ને તે રીતે આપણું હિત કરે. પરંતુ જો, આ વાતને આપણે દૃઢપણે સમજી-સ્વીકારી રાખીએ,
મહારાજના પરમ વિશ્વાસે તેમના શરણાગત થઈ બધી ચિંતાનો ભાર તેમને જ સોંપી રાખીએ અને તેમની આજ્ઞામાં ખબરદાર રહીએ, તો હર હાલમાં સમર્થ ધણીના આશરે આનંદ આનંદ જ રહે.
હે વહાલા મહારાજ ! આપ જ સર્વકર્તા ને સર્વ સમર્થ છો અને આપ સદૈવ મારુ હિત જ કરો છો; પરંતુ, હું હજુ મારી માયિક મતિના કે અન્ય લૌકિક આધારોને આશરે જીવું છું, હું એકમાત્ર આપના જ આધારે-વિશ્વાસે રહી શકતો નથી. તેથી જ નાના-મોટા પ્રસંગે હર્ષ-શોકના પ્રવાહમાં તણાયા કરું છું અને દુ:ખી થાઉં છું. આપ જ કરુણા કરી આપ સિવાયના તમામ આધારો છોડાવી મને એકમાત્ર આપનો જ વિશ્વાસ-આશરો અતિ દૃઢ કરાવશો...