
વહાલા ભક્તો ! આપણે મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાવું છે. તે માટે ભગવાન શ્રીહરિ આપણને સહાય કરવા તૈયાર બેઠા છે. હવે તો બસ, આપણે બધા ભગવાનને અનુકૂળ વર્તવારૂપ તેમને સહાય કરીએ. જેથી પ્રભુ આપણા આત્મામાં ખૂબ સુખપૂર્વક રહીને આપણને એમનો દિવ્ય આનંદ આપે.
આજે એક વાત કરવી છે; એનો જો આપણે અભ્યાસ કરીએ તો સુખી, સુખી થઈ જઈએ. સુખી થાવું કે ન થાવું એ આમ તો આપણા હાથમાં જ છે. આપણે જો ભગવાન અને સંતો કહે એ રીતે સાવધાન થઈને અભ્યાસ કરીએ તો દોષો-વાસના ટળતા કાંઈ વાર નથી. બધી વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય અને શાંતિ-શાંતિ થઈ જાય.
જડ-ચેતન બધામાં ભગવાન છે અને જડ-ચેતન બધું જ ભગવાનમાં છે; એવી વાત આપણે ઘણી વખત સાંભળી છે, એ કાંઈ ગપ્પાં નથી, એ સત્ય જ છે; પણ આપણી પાયાની મોટી ખોટ્ય એ છે કે, આપણે રોજ ઊઠીને વાતો કરીએ છીએ ભગવાનને પામવાની અને મહેનત કરીએ છીએ માયાને મેળવવાની; એટલે કે દેહ, દેહનાં સંબંધી, પંચવિષયનાં સુખો, સત્તા-સંપત્તિ અને આ લોકની આબરૂ પામવાની.
પરંતુ ખરેખર આપણે દેહ તો છીએ નહીં. આપણું કોઈ નામ કે ગામ નથી. આપણું કોઈ રૂપ નથી. આપણે તો ચેતન તત્ત્વ છીએ; છતાં એ જ આપણે કાયમને માટે ભૂલી ગયા છીએ. દેહની ઓળખાણને આપણે આપણી ઓળખાણ માની છે. આ શરીર અને આ શરીરનું નામ, એ જ આપણું વ્યક્તિત્વ બની ગયું છે; આ વાત અનેકવાર થઈ છે, છતાં પણ અભ્યાસના અભાવે એની કોઈ અનુભૂતિ નથી થતી કે, ‘આ આકાર હું નથી, આ આકાર માયાનો છે. હું માયાથી પર શુદ્ધ એવો ચૈતન્ય આત્મા છું. અને મને બ્રહ્મ માનું તો હું બ્રહ્મ છું અને અક્ષરધામ માનું તો ભગવાનને રહ્યાનું ધામ હું પોતે જ છું.’ આમાં એક પણ શબ્દ ખોટો નથી. આપણામાં હાલતાં-ચાલતાં મુક્તમંડળે સહિત સાક્ષાત્ સાકાર દિવ્યમૂર્તિ મહારાજ અખંડ રહ્યા છે; એ હકીકત છેે અને એ જ સત્ય છે.
વહાલા ભક્તો ! આપણે જે આ અનુભવી રહ્યા છીએ કે, આ દેહ હું છું, આ મારાં સગાં-સ્નેહી છે, આ મારું નામ છે, આ મારું ગામ છે, આ મારી નાત છે, આ મારી જાત છે; આ બધું ખોટું છે. એ કોઈ કાળે સાચું હતું નહિ, છે નહિ, હશે નહીં. આ બધું સ્વપ્નાથી વિશેષ કાંઈ નથી. જે દિ શરીર છૂટશે તે'દિ ખ્યાલ આવશે.
મુમુક્ષુ આત્માને તો ભગવાને આ શરીર આપ્યું છે એ માત્ર ને માત્ર પોતાની મૂર્તિનો અખંડ અનુભવ કરાવવા માટે જ આપ્યું છે. જ્યારે અન્ય અમુમુક્ષુ આત્માઓને ભગવાને માનવનાં અથવા તો ચોરાશી લાખ પૈકીનાં કોઈ પણ શરીરો આપ્યાં છે, એ તો એની અતૃપ્ત પંચવિષય કે ભૌતિક વાસનાની તૃપ્તિ માટે આપ્યા છે, થોડીવાર માયાની સુષુપ્તિમાંથી બહાર કાઢી લોકાંતરમાં કાંઈક નવીન અનુભવ કરવા માટે જ આપ્યાં છે. ખેર! એ વાત થઈ અમુમુક્ષુની,પણ આપણને શરીરથી માંડીને A to Z ભગવાને જે કાંઈ આપ્યું છે તે બધું જ માત્ર ને માત્ર પોતાનો સાક્ષાત્ અનુભવ કરાવવા માટે જ આપ્યું છે. ખરું પૂછો તો પરમેશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે એ તમામનો ઉપયોગ આપણે મૂર્તિને આત્મામાં પ્રગટ કરવા માટે જ કરીએ છીએ કે એનો ઘણોક બીજો દુરુપયોગ પણ કરીએ છીએ ?
કોઈ છોકરાને એનો બાપ એક લાખ રૂપિયા આપીને કહે કે, બેટા ! આ રૂપિયામાંથી તું તારી સ્કૂલની ફી ભરજે, લોજીંગ ભરજે અને ભણવાનાં પુસ્તક વગેરે લેજે. આમ ઉપયોગ કરજે તો તું ભણી-ગણીને એન્જિનિયર-ડોક્ટર કે વકીલ થઈશ; પણ એ છોકરો તે પૈસાને એના બાપે કહ્યું એમ ન વાપરે અને એ પૈસાથી બીડી પીવે, દારૂ પીવે, કોઈ સ્ત્રીમાં પાગલ થઈને એને કપડાં વગેરે બધું લાવી દે, ગમે ત્યાં કુમાર્ગે વાપરે તો એ ડોક્ટર-એન્જિનિયર થાય ? ન થાય.
તો આપણા બાપ જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એણે આપણને આ આંખો, હાથ, પગ, જીભ, નાક, કાન વગેરે જે કાંઈ આપ્યું છે, એ આપ્યું છે શેના માટે ? અને એનો ઉપયોગ કોના માટે કરીએ છીએ ? ઈમાનદારીપૂર્વક છાતીએ હાથ રાખીને વિચારો કે, એમણે આપણને જે હેતુ માટે આપ્યું છે એ હેતુ માટે જ ઉપયોગ કરીએ છીએ ? કે પેલા બગડેલા વિદ્યાર્થીની જેમ જ દુરુપયોગ કરીએ છીએ ?
આપણે ખરેખર ભગવાન જ જોઈએ છે ? કે ક્ષણભર માટે રહેનારાં ધન-સંપત્તિ, સારાં મકાન, સારી પત્ની, પુત્ર, પરિવાર કે સંસારમાં પ્રતિષ્ઠા, માન-આબરૂ આ બધું જોઈએ છે ? સત્સંગ ભલે ગમે એટલો કરતા હોઈએ પણ આટલુંય આપણે હજી નક્કી નથી કરી શક્યા, પણ જો એકવાર નક્કી થઈ જાય કે, મારે માત્ર ને માત્ર એક પરમાત્મા જ જોઈએ છે અને બાકીનું બધું મારે ત્યાગી જ દેવું છે; તો ભગવાન મળ્યા વિના રહે જ નહીં. કેમ જે, બીજું બધું ત્યાગ્યા વિના પરમાત્મા ક્યારેય મળતા નથી.
જેને જેને ભગવાને મહામુક્ત બનાવીને પોતાના ધામમાં રાખ્યા છે, એને એક ભગવાનનો જ અનુભવ છે; અર્થાત્ એને ફક્ત ભગવાનની જ પ્રાપ્તિ છે. ત્યાં સ્ત્રી-પુત્ર, ઘરબાર, સંસાર વગેરેની પ્રાપ્તિ જ નથી. એમાં એ ખુશ-ખુશ છે, પરંતુ આપણે દેહાદિક જે જે પોતાનું માન્યું છે અને સગાં-સ્નેહી, સત્તા-સંપત્તિ વગેરે જેમાં જેમાં સુખ માન્યું છે તેનાથી ભગવાન મુક્ત કરે તો આપણને ગમે ખરું ? તોપણ વાતો કરીએ છીએ મુક્ત થવાની ! અહો વિડંબણા ! કેટલી બધી ખેદભરી આ વાત છે !
હજી તો શેનાથી મુક્ત થાવાનું છે અને શેનાથી યુક્ત થાવાનું છે; એની પણ ચોક્સાઈ નથી ! મારે કાયમને માટે શું-શું છોડી દેવાનું છે અને કાયમને માટે શું અનુભવવાનું છે, એના પણ વિભાગ નથી. આના પહેલાં પણ આપણે અનેક જન્મ લીધા છે, ત્યાં જન્મથી મરણ સુધી મથ્યા છીએ અને ઘણું બધું પોતાનું કરી ચૂક્યા છીએ. પણ, કાળની એક થપાટે એ બધું હાથમાંથી છૂટી ગયું છે. એ માંહિલું આ જન્મમાં આપણી પાસે કાંઈ નથી રહ્યું, તો આ શરીર છૂટશે ત્યારે આ જન્મે આપણું કરેલું સાથે આવશે ખરું ? માટે ક્ષણવાર પૂરતા રહેનારા દેહાદિક માત્ર ને માત્ર ભગવાન પામવા માટે જ છે, પણ એનો ઉપયોગ શું થાય છે, એનો આપણે વિચાર કરવો જોઈએ.
આપણે મગજને સાચી દિશામાં ચલાવવું જોઈએ. આપણે બધા જાગ્રત અને સ્વપ્નમાં નોનસ્ટોપ મગજ હાંકતા જ હોઈએ છીએ; પણ ખોટા માર્ગે, વ્યર્થ ચિંતનમાં. ભગવાને મન-બુદ્ધિ-ચિત્ત આપ્યાં છે એનો ઉપયોગ શું કર્યો ? એ બધું તો આપણે ભગવાનને પામીએ એના માટે આપ્યું હતું. કૂતરાં, ગધેડાં કે બીજા વિષયી-પામર માણસોની વાત છોડો. એ લોકોને તો એના માટે જ આપ્યું છે કે, એ લોકો એવું કરે છે; પણ આપણે તો ઘણા જન્મથી ભગવાનને ભજતા આવ્યા છીએ, પણ કાંઈક ને કાંઈક ભૂલમાં છીએ, તેથી પૂરું નથી થયું. કાંઈક વાસના, કાંઈક સારું કરવાની ભાવના, કાંઈક અહંકાર પોષવા-સંતોષવાની ઈચ્છા ગયા જન્મે પણ રહી ગઈ હશે, એટલે આ જનમ આવ્યો છે. માટે ભગવાને આપેલ આ સંપત્તિનો ઉપયોગ કરીને ભગવાનને પામી જઈએ, તેમના દિવ્ય આનંદમાં જોડાઈ જઈએ.
પ.પૂ.સદ્ .શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સંવત્ ૨૦૭૩, મહા વદ-૩૦ તા.૨૬/૦૨/૨૦૧૭ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...