મહત્પુરુષનો રાજીપો

મહત્પુરુષનો રાજીપો

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્તમ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને હર વખત શ્રીજીમહારાજને જમાડતા; તેથી શ્રીજીમહારાજ અને સંતોની તેમની પર અમીદૃષ્ટિ રહેતી.

સંતોના સેવા, સમાગમ અને રાજીપાથી જેઠામહારાજ એક આદર્શ સત્સંગી થયા. તેમનો કઠોર સ્વભાવ ટળી ગયો અને તેઓ શાંત, દયાળુ અને વિવેકી થયા. તેમનું જીવન નિર્દોષ, નિર્વ્યસની, પરોપકારી તથા પ્રભુમય બન્યું.

તેઓ અભણ અને ભોળા હોવાથી શ્રીગોડ બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક લોકો તેમને ગમે તેવા પ્રશ્ન પૂછે અને એમની હાંસી-મશ્કરી કરે; છતાં તેઓ સત્સંગ દૃઢ રાખતા. પોતાને કોઈ ગમે તેમ કહે તેની તેમને ચિંતા થતી નહોતી, પરંતુ દ્વેષી કે ઓછી બુદ્ધિવાળા લોકો શ્રીજીમહારાજનું કે સંતોનું ઘસાતું બોલે તે તેમનાથી સહન થતું નહીં અને મનમાં જરા ગ્લાનિ જેવું થતું. તેમના મનમાં એમ થતું કે, ‘જો હું શાસ્ત્રો ભણ્યો હોત તો, આ લોકોને શાંતિકારક ઉત્તર આપી શકત અને એમની કુબુદ્ધિ અને ભ્રમણા દૂર કરી શકત.’

એક વખત સંતોએ સહિત શ્રીજીમહારાજ ગોંડલ પધાર્યા હતા. મોટા મોટા ઘણા સદગુરુ સંતો પણ સાથે હતા. જેઠામહારાજ પોતાની કાયમની ટેવ પ્રમાણે અતિશય આદરભાવથી દર્શન અને સેવા-સમાગમનો લાભ લેતા હતા. એક દિવસ જેઠામહારાજે સદ્.ગોપાળાનંદ સ્વામીને વિનયપૂર્વક બે હાથ જોડીને કહ્યું, “સ્વામી ! આ ગામમાં દ્વેષી લોકો ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછે છે, હાંસી-મશ્કરી કરે છે અને સત્સંગનું ઘસાતું બોલે છે; સ્વામી ! હું અભણ હોવાથી તેમની સામે કાંઈ બોલી શકતો નથી અને ખેદ બહુ થાય છે.”

ત્યારે જેઠામહારાજની શ્રીહરિ અને સંતો પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ, સેવા અને શુદ્ધભાવ જોઈને યોગીરાજ સદ્.ગોપાળાનંદ સ્વામી તેમની ઉપર રાજી થઈને આશીર્વાદ આપતાં બોલ્યા કે, “જેઠામહારાજ આજથી વાદવિવાદમાં તમને કોઈ નહીં પંહોચી શકે. ગમે તેવો મોટો વિદ્વાન હશે, તેના પ્રશ્નનો પણ તમે ઉત્તર આપી શકશો, માટે તમારે કોઈથી ડરવું નહીં. તમે આખા ગામના અદા કહેવાશો. ગામમાં તમને કોઈ તુકારે નહીં બોલાવે.”

પછી તો સ્વામીના આશીર્વાદ મુજબ જેઠામહારાજ મોટા વિદ્વાનની પેઠે ભાષણ કરવા લાગ્યા. જેઓ તેમની હાંસી-મશ્કરી કરીને પ્રશ્નો પૂછતા તેમને એવા જડબાતોડ જવાબ આપતા કે જિંદગીભર તેમને બોલવાનું જ ન રહ્યું. આમ, સદ્.ગોપાળાનંદ સ્વામીના રાજીપાથી જેઠોમાંથી જેઠામહારાજ બની ગયા. અને તેમના થકી ગોંડલમાં સત્સંગ પણ ખૂબ વૃદ્ધિ પામ્યો.

વહાલા ભક્તો, ભગવદીય મોટા પુરુષના રાજીપા અને આશીર્વાદથી લોકો લૌકિક અને પારલૌકિક સુખ-શાંતિ પામ્યા હોય, પાપી પુણ્યશાળી બન્યા હોય, રંક રાજા થયા હોય, કુસંગી સત્સંગી થયા હોય અને મુમુક્ષુને ભગવાન મળ્યા હોય તેવા પુરાણોમાં અને ઈતિહાસમાં અનંત દાખલા છે. તેમના રાજીપાથી જે મળે છે, તે બીજા કોઈ ઉપાયથી મળતું નથી. આથી મહત્પુરુષના રાજીપા સમાન આ જગતમાં કોઈ વસ્તુ નથી; માટે સુજ્ઞ જન તેવા મોટા પુરુષનો રાજીપો અને આશીર્વાદ મેળવવા માટે લાંબા સમય સુધી તેમની સેવા અને સમાગમ નિર્માનીપણે કર્યા કરે છે.

પૂજ્યપાદ ગુરુજીએ પણ મહત્પુરુષના રાજીપા વિષે કહેલ છે કે,

‘જ્ઞાન’ સંતનો રાજીપો, કોઈ જીવ ઉપર થાય;
અતિ નિર્બળ હોય, તોય બહુ બળિયો થઈ જાય.
આનું સારું થાઓ એવું, મોટાને મનમાં થાય;
‘જ્ઞાન’ તો એવા જીવનું, અતિ સારું થઈ જાય.

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ૫૮મા મહારાજે કહેલ છે કે, “અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”

વહાલા ભક્તો ! માથે કોઈ ભગવદીય મોટા પુરુષ હોય તો ક્યારેક આપણે સત્સંગમાં કે વ્યાવહારમાં ગેરમાર્ગે જતા હોઈએ તો આપણને બચાવી લે છે. અધ્યાત્મ માર્ગ એટલો બધો અટપટો છે કે માયામાંથી છૂટવાના અને ભગવાનને પામવાનાં મુખ્ય સાધનો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપ યથાર્થ સમજાયા ન હોય તો આપણે ભગવાનને બદલે માયા તરફ દોરાઈ જઈએ; અને એવા ભૂતકાળમાં ઘણા પ્રસંગો બની ગયા છે, માટે એવા સમયે તો ભગવદ્અનુભવી મોટા સત્પુરુષનું શરણું લીધું હોય તો જ ઊગરી શકીએ.

શ્રીમદ્ભાગવતમાં શ્રીવ્યાસ ભગવાન કહે છે,

नैषा मतिस्तावदुरुक्रमान्घ्रिं स्पृशत्यनर्थापगमो यदर्थ:।
महीयषां पादरजोभिषेकं निष्किञ्चनानां न वृणीत यावत्।।
                                                            (भाग.७/५/३२)

જ્યાં સુધી મનુષ્યો જગતથી વિરક્ત એવા મોટા સત્પુરુષની ચરણરજમાં સ્નાન કરતા નથી; એટલે કે, તેમના દાસના દાસ બનતા નથી, ત્યાં સુધી તેઓની બુદ્ધિ જન્મ-મરણથી છોડાવનારાં ભગવાનનાં ચરણને પામવાને લાયક નથી બનતી.

વહાલા ભક્તો, જો મોટા પુરુષને રાજી કરવાના આવા લાભ હોય તો ચાલો મોટા પુરુષને રાજી કરવાના સદ્.ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ ઉપાયો જાણીએ અને તે પ્રમાણે મોટાને રાજી કરીએ.

  • વિષય લોપી નાખતા હોય તો તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય છે ? એ પ્રશ્નનો ઉત્તર જે, ‘મોટાની અનુવૃત્તિ અને તે જે કહે તે કરવું તે જ છે.’ (૧/ ૧૧૧)
  • અને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા ને દેહાભિમાન; એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થાશે. (૧/૧૪)
  • શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિક્તિ જે, એક તો એને કાંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું. બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો ને ચોથું એની અનુવૃત્તિ તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી. (૩/૬૨)