ભગવન્નામ-સ્મરણનો મહિમા

ભગવન્નામ-સ્મરણનો મહિમા

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...

શ્રીહરિમાં જેટલું હેત વધે એટલું હૃદય ટાઢું થાય, અંદર શાંતિ થાય, આનંદ વધે. જેટલો ભગવાનનો મહિમા દૃઢ થાય એટલું ભગવાનમાં હેત વધે. જેટલી ભગવાનની મહિમાસભર કથા સાંભળીએ એટલો ભગવાનનો મહિમા થાય. મહિમાવાળા, નિષ્ઠાવાળા જે-જે હોય એનો આપણે જેટલો પ્રેમપૂર્વક સમાગમ રાખીએ એટલા એમના દિવ્ય ગુણો આપણામાં આવે.

આત્માને સુખ માટે જો કોઈ હોય તો એક વહાલા વહાલા મહારાજની દિવ્ય મૂર્તિ જ છે.

ભગવાનમાં જોડાવા માટે, ભગવાનનું અખંડ સ્મરણ કરવા માટે આચાર્યો, સાધુઓ, સત્શાસ્ત્રો, કથા, ભગવાન સ્વામિનારાયણે બંધાવેલાં મંદિરો અને મંદિરમાં બિરાજમાન પુરુષોત્તમનારાયણનાં સ્વરૂપો અતિ ઉપયોગી છે, કલ્યાણકારી છે.

જેનાથી જેટલો લાભ લેવાય એટલો લાભ લઈને ભગવાનમાં જોડાઈ જઈએ. બસ આ જન્મે તો પ્રભુને પામી જ જઈએ. અક્ષરધામમાં જઈને વહાલા મહારાજનો મહાઆનંદ લઈએ અને યુગોના યુગ એ પરમાનંદમાં ઝૂલતા રહીએ.

ભગવાનના ખરા ભક્તએ ભગવાનનો ઉપયોગ ફક્ત ત્રણ બાબત માટે જ કરવો જોઈએ :

  1. ભગવાનને જાણવા માટે :
    સાચો ભક્ત ભગવાનને જાણવા માટે જેટલા પરમેશ્વરને ઉપયોગમાં લેવા પડે એટલા ઉપયોગમાં લે, પણ બીજો ઉપયોગ ભક્ત ન કરે.
  2. ભગવાનને પામવા માટે :
    ભગવાનને સાક્ષાત્ પામવા માટે જે કાંઈ ભગવાનનો ઉપયોગ કરવો પડે એ કરે. એમના ગુણગાનનો, નામનો, ભજનનો, સત્સંગનો, સંતોનો, મંદિર-દેવ કે સંપ્રદાયનો ઉપયોગ ભગવાનને પામવા માટે જ કરે.
  3. અખંડ ભગવાનના આનંદને માણવા માટે :
    ભગવાનના સુખને માણવા માટે એ ભગવાનનો ઉપયોગ કરે.

જે આ ત્રણ ઉપયોગ સિવાય બીજી કોઈ પણ બાબત માટે ભગવાનનો ઉપયોગ કરે નહિ એને ભગવાનનું જ્ઞાન થાય છે, એને સાક્ષાત્ ભગવાન મળે છે અને એને ભગવાન કાયમને માટે ટકે છે.

અક્ષરધામના અધિપતિ, સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ આપણને એમના ધામમાં લઈ જવા માટે આ લોકમાં આવ્યા હતા, નહિ કે માયા દેવા. આપણને માયા આપીને, આપણને એમાં ગૂંચવી મારવા માટે મહારાજે કાંઈ કામ નથી કર્યું.

ભગવાન અને ભગવાનના ધારક જે મોટા પુરુષો છે એમણે સદૈવ દિલમાં એક જ તાન રાખ્યું છે કે, સર્વે જીવ સહજાનંદનો અમર આનંદ પામે, ગામ મૂકી ધામમાં જાય. દેહના સંબંધીને મૂકી સંતોમાં સ્નેહવાળા થાય. દેહનું અભિમાન મૂકી બ્રહ્માભિમાની થાય. વિષયમાં પ્રીતિ-સુખબુદ્ધિ છે ત્યાંથી પ્રીતિ-સુખબુદ્ધિ કાઢી પુરુષોત્તમનારાયણની દિવ્ય મૂર્તિમાં ગાઢ પ્રીતિ-સુખબુદ્ધિ કરે. મહારાજે અને મોટા પુરુષોએ સદૈવ એવો જ દાખડો કર્યો છે.

ગવાન સ્વામિનારાયણને સંભારવા માટે સસ્તામાં સસ્તું, સહેલામાં સહેલું અને સર્વ કાળમાં ખૂબ સુગમ પડે એવું જો કોઈ સાધન હોય તો તે છે : ભગવાનનું નામ – મંત્ર સ્મરણ ! ભગવાન શ્રીસ્વામિનારાયણે એક પત્રમાં પોતે લખાવ્યું હતું કે, જે નામીએ સહિત નામ જપે એને અંતર્યામી દર્શન દેશે અને ધામમાં તેડી જશે. એમાં એક વાક્ય એવું પણ લખ્યું હતું કે, થોડાં થોડાં નામ લેશે એને અંતકાળે દર્શન થશે અને ઝાઝાં નામ લેશે એને તો ઝટ દર્શન થશે. ભગવાનનાં દર્શનથી વધારે આ દુનિયામાં કોઈ મોટી વાત નથી.

આપણે તો પરમાત્માનાં દર્શન પામવાં છે. આપણે માયાના જીવ નથી. આપણે તો પુરુષોત્તમનારાયણને વરવા સારુ આ લોકમાં આવ્યા છીએ. એ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળતા હોય તો શું નું શુંય કરી નાંખવા માટે થનગની રહ્યા છીએ.

ભગવાન સંભારવા જેવું કોઈ મોટું પુણ્ય નથી. અહંકારના ત્યાગ જેવો કોઈ શ્રેષ્ઠ ત્યાગ નથી. વિષયસુખમાં વૈરાગ્ય સમ સાધન નથી. ભગવાનમાં હેત કરવા જેવું આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ કર્તવ્ય નથી. ભગવાનમાં અખંડવૃત્તિ રાખવા જેવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રાપ્તિ નથી. એ માટે આખો દિવસ અતિ હેતે હરિના નામસ્મરણપરાયણ રહેવાય એવા પ્રયત્નમાં રહેવું.

“ધર્મકુંવર હરિકૃષ્ણ ચરણ નખચંદ્રને” આ પ્રેમાનંદ સ્વામીના કીર્તન શ્રેણીના ચોથા પદમાં સ્મરણનો મહિમા બહુ સારો છે. સ્મરણનો મહિમા જાણીએ તો નિર્વિઘ્ને સ્મરણ થાય.

‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે;’

આમાં ‘આજ’ શબ્દ એટલે કે વર્તમાન કાળ ઉપર વજન છે. અન્ય કાળમાં કોઈ બીજા મંત્રની મહત્તા હશે, ગૌરવ હશે, દૈવત હશે પણ આજ તો સ્વામિનારાયણ...સ્વામિનારાયણ રટવામાં સૌથી મોટો લાભ છે.

‘શ્રવણે સુણતાં કંપે દિનકરદૂત જો;’

જમદૂતને દિનકરદૂત કહ્યા છે. દિનકર એટલે સૂર્ય. સૂર્યના દીકરા એટલે યમરાજા અને એના દૂત જમદૂતો. ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળતાં જમદૂત ધ્રૂજવા માંડે છે, ભાગી જાય છે.

વનાં બંધન સદ્ય કાપી સુખિયા કરે;

સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ ભવનાં બંધન કાપીને આપણને સુખી, સુખી કરી મૂકે છે.

શું કહી દાખું મહિમા અતિ અદ્ભુત જો... સ્વામિ ૦૧
મહિમા બહુ મોટો છે, એ સ્વામિનારાયણ નામ;
જપશે જે ભાવથી, તે નક્કી પામશે જ ધામ.

પરમાત્માના નામ-મંત્રનો કેટલો પ્રભાવ છે ? કેટલો પ્રતાપ છે ? એમાં કેટલો લાભ છે ? એ વિશે વિચારીએ તો હરિસ્મરણનું તાન ચઢે અને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, ન્હાતાં-ધોતાં સ્વામિનારાયણ...સ્વામિનારાયણ થયા કરે.

સ્વામિનારાયણ નામ-મંત્ર તો ભગવાન શ્રીહરિએ સં.૧૮૫૮માં ફણેણી મુકામે રામાનંદ સ્વામીના ચૌદમાને દિવસે પ્રકાશિત કર્યો, તો પૂર્વે આ મંત્રથી અનેક પતિતનો ઉદ્ધાર કર્યો એ કેવી રીતે ?

અનેક પતિત ઓધાર્યા પૂરવે આ મંત્ર થકી,
અજામેલ ગનીકા આદિક અપાર જો;

તો એમાં ખોટું કાંઈ નથી. કારણ કે અજામેલ નારાયણ...નારાયણ જપ કરતો હતો. ગણિકા નારાયણ...નારાયણ કરતી હતી. એ નારાયણની આગળ વેદમાંથી ‘સ્વામિ’ શબ્દ મૂક્યો. ‘નારાયણ’ શબ્દ પણ વેદનો જ છે. સર્વના સ્વામી એવા નારાયણ એટલે સ્વામિનારાયણ !

તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો;
કલિમાં કરવા અનેક પતિત ભવ પાર જો...સ્વામિ ૦૨

જે વેદમાં હતો એનો એ જ મંત્ર આજે પ્રગટ કર્યો. એના સ્મરણ માત્રથી અનેક પાપીઓનાં તમામ પાપ સહેજે સહેજે બાળી, તમામ વાસનાથી એની મુક્તિ કરાવી એને અક્ષરધામ આપવા માટે મહારાજે પોતે આ મંત્ર પોતાના મુખથી પ્રગટ કરીને સૌને જપવા માટે આપ્યો છે.

સકામી જન સુમરી પામે ત્રિવર્ગને,
નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો,

સકામ ભક્ત નામ સ્મરણ કરે તો ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થને પામે અને નિષ્કામી ભક્ત નામ સ્મરણ કરે તો નિર્વાણપદ પામે.

નામ તણા નામી સ્વામિ પ્રગટ મળ્યા;
તે જનના શું કરું મુખે વખાણ જો...સ્વામિ ૦૩

કેવા મોટા પરમાત્મા ! કેવા આનંદદાયી ! કેવા સુખાળા ! કેવા હેતાળા ! એવા નામના નામી, ધામ તણા ધામી, અંતર્યામી સ્વામિનારાયણ ભગવાન જેને પ્રગટ મળ્યા, તે જનનાં હું શું વખાણ કરું ? એનું તો કામ થઈ ગયું.

ભવ બ્રહ્મા મુનિ મુક્ત જપે આ મંત્રને,
તે સહુ પામ્યા મન વાંછિત સુખસાજ જો;
પ્રેમાનંદ કહે કર જોડી સહુ જનને;
ભૂલશો મા અવસર આવ્યો છે આજ જો...સ્વામિ ૦૪

આ મંત્ર જપીને ઠામો ઠામ, ધામો ધામ, દેવ-ઈશ્વરો, મુક્તો, મનવાંછિત સુખ પામે છે.

પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં કેવો મહિમા છે ! આપણા હૃદયમાં જો એવો મહિમા થઈ જાય તો ભગવાન ભૂલવા હોય તોપણ ભૂલાય નહીં. કામકાજ કરતાં, હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સાંભર્યા જ કરે !