
આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછો એટલા ભગવાન નજીક. એટલે જ સદ્.શ્રીમુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે,
હું ટળ્યે હરિ ઢૂંકડા તે ટળાય દાસે રે...
હું એટલે અહંકાર. તે ટળે તો ભગવાન નજીક આવે. આપણી અને મહારાજની વચ્ચેનું અંતર ઓછું થાય. આપણી અને ભગવાનની વચ્ચે અહં રૂપી દીવાલ છે. તેથી ભગવાનને આપણે અનુભવી શકતા નથી. જો આ એક દીવાલ હટી જાય તો ભગવાન આપણી સાથે જ છે. જ્યારે કોઈ આપણું અપમાન કે નિંદા કરે ત્યારે આપણા અહં ને ઘસારો આવે છે, કહેતાં આપણને મહારાજની નજીક થવાનો મોકો મળે છે; પરંતુ આપણે તેને સ્વીકારી શકતા નથી અને સામે અપમાન કરનારા સાથે દ્વેષ કરીએ છીએ. કેમ જે, આપણામાં અહં કારરૂપી અશુદ્ધિ છે. ખરેખર તો આપણી નિંદા કે અપમાન કરનાર આપણી અશુદ્ધિને દૂર કરે છે, માટે તે આપણા સાચા હિતકારી છે. પરંતુ જ્યારે કોઈ આપણાં વખાણ કરે ત્યારે આપણા માનની સંતુષ્ટિ થાય છે, આપણે તેનાથી ફુલાઈએ છીએ. તેનાથી આપણા અહં કારની દીવાલ તૂટવાને બદલે જાડી થાય છે, આપણામાં અશુદ્ધિ વધે છે.
આપણું શુદ્ધિકરણ તો જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે થાય છે માટે જ્યારે કોઈ આપણું અપમાન કે નિંદા કરે ત્યારે તે આપણી જાતને શુદ્ધ કરવાની સોનેરી તક સમજી તેનાથી ભાગવાને બદલે તેને સામેથી વધાવી લેવી જોઈએ. જ્યારે કોઈ આપણું અપમાન કરે ત્યારે ભગવાન સામેનામાં રહીને આપણી પરીક્ષા કરે છે. તેમાં રહીને આપણી તેમને પામવાની તૈયારી જુએ છે, આપણો ખપ તપાસે છે. જો આવા સમયે પણ આપણે સ્થિર રહી શકીએ, આનંદમાં રહી શકીએ એ જ આપણું અહં શૂન્યપણું છે. આ વાતને દૃઢ કરે તેવું સંત એકનાથનું એક પ્રસિદ્ધ દૃષ્ટાંત જોઈએ. એકવાર સંત એકનાથ પવિત્ર નદીમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યારે તે સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે તેમની સામે એક પઠાણ ઊભો હતો. તેણે નક્કી કર્યું કે હું સંત એકનાથને અપવિત્ર કરું . તેથી સ્નાન કરી શુદ્ધ થયેલા સંત પર થૂંક્યો. ત્યારે સંત એકનાથે રાજી થઈને વિચાર્યું કે, જય હો પ્રભુ ! તમે ખૂબ દયાળુ છો. કેમ જે, મને બીજી વાર સ્નાન કરવાનો અવસર આવ્યો. આમ વિચારીને તેઓ બીજી વાર સ્નાન કરવા જતા રહ્યા. પઠાણ તો હજુ તેમની રાહ જોઈને ઊભો જ હતો. જ્યારે એકનાથ બહાર આવ્યા ત્યારે પઠાણ બીજી વાર થૂંક્યો. "મહારાજ ! આ વખતે પણ તમે મારા પર ખૂબ જ દયા કરી હો." આમ કહી એકનાથ ફરીથી સ્નાન કરવા ગયા. દરેક વખતે સંત એકનાથ સ્નાન કરીને બહાર આવે અને પઠાણ તેમની પર થૂંકે, પરંતુ એકનાથે સ્નાન કરવાનું છોડ્યું નહીં, અને પઠાણે તેમના પર થૂંકવાનું છોડ્યું નહીં. આમને આમ સ્નાન કરતાં કલાકો જતા રહ્યા. લોકો કિનારા ઉપર ઊભા રહીને જોતા હતા કે આ સ્પર્ધામાં કોણ જીતે છે. અને અંતે પઠાણ હાર્યો.. તેણે સંત એકનાથના પગમાં પડીને કહ્યું તમે પથ્થરના બનેલા છો કે લાકડાના ? હું તમારા પર કોઈ કારણ વગર આટ આટલી વાર થૂંક્યો, પણ તમે એક પણ વાર ફરિયાદ ન કરી ! સંત એકનાથે કહ્યું, “તું મારા માટે લાભદાયક છો. તારા કારણે મને આ પવિત્ર નદીમાં આટલી બધી વાર સ્નાન કરવાનો લાભ મળ્યો. હું શું કામ તને શાપ આપું ?” આમ સવળું જ લીધું તેથી તેમની સામે સાક્ષાત્ ભગવાન પ્રગટ થઈ ગયા અને તેમને વશ થઈ ગયા. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સંત એકનાથે વગર વાંકે સવળું જ લીધું, તો સાક્ષાત્ ભગવાન તેમને વશ થઈ ગયા. એટલે જ કોઈએ કહ્યું છે કે...
નિંદા કરતલ મત મરજો, મરજો ઘર કા પૂત; ઓરન કું પાવન કરે, આપે સર્જે ભૂત.
કોઈ આપણી નિંદા કરે તેનાથી આપણને કોઈ નુકસાન નહિ ઊલ્ટાનો લાભ થાય છે. આપણો અહંકાર ઓછો થાય છે. આપણી અને ભગવાન વચ્ચેની અહંરૂપી દીવાલ તૂટે છે. માટે અપમાનથી ડરવાને બદલે તેને સહર્ષ સ્વીકારી લઈએ તો આપણે ભગવાનની કસોટીમાં પાસ થયા ગણાઈએ.
જે સવળું નથી લઈ શકતા તેને પોતાની શુદ્ધિ થઈ શકતી નથી. તેથી તેને આ લોક અને પરલોકમાં દુ:ખ ભોગવવું પડશે. જ્યારે સવળું લેવામાં તો કોઈ ભય જ નથી.
તે શ્રીહરિચરિત્રામૃત સાગરમાં સદ્.શ્રીઆધારાનંદ સ્વામીએ કહ્યું છે કે,
सुलट में नहीं हे भय कबु , उलट में भये हे अपार ।। उलट सुगम ईहाँ लगत हे, अंत्ये न दु:ख को पार ।।२५।। यह लोक परलोक में, सुलट में हे महासुख ।। उलट में हे अपार दु:ख, दु:ख दु:ख हि दु:ख ।।२६।।
(प.४ त.६३)
સવળી સમજણમાં ક્યારેય ભય નથી, પણ અવળી સમજણમાં અપાર ભય રહ્યો છે. અવળી સમજણ કદાચ આ દુનિયામાં સુગમ લાગતી હોય, પણ તેમાં છેવટે તો અપાર દુ:ખ જ રહ્યું છે. આ લોક અને પરલોક બંને સ્થળે સવળી સમજણમાં મહાન સુખ રહ્યું છે, પણ અવળી સમજણમાં તો અપાર દુ:ખ, દુ:ખ અને દુ:ખ જ છે. આ સત્સંગમાં જે દરેક પરિસ્થિતિમાં સામેનામાં ભગવાનનો સ્વીકાર કરી સવળું લે છે, તેને ભગવાન વશ થઈ જાય છે. વહાલા ભક્તો ! શુદ્ધિકરણ ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સવળું લઈએ. જો આ સવળું લેવાની ટેક્નિક હાથમાં આવી જાય તો કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકાય પરંતુ આપણે તો આવી પરિસ્થિતિમાં ખૂબ જ ત્રસ્ત થઈ જઈએ છીએ. જ્યારે સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી જેવા સંત તેને સારામાં સારી શુદ્ધિકરણની તક માને છે. આપણી પાસે જ્યારે ગુસ્સે થવાનું કારણ હોવા છતાં પણ આપણે શાંત રહી શકીએ, આપણી પાસે અભિમાન કરવાનું કારણ હોવા છતાં અભિમાન આવવા દઈએ નહિ, આપણી સામે દુશ્મન છે પણ આપણે દુશ્મનાવટ નથી કરતા, આપણી પાસે સામેવાળાને નુકસાન પહોંચાડવાની શક્તિ હોવા છતાં તેનું નુકસાન નથી કરતા. એ આપણી સૌથી મોટી સફળતા કે સાધુતા છે. એ જ આપણી શુદ્ધ સ્થિતિ કે અહં શૂન્યપણું છે. હે વહાલા મહારાજ ! સવળું લે તે આપને અત્યંત વહાલો લાગે છે, તે અમે જાણીએ છીએ; પરંતુ અમે અહં છોડી શકતા નથી. હે નાથ ! આપ જ કૃપા કરી એવું બળ આપજાે કે, જે કાંઈ થાય તેમાં અમે અમારા શુદ્ધિકરણની તક માની સવળું લઈ શકીએ. સર્વમાં આપનો જ સ્વીકાર કરી શકીએ તેવી આપ જ કૃપા કરશો..!