
એકવાર ભગવાન શ્રીસ્વામિનારાયણ થોડા સંતો-ભક્તો સહિત સોરઠની ધરતી પર વિચરી રહ્યા હતા. એક ખેતરમાં પાકેલ બાજરો જોઈને પ્રભુએ પૂછ્યું ‘આ ભાઈ હજુ બાજરો લણતા કેમ નહિ હોય ?’ જાણકારે કહ્યું, ‘મહારાજ ! એ તો આ માયારામ ભટ્ટનું ખેતર છે.’ મહારાજ કહે, ‘અત્યારે જ દાતરડાં અને ચલાખા મંગાવો.’ પછી પ્રભુ પોતે અને સંતો-ભક્તોએ તે આખું ખેતર લણી દીધું અને તેનું અનાજ તૈયાર કરવાની બધી વ્યવસ્થા ગોઠવી દીધી.
આપણને પ્રશ્ન થાય કે, આપણે પણ ભક્તિ કરીએ છીએ પરંતુ આપણાં કામ પ્રભુ કેમ નહિ કરતા હોય ?
એકવાર ગામ બારપટોળીવાળા આહીર કાળુભાઈ વાવડિયા ગઢડે આવ્યા. જ્યારે પ્રભુની પૂજા કરી ભેટ મૂકવાની થઈ ત્યારે તેમને યાદ આવ્યું અને ચિંતામાં સરી પડ્યા.
પછી પ્રગટ પ્રભુ શ્રીહરિએ કહ્યું, ‘ભગત ! ચિંતા કરો મા, અમે તમારું ધન સાચવ્યું છે. પછી એક ઘોડેસવારને પાછો મોકલ્યો, તો ગામ માલપરાની સીતાપરી નદીને કાંઠે ભુલાઈ ગયેલ ધનનું પોટલું મળી ગયું.
આપણને મનમાં થાય કે, મહારાજ આવું મારું કામ કેમ નહિ કરતા હોય ?
ગામ આંબાના દેવશીભાઈ લુહાર શ્રીહરિના એકાંતિક ભક્ત હતા. એકવાર તેમના પુત્રના લગ્નનો પ્રસંગ આવ્યો, પણ તેમની પાસે ધનની કોઈ જ સગવડતા ન હતી. પછી પ્રભુએ દર્શન દઈ સહાય કરવાનું કહ્યું એટલે લગ્નને વધાવી લીધા. ત્યારબાદ જ્યારે જાન લઈને અમરેલી ગયા ત્યારે શેઠનું રૂપ લઈ શ્રીહરિ જેટલા જોઈએ એટલા રૂપિયા આપી ગયા.
આપણને થાય છે ને કે પૈસાની તો મારે પણ બહુ જરૂર છે, પરંતુ ક્યાંય મેળ પડતો નથી. સ્વામિનારાયણ ભગવાન આવા સમર્થ હોવા છતાં મારાં કામ કેમ નહિ કરતા હોય ?
ભગવાન કોનાં સર્વે કામ કરે છે ? તેનો ખુલાસો ગીતાજીમાં કર્યો છે -
अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।।
- ગીતા ૯/૨૨
જે એક મારા જ આશરે-વિશ્વાસે રહી મારું ભજન કરે છે ને મારી સેવા કર્યા કરે છે. વળી, જેને મને પામી જવાની પ્રબળ ઈચ્છા રહ્યા કરતી હોય એવા ભક્તોનાં હું સર્વે કાર્યો સંભાળી લઉં છું. તેનું સર્વ પ્રકારે રક્ષણ-પોષણ કરું છું. અથવા તો જેનાં અભીષ્ટ કાર્યો પ્રાપ્ત થઈ જાય પછી પણ જે મને ભૂલી જાય એવા ન હોય તેવા નિત્યાભિયુક્ત-એકાંતિક ભક્તને જે જે જરૂરી હોય તે બધું હું પૂરું પાડું છું અને તેની રક્ષા પણ હું જ કરું છું.
વહાલા ભક્તો આવાં લક્ષણો આપણામાં કેટલાક મળતાં આવે છે ? આપણે ખરા અર્થમાં આવા અનન્ય ભક્ત બની જઈએ તો પરમ કૃપાળુ પ્રભુ આ લોકથી લઈ અક્ષરધામ સુધીનું આપણું બધું કાર્ય કરવા તૈયાર છે.
મહારાજે જેનું વગર કહ્યે કામ કરી આપ્યું એ મયારામ ભટ્ટ શ્રીહરિ તથા સંતોની સેવામાં સદા હાજર રહેતા અને તેમના ભાઈ ગોવિંદરામ ભજનમાં એવા જોડાઈ જતા કે તેમને વ્યવહારનું ભાન રહેતું નહીં, એટલે પ્રભુ તેમની સર્વે સંભાળ રાખતા હતા.
પેલા કાળુ વાવડિયા વારંવાર શ્રીહરિ તથા સંતોને રસોઈ આપતા. એકવાર મહારાજે કહ્યું, ‘આ વખતે રસોઈ રહેવા દો. ગોપીનાથજીનાં ઘરેણાં કરવાં છે, તેમાં તે ધન આપો.’ પછી કાળુભાઈએ રસોઈ ઉપરાંત તે જમાનાના લગભગ ૨૦૦૦ રૂપિયાનું સોનું લાવી આપ્યું. મહારાજે તે સેવાનો રાજીપો દર્શાવ્યો ત્યારે કહ્યું, ‘હે મહારાજ ! તમે જ મને રૂપિયા દીધા છે તે હું તમને અર્પણ કરું છું; તેમાં મારી મહાનતા કાંઈ નથી.’
વહાલા ભક્તો ! તે ભક્તોની જેમ જો આપણે આપણો સત્સંગ, સેવા, સમર્પણભાવ અને ભજન તપાસીએ તો એ ભક્તો સાથે કેટલાક મળે છે ? પહેલા એમાં ધ્યાન દેવાની બહુ જરૂર છે.
દેવશીભાઈ લુહારે તેના ગામમાં મહારાજના મંદિરને માળવા માટે પોતાનું તમામ ધન તથા ઘરેણું અર્પી દીધું હતું. આમ શિર સાટે સત્સંગ રાખતા હતા, તેથી મહારાજે ખરા ટાણે તેની સહાય કરી હતી. આપણે શ્રીહરિ તથા સત્સંગ માટે આવું કેટલીક વખત કર્યું હશે ?
આપણે પણ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનનો આશરો-વિશ્વાસ, સમર્પણભાવ, ભજન અને આજ્ઞાપાલન; આ ચાર બાબત દૃઢ કરી લઈએ તો શ્રીહરિ આપણાં સર્વે કામ કરવા તૈયાર જ છે.
જો આપણને એમ થાય કે હું જેટલો સત્સંગ રાખું છું, જેટલી સેવા તથા ભજન કરું છું તેટલી પણ શ્રીહરિ સહાય કેમ નથી કરતા ? તો એનો પહેલો જવાબ એ છે કે એથી વધુ કૃપા કરતા જ હોય છે પણ આપણને તેની ખબર નથી અથવા આપણે તેની નોંધ લેતા હોતા નથી.
એક શહેરમાં એક અતિ શ્રીમંત શેઠ અને એક અતિ ગરીબ માણસ રહેતા હતા. એક દિવસ તે બંને ઉદાસ થઈને બેઠા હતા. ત્યારે એક સિદ્ધદશાવાળા સંતે તેમને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. શેઠે કહ્યું, ‘ભગવાન મને ધંધામાં એટલી બધી સફળતા આપે છે કે હું તેની વ્યવસ્થા કરવામાં શાંતિથી સત્સંગ-ભજન કરી શકતો નથી; માટે હવે આટલી બધી કમાણી ન આપે તો સારું.’ ગરીબે કહ્યું, ‘મને અને મારા કુટુંબને જીવન જરૂરિયાતની ચીજ પણ પ્રભુ આપતા નથી, હવે અમારે જીવવું કેમ ?
તે સંતે ભગવાન પાસે જઈ તે બંનેના ઉકેલ પૂછ્યા. ભગવાને કહ્યું, ‘તે શેઠ અમારો ઉપકાર-આભાર માનવાનું બંધ કરે તો હવે નવું આપવાનું બંધ કરી દઉં અને પેલો ગરીબ મારો આભાર માનવાનું શરૂ કરે તો તેના કર્મમાં નથી છતાં ખૂબ જ આપવા લાગું.’
સંતે કહેલી ભગવાનની આ વાત સાંભળી શેઠે કહ્યું, ‘શ્રીહરિ કૃપા કરી આપે અને તેમનો આભાર ન માનું એવું તો કેમ બને ? એ મારાથી નહિ થાય.’ ગરીબે કહ્યું, ‘માંડ ખાવા, પીવા અને ઓઢવા-પહેરવા મળે છે એમાં શું ધૂળ આભાર માનવો ?’ સંતે કહ્યું તો તમને તમારા પ્રારબ્ધ-કર્મથી વધુ કાંઈ જ નહિ મળે.
આવું જ કંઈક આપણા જીવનમાં પણ બનતું હોય છે. ભગવાન જે કાંઈ આપે છે તેનો આભાર માનવાને બદલે આપણી પાસે શું-શું નથી તેના ધોખા કરતા હોઈએ છીએ.
જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને પ્રભુની કૃપા માની વધુ ને વધુ ઋણી બનીએ તો તેનું અભિમાન ન આવે અને ભજન-ભક્તિ, સેવા-સમર્પણ વધ્યા કરે. પછી તેનાથી રાજી થયેલ પ્રભુ આપણા માટે જે જે યોગ્ય હોય તે બધું આપ્યા કરે. માટે હવે આપણે સત્સંગ-ભજન વધારવાનું અને વારંવાર મહારાજને થૅંકયૂ કહી આભાર માનવાનું ખૂબ સ્પીડથી વધારી દઈએ તો શ્રીહરિ આપણાં સર્વે કામ કરશે જ.