ભજનનું અંગ: કથામૃતમ

ભજનનું અંગ: કથામૃતમ
February 1, 2021

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આજકાલ ભજનનું અંગ મોળું પડતું દેખાય છે.

આજે વધ્યું છે શું ? તો સંપ્રદાયમાં શાકોત્સવો, પાટોત્સવો ને મોટા-મોટા મહોત્સવો, કથા-પ્રવચનો, ઘણાં મેગેઝિનો વધ્યાં છે, ઘણા ગ્રંથો છપાય છે. આજે બહુ લોકો યુટ્યુબના માધ્યમે કથા-પ્રવચનો સાંભળતા થયા છે. આવું ઘણું બધું વધ્યું પરંતુ ધ્યાન-ભજન ઘટ્યું છે.

હા, હજી ધૂન ઘણી થાય છે પરંતુ જેને ખરા અર્થમાં ધ્યાન-ભજન કહેવાય તે મોળું પડતું જાય છે. જેમ કે, માળા ફેરવવી, ભગવાનનું ધ્યાન કરવું, સ્મરણ કરવું; એવાં અંગ બહુ ઓછાં દેખાય છે. અત્યારે આખો દિવસ જેને ધ્યાન-ભજનનું જ અંગ હોય એવાં ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈ જો શોધીએ તો બહુ ઓછા નીકળે. અત્યારે માણસો કમાય છે, એટલે દાન ઘણું આપે છે પરંતુ ભજનનાં અંગ ઘસાયાં છે.

શ્રીજીમહારાજ બહુ ભીંસ મારીને ભજન કરાવતા. પોતે ઊભા ઊભા ધૂન બોલવા માંડે તે બંધ જ ન કરે. ખભેથી ખેસિયું પડી જાય તોય મહારાજને અનુસંધાન નહોતું રહેતું. સંધ્યા ટાણે મહારાજ ઊભા થઈને પોતે જ ધૂન બોલાવતા. બધા સંતો સવારમાં જાગીને ધૂન બોલતા અને ધ્યાનમાં બેસી જતા; માટે આપણે બધા ભજન વધારીએ તે બહુ જરૂરી છે. કેમ જે, ભજનથી જીવ ચોખ્ખો થાય છે.

જેમ પાણીમાં બોળીને કપડાને ધોકા મારો તો અંદરથી મેલ છૂટો પડે પણ બહાર ન નીકળે. એ તો જ્યારે કપડાને ખૂબ છબછબાવીએ ત્યારે મેલ બહાર નીકળે; તેમ કથા છે તે ધોકા મારવાનું કામ કરે છે. આપણા આત્મામાંથી કામ-ક્રોધાદિ મેલ છૂટો પાડે અર્થાત્ કામાદિ દોષો ઓળખાય અને પછી જ્યારે આપણે ભજન કરીએ ત્યારે એ અંતરથી ધોવાઈને બહાર નીકળી જાય છે. આપણે કથા કરી એટલે લૂગડાંને ધોકા માર્યા, પછી જો ભજન ન કરીએ તો એનો એ ડોળ પાછો અંદર જામી જાય. અંતર હતું એવું ને એવું જ રહે. કથા સાંભળતા હોઈએ ત્યાં સુધી એમ થાય કે આમ કરશું ને આમ કરશું પણ પછી ભજન ન કરીએ તો પાછો અંતરનો મેલ એમ ને એમ જામી જાય.

પછી આપણને એવું લાગે કે દશ વર્ષથી કથા સાંભળીએ છીએ પણ કાંઈ અંત:કરણ ચોખ્ખું કેમ નથી થતું ? કામ, ક્રોધાદિક ઘટવા જોઈએ એ ઘટતા કેમ નથી ? તો ભજનરૂપી અંત:કરણને છબછબાવાનું કામ થતું નથી. માટે કથા-વાર્તા ઉપરાંત ભજન કરવું, ધ્યાન કરવું એ કપડાને પાણીમાં બોળીને એમાંથી મેલ અલગ કરવાનું કામ છે. માટે ભજનનું અંગ રાખવું.

દરેક ગૃહસ્થોએ અને ત્યાગીઓએ રોજ કલાક, બે કલાક ભગવાન સાથે જોડાતા શીખવું.

મહારાજે વચ.ગ.મ. ૬૨માં એમ કહ્યું છે કે, “સારો દિવસ પ્રવૃત્તિમાર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમે એ ભજનના કરનારાનાં ઇન્દ્રિયો, અંત:કરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ઇન્દ્રિયો, અંત:કરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય.”

ભજન કોને કર્યું કહેવાય: જો માકલાં મારતો મારતો ભજન કરે એમાં કાંઈ શાંતિ થાય નહિ કે જીવ ચોખ્ખોય થાય નહીં. પણ, એકાગ્રતાથી ભગવાનના મહિમાએ સહિત પ્રેમમાં તરબતર થઈને જો મૂર્તિનું સુખ ચૂસે તો કામ થાય. ભગવાનનો આનંદ લેતાય આવડવું જોઈએ. ભજનમાં બેસી રહ્યા પણ કાંઈ આનંદ ન આવ્યો અને સંકલ્પ-વિકલ્પો બંધ ન થયા અને હૃદય ડહોળાયેલું રહ્યું તો એ કાંઈ ભજન કર્યું ન કહેવાય. ભજનમાં મજા આવવી જોઈએ. ભજનમાંથી ઊભા થઈએ ત્યારે એમ થવું જોઈએ કે બસ...! કલાક થઈ ગયો ? એક કલાક પણ ઘડીક જેવો જ લાગે અને ભજનમાંથી ઊભા થવું ગમે જ નહીં. પછી કામ હોય એટલે ન છૂટકે ઊઠવું પડે; આમ ભજન થાય તેને ભજન કર્યું કહેવાય.

જેમ દારૂડિયાને ખાવા ધાન ન હોય, પહેરવા લૂગડાં ન હોય અને ભૂક્કા કાઢી નાંખે એવા ભીંસવાળા કામમાં પોતે સવારથી સાંજ સુધી મથે, પણ જેવા સાંજે રૂપિયા હાથમાં આવે એટલે તરત દારૂ પીને મસ્ત થઈ જાય. વળી બીજે દી કામે જાય એટલે આખો દિવસ એને એવું જ સાંભર્યા કરે કે ક્યારે સાંજ પડે ? ક્યારે પૈસા હાથમાં આવે ને ક્યારે દારૂ પાસે પહોચું ?

કેને ભજનનું અંગ કહેવાય: તેમ ભજનમાંથી જ્યારે આપણે કામકાજે જાવું પડે ત્યારે એમ થાય કે લ્યો...

  • આ કામ ક્યાં આવ્યું ? હવે કરવા જાવું પડશે. હજી ઘડીક વધારે ભજન કરવા મળ્યું હોત તો સારું હતું. સાવ થોડોક જ ટાઇમ મળ્યો.
  • હવે ક્યારે પાછો આવો ટાઇમ મળે અને હું એકાંતમાં મહારાજની સાથે વાતો કરવા લાગું ? ભગવાનની મૂર્તિનો આનંદ લૂંટવા માંડું ? મહારાજનું સ્મરણ કરવા માંડું ? એમ અખંડ લોભ રહ્યા કરે.
  • પછી વ્યવહારમાં કામકાજે, ક્યાંઈક કોઈના લગ્નમાં, જાનમાં, માંડવે ગયા હોઈએ તોય પણ એમ થયા કરે કે ક્યારે ઘરે જઈએ ? ક્યાં એકાંત મળે ? ક્યારે મહારાજ સાથે પ્રેમ કરીએ ? અને મહારાજનું સ્મરણ કરીએ અને સુખ લઈએ ?
  • આમ આપણને બધાયને પ્રવૃત્તિ કરતાં કે વ્યવહાર કરતાં-કરતાં પણ મનમાં એમ રહ્યા કરે કે , ‘ક્યારે મહારાજની સાથે મજા કરવાનો મેળ પડી જાય !’ એને કહેવાય ભજનનું અંગ.

આપણને તો પાંચ-દસ માળાય સરખી એક જગ્યાએ બેસીને ફેરવવી ગમતી નથી. ધ્યાન-ભજનનું તો અંગ જ નહીં. આમ આપણું ઘણું સારું ગણાય, પણ મહારાજ વખતે બાઈ-ભાઈ જેવું ભજન કરતાં, સેવા કરતાં અને વળી આખો દી સેવા કરી હોય તોય સાંજે એ ભજન પણ કરતાં. સમય નહોતાં બગાડતાં. આજ આપણે ભજન બહુ ઓછું કરીએ છીએ. કેમ કે , ભજન હજુ ગમતું નથી. પૂ.અથાણાવાળા સ્વામી, જેતપુરના પૂ.શ્રીહરિ સ્વામી, અમારા ગુરુ પૂ.રાધારમણદાસજી સ્વામી (ખાનદેશી), ભુજવાળા પૂ.ઘનશ્યામજીવનદાસજી સ્વામી વગેરેને ભજન કરતા આપણે જોયા છે. અમે શિહોર ગૌતમેશ્વર આશ્રમમાં ગયા હતા. ત્યાંના સંન્યાસી પૂ.સ્વરૂપાનંદજી સ્વામીના પૂર્વાશ્રમના માતુશ્રી ૯૫ વર્ષનાં માજી છે. એ ડોશીમાં હજી આજેય રોજ પાંચસો માળા ફેરવે છે.

અત્યારે આપણે ભજન સાવ નથી કરતા એમ નહિ પણ જેવું કરવું જોઈએ એવું નથી કરતા. ભજન કર્યા વગર જીવ ચોખ્ખો ન થાય. આપણે અધર્મ ન કરીએ અને ધર્મ-નિયમ પાળીએ એમાં તો જીવ બગડે નહિ એટલો એનો ફાયદો જરૂર થાય, પણ ભજન કર્યા વિના ચોખ્ખા થવાય નહીં. જેટલું ભજન કરીએ છીએ તેમાં પણ જો મન ભગવાન સિવાય બીજે રખડતું હોય તો તેવા ભજનથી શાંતિ શું થાય ? ભગવાન સિવાયના બીજા સંકલ્પ વિનાની એકાદિ માળા ફરે તોય જીવમાં ટાઢું થઈ જાય. માટે ભજન કરવું તો મૂર્તિમાં વૃત્તિ રાખીને કરવું; તેને જ ખરું ભજન કર્યું કહેવાય અને તેવા ભજનથી કાંઈક આગળ વધાય. તો ચાલો, આવું ભજન કરવાનો ઠેરાવ કરીને ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરીએ...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૯/૦૪/૨૦૧૪, રવિવારના રોજ શ્રીસ્વા.મંદિર કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન.