
હનુમાન પ્રસાદ પોદ્દાર બહુ મોટા ભગત થઈ ગયા. ‘આનંદની લહેરો’ નામની એમની લખેલી એક નાની પુસ્તિકા છે. એમાં એમણે લખ્યું કે, ‘ભગવાન પર કદી અવિશ્વાસ ન કરવો.’ ભગવાને જે કહ્યું હોય, એમ જ હોય ! એમાં આપણે જરાય શંકા કરવી નહિ. વચનામૃત, શિક્ષાપત્રી, સત્શાસ્ત્રની વાત સો ટકા સાચી જ હોય. ભગવાન બોલ્યા હોય એમાં અવિશ્વાસ કરવો કે ભગવાનની વાત ઉપર શંકા-કુશંકા કરવી; એના જેવું કોઈ મોટું પાપ નથી, માટે ભગવાનના નામમાં વિશ્વાસ રાખો. ભગવાનના નામની બાબતમાં સંતોએ જે જે માહાત્મ્ય કહ્યું છે, તે એકે એક વચન સાચું છે. આજે તો આપણે સ્મરણ કરવાનો મોકો આવ્યો છે.
ऊंचा कुल किस काम का ? जहां नहि हरि का नाम ।
तुलसी ताते श्वपच भला, जा मुख में हरि का नाम ।।
ઊંચા કુળમાં જન્મ્યા હોય પણ જો મુખમાં ભગવાનનું નામ ન હોય તો ઊંચા કુળમાં જન્મ મળ્યો એનો શું લાભ ? એના કરતાં તો જેના મુખમાં ભગવાનનું નામ હોય એવા શ્વપચ પણ શ્રેષ્ઠ છે. આપણે તો ભાગ્યશાળી છીએ. આપણને ઉપાસના પણ ઊંચી મળી છે અને આપણા મુખમાં મહામંત્ર છે.
चिंता तो हरि नाम की, और न चिंतवे दास ।
जो कछु चिंतवै नाम बिनु, सोइ काल की फाँस ।।
हे मेरे नाथ ! मैं आपको कभी न भूलुं ।
એક જ ચિંતા રાખો કે, ‘ભગવાન ભુલાતા તો નથી ને !! ભગવાનનું સ્મરણ શરૂ તો છે ને !! ‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ’ તો હૃદયમાં ચાલુ છે ને !! દાસને બીજી ચિંતા હોય નહિ અને બીજું ચિંતવન હોય નહિ.
ભગવાનના નામ વિના બીજું કાંઈ ચિંતવે અથવા બીજી કાંઈ ચિંતા કરે તો સમજી લેવાનું કે, એ જ એને કાળની ફાંસી છે; આવું મોટા મોટા ભક્તો-મુક્તો માનતા હતા. આપણે હજી આટલી હદે ભગવન્નામનો મહિમા સમજ્યા હોતા નથી, પરિણામે આપણને ભગવાનનું નામ લેવાનું તાન ચડતું નથી. અને બીજાં-ત્રીજાં ચિંતન અને બીજા-ત્રીજા વ્યવહારમાં આપણે માલ માન્યો હોવાથી ભગવાનનું સ્મરણ ભૂલી જઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ; તે કાળના કોળિયા જ બની ગયા તો !
कबिर सब जग निर्धना, धनवंत मिले नहि कोय ।
धनवंता सो जानिये, जाके रामनाम धन होय ।।
આખી દુનિયા ગરીબ છે, કોઈ પૈસાવાળો ભાળ્યો નહિ; કારણ કે, જેના મુખમાં ભગવાનનું સ્મરણ હોય, ભગવાનના નામમંત્રનો જાપ હોય એ જ ધનવાન છે. બાકી કોઈ ધનવાન નથી અને આવા ધનવાન ગોત્યા પણ જડતા નથી.
रैदास राती न सोईरू, दिवस न करीरू स्वाद ।
अहर्निशि हरि सुमरिये, छांडि सकल प्रतिवाद ।।
મીરાંબાઈના ગુરુ રૈદાસ કહે છે કે, ‘રાત્રે સૂવું નહિ, દિવસે સ્વાદ, મોજ-શોખ કરવા નહિ, આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું. વાદ, વિવાદ, વિખવાદ બધું પડ્યું મૂકીને અખંડ સ્મરણ કરવું.’
ભગવાનના નામનો મહિમા આપણા જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એવું નથી. લગભગ બધા જ સંપ્રદાયોમાં નામસ્મરણનો મહિમા બહુ જ મોટો કહેવામાં આવ્યો છે. રામભક્ત રામનું સ્મરણ કરે, કૃષ્ણભક્ત કૃષ્ણનું સ્મરણ કરે, હનુમાનજીના ભક્ત હનુમાનજીનું સ્મરણ કરે, માતાજીના ભક્ત માતાજીનું સ્મરણ કરે. જે જેના ભક્ત હોય તે તેમના નામનો પોકાર કરે છે, રટણ કરે છે, સ્મરણ કરે છે. સ્મરણ જેટલું સુગમ અને સરળ કલ્યાણનું સાધન બીજું કોઈ નથી. આનાથી સીધો અને સરળ કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી ! આવો મસ્ત મજાનો ઉપાય આપણે શું કામ કરતા નથી ?
मेरे राम को रीज, भजो के खीज ।
ज्युं खेत में बोये, उलटा सुलटा बीज ।।
તુલસીદાસજી કહે છે, ‘જેમ ખેતરમાં તમે બિયારણ વાવો એમાં ઊલટાં બી પડે કે સુલટાં બી પડે, પણ તે બી ઊગે, ઊગે ને ઊગે જ; એમ મારા રામને તમે રાજીપે ભજો, ખીજાઈને ભજો, પ્રેમથી ભજો કે કંસની જેમ દ્વેષથી ભજો પણ એના ફળસ્વરૂપે કલ્યાણ મળે, મળે અને મળે જ.
આપણે દિવસે, રાત્રે, સવારે કે સાંજે નામ રટણ કરીએ; ખેતરમાં કરીએ કે ઘરમાં-ઓફિસમાં કરીએ; એ બધાય મંત્રનું ફળ પ્રાપ્ત થાય, થાય ને થાય !
रामनाम अमूल्य हे, बिना दाम बिकाय ।
तुलसी अचरज देखीये, ग्राहक कोई न थाय ।।
રામનામ અમૂલ્ય છે અને મફતમાં મળે છે, પરંતુ આશ્ચર્ય તો જુઓ કે મફતમાં મળવા છતાં કોઈ તેના ગ્રાહક જ થતા નથી.
કરવત એક એવું સાધન છે કે જે આવતાં પણ કાપે અને જતાં પણ કાપે; તેમ શ્રીહરિનું નામસ્મરણ કરવત જેવું છે. નામસ્મરણ સભાનપણે કરો કે અસભાનપણે કરો, રાગથી કરો કે દ્વેષથી કરો; પણ પાપને કાપે, કાપે અને કાપે જ. તમે અંધારામાં એકાંતે ગોળ ખાવ કે જાહેર ચોકમાં ખાવ પણ ગળ્યો જ લાગે. અંધારામાં શરબત પીઓ કે અજવાળામાં, પણ મીઠું જ લાગે. અમૃત ભાવથી પીએ કે કુભાવથી પીએ, પણ આપણને અમર બનાવી દે. અમૃત અમૃતનું કામ કરે જ છે. ભગવાનનું નામસ્મરણ પણ અમૃત જેવું જ છે. દ્વેષથી કરે કે ભાવથી કરે પણ નામસ્મરણ કલ્યાણ જ કરે, તો શું કામ ભાવથી ન જપવું !!!
‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ’ એ તમામ મંત્રનો સાર છે. એને રટવાથી ભવભટકણ ટળે, જન્મમરણના ફેરા મટે, તમામ પ્રકારના તાપ ટળી જાય. ભગવાનના નામસ્મરણે અજામેલ આદિક કેટલાક અધમનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનના નામનો મહિમા ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે.
મુક્તાનંદ સ્વામી કહે છે કે, ”આ મંત્રનો જાપ અજ્ઞાનરૂપી અંધારું ખતમ કરશે અને ભગવાન શ્રીહરિનું મહાસુખ આપશે. માટે ચોવીસે કલાક નામ રટો.”