મહામંત્રના રટણમાં સંતકૃપા ભળે તો અશક્યનું શક્ય થાય !!

મહામંત્રના રટણમાં સંતકૃપા ભળે તો અશક્યનું શક્ય થાય !!

વહાલા ભક્તો ! અહોનિશ - અહર એટલે દિવસ, નિશા એટલે રાત. રાત્રિ-દિવસ નામરટણ કરવાની ટેવ પાડવી. અર્થાત્ સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ! હે હરિ ! હે વહાલા ! હે નાથ ! હે દયાળુ !... એમ અખંડ સ્મરણની ટેવ પાડવી; તેમાં પણ જો ‘સ્વામિનારાયણ’ મહામંત્ર ભેળી કોઈ મોટા પુરુષની કૃપા ભળી જાય તો ગમે એવું અઘરું કે અશક્ય કામ હોય એ પણ થઈ જાય. એના ઉપર એક અદ્ભુત વાત છે.

કાલસારી ગામમાં એક કાળાબાપા નામે બહુ સારા ભક્તરાજ હતા. તેઓ પંચાળાના મકનજી ઠક્કરના વંશજ હતા અને કાલસારીમાં રહેવા ગયા હતા. એમને નાની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. વળી, સદ્ગુરુ બાલમુકુંદ સ્વામીના તેઓ અનન્ય શિષ્ય હતા.

કાળાબાપાને કાનજીભાઈ નામનો એક દીકરો થયો. એ પણ મોટા સંતોના કૃપાપાત્ર એકાંતિક ભક્તરાજ હતા. આ કાનજીબાપાને ત્યાં વિ.સં.૧૯૭૬માં પ્રભુદાસ નામે એક દીકરાનો જન્મ થયો. આ પ્રભુદાસની સાત-આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે તેમને ન્યુમોનિયા નામનો રોગ થઈ ગયો અને બેભાન થઈ ગયા. બધા જ પ્રયત્નો કર્યા પણ ભાનમાં આવે જ નહીં. ભક્તરાજ કાળાબાપા અને કાનજીભાઈ ખૂબ ચિંતામાં પડી ગયા. તે વખતે કાનજીભાઈના સાળા અર્થાત્ પ્રભુદાસના મામા જૈન ધર્મમાં મહારાજ સાહેબ હતા અને ખૂબ જ પ્રતાપી હતા. એમને આ વાતની ખબર પડી, એટલે એમણે કાળાબાપાને કહેવડાવ્યું કે, ‘તમે કહો તો હું પ્રભુદાસને સાજો કરી દઉં.’

કાળાબાપા અને એમના દીકરા કાનજીભાઈએ વિચાર કર્યો કે, ‘આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણાથી બીજા કોઈની પાસે સારું કેમ કરાવાય ?’ આ બંને સ્વામિનારાયણ ભગવાનના નિષ્ઠાવાન, પતિવ્રતાની ટેકવાળા દૃઢ આશ્રિત હતા. એમણે નિર્ણય કરીને વિવેકપૂર્વક કહેવડાવ્યું, ‘તમારી ભાવના સારી છે, પરંતુ અમે તો ભગવાન સ્વામિનારાયણની ઇચ્છા ઉપર બધું છોડ્યું છે. અમે સ્વામિનારાયણ ભગવાનને માત્ર કર્તા જ નહિ, હિતકર્તા પણ માનીએ છીએ. એમની ઇચ્છા હશે તો પ્રભુદાસને સારું થશે અને ઇચ્છા નહિ હોય તો ધામમાં તેડી જશે.’

આ બાજુ દિવસે અને દિવસે પ્રભુદાસની તબિયત બગડતી ગઈ. તેઓ વીસ-પચીસ દિવસથી કોમામાં હતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદદાસજી સ્વામી અને એમના શિષ્ય નારાયણદાસજી સ્વામી જૂનાગઢના બહુ મહાન સાધુ હતા. એ કુટુંબે આ સંતને બહુ રાજી કરેલા. કાળાબાપાના મનમાં એમ થયું કે, ‘હવે તો સદ્ગુરુ નારાયણદાસજી સ્વામીના આશીર્વાદ મળે તો જ પ્રભુદાસ બેઠા થાય. આપણે હવે સ્વામીના શરણે જઈએ.’

પછી કાળાબાપા અને વેળાવદરના ઘીવાળા જાદવજી શેઠે સ્વામીને વિનંતી કરી અને કાલસારી તેડાવ્યા. સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી પ્રભુદાસને દર્શન દેવા પધાર્યા. સ્વામીએ પ્રભુદાસના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, “કાળાબાપા ચિંતા કરશો નહિ. મહારાજ પ્રભુદાસને સારું કરશે.”

બીજે દિવસે સવારમાં પૂજા-પાઠ કરી પ્રસાદીનું પાણી સાથે લઈ સ્વામી કાળાબાપાને ઘરે પ્રભુદાસ પાસે પધાર્યા. સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતાં કરતાં પાણીની અંજલિ છાંટતાં સ્વામી બોલ્યા, ‘અલ્યા પ્રભુ ! બેઠો થા.’ પરંતુ પ્રભુદાસ ઉપર સ્વામીના વચનની કોઈ અસર થઈ નહીં.

બીજે દિવસે પણ સ્વામી ઠાકોરજીની પ્રસાદીનું જળ લઈ પ્રભુદાસ પાસે આવ્યા અને સ્વામિનારાયણ...સ્વામિનારાયણ રટણ કરતાં જળ છાંટ્યું અને કહ્યું, ‘પ્રભુદાસ બેઠો થા બાપ ! બેઠો થા.’ પણ, પ્રભુદાસની સ્થિતિમાં કોઈ પરિવર્તન થયું નહીં.

ત્રીજા દિવસે સ્વામીએ મંદિરમાં સિંહાસન સામે ભગવાનની આંખમાં આંખ પરોવી એક પગે ઊભા રહી માળા ફેરવવા માંડી. માળા ફેરવતાં ફેરવતાં અત્યંત ગદ્ગદ કંઠે મહારાજને પ્રાર્થના કરવા માંડી કે, ‘હે મહારાજ ! તમારે ભરોસે પ્રભુદાસને સાજા કરવાનું કાર્ય કરી રહ્યો છું. હવે મારી લાજ તમારા હાથમાં છે. હે મહારાજ ! તમને જો યોગ્ય લાગે તો મારી આવરદા પ્રભુદાસને આપી દ્યો, પણ પ્રભુદાસને બેઠો કરો.’ આ પોકાર સાંભળીને મહારાજ હલબલી ગયા.

પછી તો પ્રસાદીનું જળ લઈ સ્વામી ત્રીજી વાર પ્રભુદાસ પાસે આવ્યા. પ્રભુદાસના શરીર ઉપર જળ છાંટ્યું. પ્રભુદાસના કાનમાં ‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ’ મંત્ર બોલીને કહ્યું, ‘પ્રભુદાસ હવે બેઠો થા.’ એ જ વખતે સૌના આશ્ચર્ય વચ્ચે પ્રભુદાસ આળસ મરડીને બેઠા થયા ! બેઠા થઈને સ્વામીને વંદન કરી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા.

પછી એણે કહ્યું, ‘બાપા મને ભૂખ લાગી છે. મારે પૂરણપોળી ખાવી છે.’ પ્રભુદાસને આમ સાજો થઈ પૂરણપોળી ખાવા માંગતો જોઈ સર્વના અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. સ્વામીની પ્રાર્થના મહારાજે સાંભળી અને પ્રભુદાસને મોતના મુખમાંથી ઉગાર્યા.

આ વાત ઉપરથી ફલિત થાય છે કે, આ કુટુંબે આ સાધુને કેવા રાજી કરેલા હશે ! કેવા વશ કરેલા હશે ! એમના એક સાત-આઠ વર્ષના છોકરાને માટે આવા મોટા સાધુ આયુષ્ય આપવા તૈયાર થઈ જાય ! આવું કોઈથી થાય નહિ. સંત જેવા તેવા રાજી હોય તો આટલું બધું કાંઈ કરે નહીં. સ્વામીને બહુ જ રાજી કર્યા હશે, એવું સ્વામીની પ્રાર્થના અને છેલ્લા પોકાર પરથી જણાય છે. આ સાધુને એ પ્રભુદાસને જીવાડ્યાનો શું સ્વાર્થ ? શા માટે આટલી મહેનત કરે છે ?... એ તો કેવળ કરુણા છે.

આ તો દયા મોટા સંતની રે,
ભેળી કૃપા થઈ ભગવંતની રે;
એથી પ્રભુદાસ સાજો થયો રે,
એનો રોગ સર્વે જતો રહ્યો રે.
વળી સ્વામિનારાયણ નામ રે,
તેથી થયાં છે જીવનાં કામ રે;
માટે જપો સહુ હરિનું નામ રે,
રાજી થઈને આઠો જામ રે.

અહીં આપણે ત્રણ વાત સમજવાની છે : (૧) મોટા સંતની પ્રાર્થના, (૨) સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને (૩) સ્વામિનારાયણ મહામંત્રની તાકાત; આ ત્રણેય બાબત આપણે મેળવવી જરૂરી છે. સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ કરતા હોઈએ, કોઈ મોટા સંતનો આપણા ઉપર રાજીપો હોય અને ભગવાન સ્વામિનારાયણની જો કૃપા હોય તો અશક્યનું શક્ય થાય છે.

વહાલા ક્તો ! આપણે બધી રીતે સુરક્ષિત અને સુખી જીવન જીવીએ છીએ. કેમ જે, આ સાધુઓ ભગવાનને આપણી પ્રાર્થના કરે છે, એમને આપણામાં હેત છે; પરંતુ આ હેતને તોડી ન નાંખવું. આપણે જો સદ્ગુરુ કે સંતની સાથે દગો કરીએ, એમને છેતરીએ તો હેત અને રાજીપો રહે નહીં. એમની સાથે કપટ કરીએ તો એમનું કાળજું કપાઈ જાય, દિલ તૂટી જાય; પછી સારું ન થાય. માટે સાવધાન રહેવું.