ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...

ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ...

સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ છે. ભગવાન પોતાના આશ્રિત ઉપર ખૂબ કરુણા કરી એને સુખી કરવા, એનાં દુ:ખ દૂર કરવા સતત મથે છે. એમની ચિંતામાં ઉજાગરા કરે છે. એના સહેજ દુ:ખને એ પહાડ જેવું સમજી ઉપાય કરે છે. કોઈ એવા સત્સંગી નહિ હોય કે જેને એ પોતાના નહિ માનતા હોય ! એક અતિ સામાન્ય જીવ માટે, ભગવાન માઈલોની કઠિન મુસાફરી કરીને એને સુખી કરવા, નિ:સ્વાર્થભાવે એની પાછળ પાછળ ફરે છે. એ આપણને ખૂબ પ્રેમ કરે છે. એમણે જ કરુણા કરીને આપણને માયાના અતિ ગાઢ તમમાંથી બહાર કાઢીને ઉત્તરોત્તર સારા જન્મ આપીને, ભગવાનનાં ચરણમાં મૂકી દે એવા એક સત્પુરુષનાં ચરણમાં મૂક્યા છે.

યુગોથી આ ચક્કર ચાલતું જ રહ્યું છે છતાં આપણે હજી ભગવાનને કેમ નથી પામ્યા ?

જેમ એક ગરીબ સ્ત્રીને પરણીને રાજા પોતાના મહેલમાં લઈ જાય એમ આપણે થયું છે. ભગવાને અને સંતોએ આપણને ઘણી બધી વાર દયા-કરુણા કરીને આગળ લીધા છે. આપણાં કેટલાંય સ્વભાવ-કુટેવોને એમણે ગણ્યાં નથી અને ધાર વિનાનાં બનાવી દીધાં છે. આપણે આનો થોડો પણ વિચાર કરીએ તોપણ ડરી જવાય તેવાં કારણો સામે આવે છે.

મૂળમાં થોડેક સુધી નજર પહોંચે છે તો, બીજા બધાને છે તેમ આપણા જીવનમાં પણ ભગવાન સિવાયનાં હજી બીજાં ઘણાં લક્ષ્ય, ખપ, જરૂરિયાતો છે, એમ જણાય છે. પરંતુ આ દિવ્ય સત્સંગના પ્રતાપે એવો વહેમ-ભ્રમ ઘૂસી ગયો છે કે, આપણને ભગવાનનો ખપ, જરૂરિયાત છે, તો જ થોડું ઘણું થાય છે. સ્વસંશોધન મીટિંગોમાં આપણે નિખાલસ-દીન થવાના નેજા હેઠળ, ઝીણું ખોતરી શકીએ છીએ એવા વહેમમાં; ઊપસવાનો જ ધંધો થતો હોય છે. પરંતુ એ બધું માન-સન્માન-વખાણરૂપી ખાળિયામાં જતું રહે છે. સંતોનો સાચા દિલનો રાજીપો ગાફલાઈને કારણે વેડફાઈ જાય છે. રાતોની રાતો જાગી ખેતરમાં પાણી તો પાઈએ છીએ, પણ પાણી ભરોડામાં જતું રહે છે. માયિક અંધકારને કારણે એ દેખાતું નથી. બીજાનું ખેતર પીવાઈ જાય છે અને મહેનત, ઉજાગરા કરવા છતાં ખેતર કોરું જ રહે છે; એની આપણને ખબર પડતી નથી.

જીવનમાં આટ આટલા હથોડા પડવા છતાં અને માત્ર ઈન્દ્રિયોમાં ઊતરેલી માહિતીને કારણે હજી માન-સન્માન-વખાણ જ ગમે છે અને એને માટે ક્રિયા-પ્રવૃત્તિ થઈ જાય છે. “આ મેં કર્યું, મારા સૂચનથી થયું, મારા કહેવાથી થયું”; એવો સ્વકર્તૃત્વ-સ્વશ્રેષ્ઠતાનો ભાવ કાયમી રીતે હટતો જ નથી. હું નિરાકાર, અકર્તા છું એમ લાખ વાર સાંભળવા છતાં નિષ્કામભાવે, કેવળ ભગવાન રાજી થાય એટલા માટે જ બધી ક્રિયા-પ્રવૃત્તિ થતી નથી. આપણી સમજણ તો ગોબરી છે છતાં બીજાના માર્ગદર્શક-સલાહકાર બની તે વર્ગને સાચી સમજણ તરીકે જણાવ્યા કરવાની ભૂખ સતત રહે છે.

આપણને વડીલ, જાણકાર, મોટા માની કોઈ દાસ, દીન બની આપણી સલાહ લેવા આવે; સંતો મોકલે; કોઈ કહે કે, “તમે પેલી સલાહ આપેલી, તમે પેલા પ્રવચનમાં આમ કહેલું, પેલા લેખમાં આમ લખેલું તેનાથી મને બહુ ફાયદો થયો”; એ મધ જેવા મીઠા લાગે છે. કોઈ પૂછવા જ ન આવે તો એમ થાય છે કે, “એ ભાઈ કે સંતો મારાથી કુરાજી હશે ?” એમાં પણ જે બાબત માટે એ ભતૂ કાળમાં સલાહ લેતા હતા, એ જ બાબત માટે બીજેથી સલાહ લેવાતી જણાય, તો અંતરમાં એક પ્રકારની શૂન્યતા-ઉદાસી-ખાલીપો વ્યાપી જતો જણાય છે. આ લક્ષણ અને ચરિત્રો જોતાં, આપણને કોઈ માને કે ગણે એમ ન હોય, પણ સત્સંગમાં મહિમા રાખવાની એક પ્રણાલી છે તેથી બધા માને છે, કમને પણ સ્વીકાર કરે છે; એ ભયંકર કડવી પણ સત્ય હકીકત ભૂલી જવાય છે. રાજીપો અને માન-વખાણનો ભેદ સાચા અર્થમાં સમજવો કઠણ હોય છે.

"એક ભગવાનમાં જ સુખ છે " એ વાત માત્ર બીજાને સલાહ આપવા પૂરતી, ગોખેલા સત્રૂ જેવી બનીને રહી જાય છે. વાસ્તવમાં સારા પંચવિષય, આ લોકનાં સુખ-સગવડ, સારાં ખાન-પાન, સારો પરિવાર મળે; પરિવાર અને સત્સંગમાં મને મોટો-વડીલ માને, આદરથી બોલાવે, સર્વત્ર સ્વીકાર થતો દેખાય, મારો વણલખ્યો હક્ક દરેક પર ચાલે; એમાં જ ઈતિ મનાય છે. સત્સંગના પ્રેશરથી બધા ભક્તો-સંતો પાસે નાટકીય રીતે હાથ જોડીએ, વાણી-વર્તનમાં નકલી નરમાશ લાવીએ, કોઈ વાર આંખમાં આંસુ લાવીએ; તેથી બધા પોતાની દિવ્ય દૃષ્ટિને કારણે આપણને સુધરતા જતા માને, પણ ભગવાન જાણે છે કે આપણે કેવા છીએ ! એ નકલી હાથ જોડવા, એ નકલી નરમાશ; એની પાછળ અનેક દોષોરૂપી ભયંકર કોરોના વાયરસ સંતાયો છે, એ આપણે જોઈ શકતા જ નથી. એ વાયરસ હાજર જ છે અને તેથી હજી પણ સંતો-ભક્તો ને દુ:ખ થાય તેવાં વાણી-વર્તન-વ્યવહાર થતાં રહે છે.

ટૂંકમાં, દેહ અને દેહને સંલગ્ન તમામ બાબતોમાં, દુન્યવી બાબતોમાં તથા કોઈએ સ્પેસિફિક સોંપી જ ન હોય તેવી બાબતોમાં જ જાણે-અજાણે વૃત્તિ રહેતી હોવાથી, આધ્યાત્મિકતાને બદલે વ્યાવહારિકતા પ્રધાન થતી જાય છે. ખરા અર્થમાં સ્વસંશોધન થતું નથી. બાહ્યવૃત્તિ રહે છે, ભગવાનમાં વૃત્તિ રહેતી નથી. સંતો-સત્પુરુષમાં અતિ ગાઢ પ્રીતિ થતી નથી. ભગવાન સાથે નિકટનો નાતો બંધાતો નથી અને તેથી ભગવાન અનુભવાતા નથી.

વહાલા સંતો વારંવાર ઉપાય બતાવે છે કે, “ઉપર દર્શાવેલ બધી જ કુભાવનાઓ છોડી, નિષ્કામભાવથી શબરીબાઈની જમે કરવામાં આવે તે ક્રિયા કેવળ ભગવાનની પ્રાપ્તિ માટે જ થશે, ત્યારે જ ભગવાન મળશે.” એમના સમાગમ અને કરુણાથી એટલો તો ખ્યાલ આવે છે કે, “સત્સંગમાં કે સંસારમાં, જે દિવસ આપણી કોઈ ગણતરી કે કોઈ નોંધ જ નહિ રહે, “હવે કોઈને પણ મારી જરૂર જ નથી, ” એવી શૂન્યતા જ્યારે અનુભવાશે, એ બધી દિશાઓમાંથી આપણા અહંનું પોષણ બંધ થશે; ત્યારે જ નવી દિશા ખૂલશે અને પગલાં ભગવાનની દિશામાં વળશે.”

ભગવત્પ્રાપ્તિ માટે સંતોની કરુણા-સમાગમથી એમ જણાય છે કે,વાસ્તવમાં ભગવાન આત્મામાં પ્રગટ જ છે, બિરાજમાન છે. આત્માને શુદ્ધ કરી, અક્ષરરૂપ થઈ એમાં પરમાત્માનાં સતત દર્શન કર્યા કરવાં. આ જ કરવાનું છે. બીજું જે કાંઈ કરીએ તેમાં પણ આ જ ભાવ હોવો જરૂરી છે. ભગવાન ક્યાંય જતા-આવતા નથી. જરૂર છે સર્વમાં અને આપણા આત્મામાં એમની સતત પ્રગટ હાજરીના સ્વીકારની ! આત્મા ને અક્ષરધામ માની, એમાં અનંત કોટિ મુક્તો એ સહિત અખંડ, સદા, સાકારપણે, સાક્ષાત્, પ્રગટ પ્રમાણ બિરાજતા પરમકૃપાળુ પરમાત્માનો દિલથી સ્વીકાર કરી, કેવળ એમના મય રહેવા થોડી પણ કોશિશ કરીશું તો ભગવાન રાજી થઈને આત્માની ચેતના એમની ચેતનામાં સદાને માટે વિલીન કરી દેશે. એ કોઈ કાટલાંમાં બંધાતા નથી, એ અમાપ છે. માટે જ્યારે આપણે નિ:સહાય, નિરાધાર બની, પૂ.ગુરુજી અને સંતોની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીશું, ત્યારે એ જ એક દિવસ કરુણા કરીને આપણું કામ કરી દેશે; આવા અતિ દૃઢ વિશ્વાસ અને શ્રદ્ધા સહિત સતત નિષ્કામભાવે પ્રયત્ન કરતા રહેવું. મને મળેલા પ્રગટ સંતો અને સત્પુરુષમાં વચ.મ.૧૩નો ભાવ પેદા કરવો. એમનામાં ઉત્તરોત્તર પ્રગાઢ પ્રીતિ વધારતા રહેવું, તો વચ.વડ.૧૧ મુજબ આ પ્રીતિ જ આત્મદર્શન અને ભગવદ્દર્શનનું કારણ બનશે.” આપણી આ માયાથી આવરિત સમજણમાં રહેલ ક્ષતિ ઓ દૂર થાય તેવી કૃપા-દયા કરવા સૌને પ્રાર્થના..!