
ઉમરેઠના એક બ્રાહ્મણ સારા સત્સંગી ભક્ત હતા. તેમને શ્રીજીમહારાજને જમાડવાનો બહુ ભાવ; પરંતુ પોતે વહેવારે દુર્બળ, તેથી મહારાજને જમાડવાનો લાભ લઈ શકતા નહીં. બીજા હરિભક્તો મહારાજની પૂજા કરે, થાળ જમાડે તે જોઈને પોતાના અંતરમાં બહુ પશ્ચાત્તાપ કરે ને મનમાં એમ વિચાર કરે કે, ‘મારા જેવો કોઈ અભાગિયો નહિ, કારણ કે આ પુરુષોત્તમનારાયણને સૌ પોતાને ઘેર તેડી જાય છે ને પૂજા કરે છે, થાળ જમાડે છે; એ એમનાં કેવાં મોટાં ભાગ્ય ! અને હું તો ગરીબ તે શી રીતે મહારાજને રાજી કરી શકું ?’ આમ પોતાના મનમાં વિચાર્યા કરે.
એક દિવસ તે ભૂદેવ વડતાલ આંબલાથી ઉતરાદી કોરે કૂવો છે તેની પાસે ગામમાંથી લોટ માંગી લાવીને તાવડીમાં પંચકણીનો રોટલો કરીને લોટામાં લુણીની ભાજી કરતા હતા ને મહારાજનું સ્મરણ કરતા હતા. તે વખતે મહારાજ વાસણ સુતારની ઓરડીએ મધ્યાહ્ન સમે પોઢ્યા હતા. તે અચાનક ઊઠીને મહારાજ બ્રહ્મચારીને કહે, “આપણો લોટો લાવો, મારે ન્હાવા જાવું છે.” ત્યારે બ્રહ્મચારી કહે, “અહીં નાહી લ્યો.” ત્યારે મહારાજ કહે, “ના, મારે બહાર ન્હાવા જાવું છે.” એમ કહીને ઊઠીને મોજડી પહેરી ચાલતા થયા.
મહારાજ ત્યાંથી સીધા જ્યાં પેલા ભૂદેવ હતા ત્યાં ગયા. ભૂદેવ જ્યાં જમવા બેસવાની તૈયારી કરે છે ત્યાં જ મહારાજ આવી ગયા ને કહે, “ભૂદેવ ! અમને ભૂખ લાગી છે, તે કાંઈ જમવાનું તૈયાર હોય તો અમને આપો.” ભૂદેવ તો મહારાજને જોઈને એકદમ ઊભા થઈ ગયા ને ભાવવિભોર થઈ દંડવત કરવા લાગ્યા. મહારાજ કહે, “અરે ભૂદેવ ! દંડવત રહેવા દ્યો, અમને ભૂખ લાગી છે જલ્દી કાંઈક જમવાનું આપો.” ભૂદેવ કહે, “અરે મહારાજ ! મારી પાસે તો પંચકણીનો રોટલો ને લુણીની ભાજી છે.” ત્યારે મહારાજ કહે, “એ તો બહુ સારી.” એમ કહી જમવા બેસી ગયા.
ભૂદેવે મહારાજને ઘણા હેતથી તે પંચકણીનો રોટલો ને લુણીની ભાજી પીરસી ને કહે, “હે મહારાજ ! જેવી વિદુરજીની ભાજી, સુદામાના તાંદુલ ને શબરીબાઈનાં બોર; તેવું આ જમણ છે.” મહારાજ જમતાં જમતાં કહે, “અરે ભૂદેવ ! આ તો અમૃત જેવું મીઠું ભોજન છે.” એમ કહી રોટલો ને ભાજી ખૂબ પ્રેમથી જમ્યા અને ચળું કરી તેમને પ્રસાદી આપી.
ભૂદેવ અતિ ભાવવિભોર થઈને કહે, “હે મહારાજ ! ઘણા દિવસનો મારો સંકલ્પ હતો, તે સર્વજ્ઞ ને ભક્તમનોરથપૂરક એવા તમે આજ મારો તે સંકલ્પ પૂરો કરીને મને કૃતારથ કર્યો. આપનું ભક્તમનોરથપૂરક એવું નામ, તે આજ તમે સત્ય કર્યું.” એમ કહેતાં આંખમાં પ્રેમનાં આંસુ આવી ગયાં ને મહારાજના ચરણ પાસે બેસી ગયા.
આમ, મહારાજ તે ભક્તના ભાવને વશ થઈને તેનો રોટલો ને ભાજી જમીને તેમને રાજી કરી ત્યાંથી પાછા વાસણ સુથારની ઓરડીએ આવીને પોઢી ગયા. ત્યારે બ્રહ્મચારી કહે, “હે મહારાજ ! ન્હાવા ગયા હતા ને ?” ત્યારે મહારાજ કહે જે, “અમે નાહીને આવ્યા.” એમ રમૂજ કરીને પોઢી ગયા.
વહાલા ભક્તો ! ભગવાન તો ભક્તના ભાવ અને પ્રેમને જુએ છે. આપણા હૃદયમાં સાચો ભાવ હોય તો આપણા ભાવને ભગવાન જરૂર પૂરા કરે છે. એટલે તો વહાલા પૂ.ગુરુજી આપણને ઘણી વાર કહે છે કે, આખો દિવસ અંતરમાં સારા સારા ભાવો કર્યા કરવા. મહારાજ આવશે, સંતો સાથે લાવશે, હું મહારાજ અને સંતો માટે સારો થાળ કરીને જમાડીશ, મહારાજ મારા પર રાજી થશે, મને ભેટશે, મારા માથે હાથ મૂકશે... વગેરે વગેરે ભાવો અંતરમાં કર્યા કરવા, તો એક દિવસ જરૂર મહારાજ આપણા ભાવો પૂરા કરશે...